ખાંડ એ ગુજરાતીઓના ભોજનનું એક અભિન્ન અને મુખ્ય તત્વ છે. કદાચ આ હકીકતને કારણે જ અન્ય લોકો ગુજરાતીઓ માટે આવું પણ કહે છે કે વધુ પ્રમાણમાં ગળ્યું ખાવાને કારણે ગુજરાતીઓ સ્વભાવે મીઠા-મધૂરા હોય છે. આમ તો ગુજરાતની શું ભારતની દરેક નહી તો મોટા ભાગની મીઠાઇઓને ખાંડ વગર બનાવવી મુશ્કેલ છે. ભારતના દરેક રાજ્યના રસોડાઓમાં ખાંડનું અનેરું સ્થાન છે. ખાંડવાળા પદાર્થો ખાવાથી તબિયત બગડે એ વાત બધાં જ જાણે છે પરંતુ ગળી વાનગીઓ કે મીઠાઇઓ સામે આવે ત્યારે એ ખાવાનો મોહ ટાળવો એ આસાન કામ નથી. ખાંડવાળા ખોરાક કે મીઠાઇઓ ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધવાની શકયતા વધી જાય છે અને એ વાત સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય. 

તમારું બ્લડ સુગર લેવલ સમતોલ રાખવા અને સ્વસ્થ જીવન જીવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે ખાંડનો ઉપયોગ ઘટાડવો. પણ એ કરવું કેમ કરીને? શું  ખાંડ વગરની મીઠાઇ કોઇ ખાવાનું હતું? આનો જવાબ છે કે હાં, ખાંડનો ઉપયોગ ઘટાડવા માટે ખાંડના પર્યાય વાપરવાનું શરૂ કરો. શરૂઆતમાં આ વાત થોડી કપરી લાગશે પરંતુ પાછળથી આદત પડી જશે અને તમને પોતાને તમારા સ્વાસ્થ્યમાં ફરક પડતો જણાશે. આપણે એ જાણવું જોઈએ કે આપણા ખોરાકમાં શરૂઆતથી ખાંડ આટલી વ્યાપક નહોતી, સમય સાથે ખાંડનો વપરાશ વધ્યો છે. હવે જ્યારે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે તે બાબતે જાગૃતી આવી છે તો તેના પર્યાયો પણ ચર્ચવા જોઈએ.

અહી આપણે ખાંડના પાંચ પર્યાયો અંગે ચર્ચા કરીશું. જે આપના  ભોજનમાં માત્ર મીઠાશ જ નહીં વધારે પણ એ સ્વાદિષ્ટ અને શક્તિપ્રદાન પણ હોવાની વાત તમે માનતા થઇ જશો. હાં, કયાં ખોરાકમાં કયો પર્યાય ઉમેરવો એ દરેકે જાતે  નક્કી કરવાનું છે. 

મધ
મધ એ કુદરતી ગળ્યો પદાર્થ હોવા સાથે આયુર્વેદિક દ્રષ્ટીએ ઉત્તમ ઔષધ મનાય છે આથી જ તે ખાંડનો સર્વશ્રેષ્ઠ પર્યાય છે. મધમાં કુદરતી ખાંડ, જરૂરી વિટામિન, મિનરલ્સ, પ્રોટિન અને સારા પ્રમાણમાં પાણી હોય છે. આ કુદરતી અમૃત લોહીનો પ્રવાહ વધારે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે. લોહી શુદ્ધ કરવાની સાથે એ તમને સામાન્ય શરદી અને ઉધરસ જેવાં રોગોથી પણ બચાવે છે. આથી જ  ભોજનમાં મધનો ઉમેરો કરવાથી માત્ર સ્વાદ જ નહીં પણ તંદુરસ્તી પણ વધશે. 

ગોળ

ખાંડનો સૌથી નજીકનો પર્યાય કોઇ હોય તો એ ગોળ છે. ભારતમાં તો પ્રાચીનકાળથી ગોળનો ઉપયોગ થાય છે. વળી, ખાંડની મોટા ભાગની મીઠાઈઓ પણ ગોળનો ઉપયોગ કરી બનાવી શકાય છે. ગામડાંઓમાં તો હજુય ગોળના વપરાશનું પ્રમાણ ખાંડ કરતાં વધુ છે. ગોળ ખાંડ કરતા વધુ ગળ્યો અને સ્વાદિષ્ટ હોય છે. ગોળને તમે ખાંડની જેમ પણ વાપરી શકો અને પ્રવાહી સ્વરૂપમાં પણ વાપરી શકો છો. કબજિયાત, અપચો અને કફ જેવા અનેક રોગોને મટાડનાર ગોળને મીઠી દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ડ્રાય-ફ્ર્રુટ્સ – સૂકામેવા

તમને જ્યારે મીઠાઇ ખાવાનું મન થાય ત્યારે મીઠાઇને બદલે સૂકામેવાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય. જે ભોજનમાં થોડા પ્રમાણમાં ખાંડની જરૂર હોય તેમાં તમે ખાંડને બદલે સૂકોમેવો ઉમેરી શકો. તમે ખજૂરનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરી શકો, ભોજનમાં કિસમીસ ઉમેરી શકો, અંજીર લૂખા ખાઇ શકો, સૂકા આલુબુખારાને સલાડમાં કે સ્વીટ ડિસમાં ઉમેરી શકો, સુકા મેવામાં ગળપણની સાથે સાથે શરીરને ઉપયોગી અન્ય ઘટક તત્વો પણ સમાયેલા હોવાથી તે ખાંડ દ્વારા થતું નુકશાન તો બચાવે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે સકારાત્મક અસરો ઉપજાવે છે.

સ્ટેવિઆ

સ્ટેવિઆએ આયુર્વેદમાં વપરાતો એક છોડ છે અને સામાન્ય રીતે મીઠા પાન તરીકે ઓળખવામાં આવે છે. તેના પાનનો સ્વાદ મીઠો હોય છે. સ્ટેવિઆનો ઉપયોગ પણ તમે ખાંડના પર્યાય તરીકે કરી શકો. લો કેલેરીવાળા હોવાને કારણે વજન ઘટાડવા માગતા લોકો અને ડાયાબિટીસવાળાને આ પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ છોડના પાનનો ભૂકો આયુર્વેદની દુકાનોમાં આસાનીથી મળતો હોય છે. દાંત સડતા રોકે છે, પેટમાં એસિડિટી ઘટાડે છે અને બ્લડ સુગર ઘટાડે છે. જાપાનમાં દાયકાઓથી આ છોડનો ઉપયોગ સ્વીટનર તરીકે કરવામાં આવે છે. 

ફળ 

કેરી, કેળા, ગાજર, પપૈયા, સફરજન અને તરબુચ ખાંડના ઉત્તમ પર્યાય તરીકે વાપરી શકાય. આ ફળોમાં માત્ર ખાંડ જ નહીં પણ અન્ય પ્રોટિન પણ ભર્યા પડયા છે. ફળો ખાવાથી બ્લડ સુગર પર તો તમે કાબુ મેળવી જ શકશો પણ એ સાથે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. 

હવે, ડોકટર આપણને ખાંડ સંપૂર્ણ બંધ કરાવે અથવા બનાવટી સ્વીટનર ફરજીયાત ખાવા પડે તેના કરતા જુદી જુદી પરિસ્થિતિમાં ખાંડના અનુકુળ પર્યાયો વાપરી સ્વાસ્થ્ય જાળવવું શક્ય હોય તો પછી શા માટે માંદા પડવું? મને લાગે છે કે આ ગળ્યા પદાર્થો વાપરી તેટલા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ ઘટાડીએ તો જરૂર તેની વિપરીત અસરોથી બચી પણ શકાય અને સ્વાદ સાથે સમજુતી કરવાપણું પણ ના રહે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

ખાંડનો ઉપયોગ ઘટાડવા શું કરીએ ? was last modified: January 2nd, 2017 by Pankaj Patel