Press "Enter" to skip to content

લગ્ન – સંસ્થા છે કે સંસ્કાર ?

Pankaj Patel 2

લગ્ન એ પુરુષ અને સ્ત્રીના સામાજીક સબંધોની ચરમસીમા છે. લગ્ન અંગે સામાન્ય જનો કે જેમણે સમાજશાસ્ત્રનો વિધિવત અભ્યાસ કરેલ નથી તેમને અપૂરતી સમજ હોય છે. પરાપૂર્વથી લગ્નના જે ખ્યાલો છે તેમાં સમયાનુસાર બદલાવ આવતા રહે છે. આજે લીવ-ઇન-રીલેશનશીપ જેવા સબંધો માન્યતા મેળવી રહ્યા છે તો વળી, ગે અને લેસ્બિયન સંબંધો પણ કેટલાક સમાજોમાં પ્રચલન પામી રહ્યા છે. આવા બદલાતા સમયમાં લગ્ન અંગે જાણવું રસપ્રદ થઇ રહેશે. અહી ચર્ચેલા મુદ્દા ધોરણ 11 ના સમાજશાસ્ત્ર વિષયના અભ્યાસક્રમનો ભાગ છે. આમ છતાં, તે વિષયના વિદ્યાર્થીઓ સિવાય પણ દરેકને આ માહિતી ગમશે તેવી આશા છે.

લગ્નસંસ્થા એ કુટુંબવ્યવસ્થા સાથે જોડાયેલી મહત્વની સંસ્થા છે. ‘લગ્ન’ એ કુટુંબ સંસ્થાનું પહેલું પગથિયું છે. લગ્ન માનવસમાજની સાર્વત્રિક ઘટના છે. લગ્નનાં સ્વરૂપો, હેતુઓ, ખ્યાલો, આદર્શો, મૂલ્યો વગેરે બાબતમાં જુદા જુદા સમાજમાં ભિન્નતા જોવા મળે છે.

લગ્નનો અર્થ :

“લગ્ન એક મહત્વની સામાજિક જરૂરિયાત તરીકે વિશ્વના દરેક સમાજે સ્વીકારેલી મૂળભૂત અને પાયાની સામાજિક સંસ્થા છે.”

લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને નિશ્વિત પતિ-પત્ની તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને તેમના જાતીય સંબંધોને સામાજિક માન્યતા મળે છે.

જાતીય સંબંધોની માન્યતાને કારણે જન્મ લેનાર બાળકો કાયદેસરનાં ગણાય છે અને પતિ-પત્નીને માતા-પિતાનો દરજ્જો મળે છે.

હેરી જ્હૉન્સનના મત પ્રમાણે, “લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં પુરુષ અને મહિલાને એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને, પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકોને જન્મ આપવાની અનુમતિ મેળવે છે.”

વેસ્ટર માર્ક જણાવે છે કે, “લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે મહિલાઓ સાથેનો સંબંધ છે, જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનાર વ્યક્તિઓ અને જન્મ પામનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે.”

ઇ. એસ. બોગાર્ડસના મત પ્રમાણે, “લગ્ન એ મહિલા અને પુરુષને કૌટુંબિક જીવનમાં પ્રવેશ અપાવતી સંસ્થા છે.” લગ્ન માનવીની જાતીય વૃત્તિનું નિયંત્રણ કરે છે અને આ વૃત્તિનું સમાજને માટે ઉપયોગી ઢાંચામાં નિયમન કરે છે.

લગ્નસંસ્થા આદિકાળથી આધુનિકકાળ સુધી કોઈ ને પ્રકારે મહિલા અને પુરુષના સંબંધોને નિયંત્રિત કરતી રહી છે.

લગ્નના ઉદેશો (હેતુઓ) :

1 ધર્મ (ધાર્મિક ફરજોનું પાલન) : હિન્દુ ધર્મમાં લગ્નને પવિત્ર સંસ્કાર માનવમાં આવે છે. હિંન્દુઓ માટે લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે. પ્રત્યેક હિન્દુ પુરુષે પોતાના જીવનકાળ દરમિયાન અમુક ધાર્મિક ફરજો પુરુષ એકલો બજાવી શકતો નથી. ધાર્મિક વિધિ-વિધાનો અને ફરજો બજાવવા માટે પત્નીનો સાથ જરૂરી છે.

2 પ્રજા (સંતતિપ્રાપ્તિ) : લગ્નનો ઉદ્દેશ સંતતિપ્રાપ્તિનો છે. પ્રાચીન સમયમાં શિષ્ય જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી ગુરુના આશ્રમમાંથી વિદાય થતો હોય ત્યારે ગુરુ તેને આદેશ આપતા કે, “જે પ્રમાણે તમારા પૂર્વજોએ સંતતિને જન્મ આપ્યો છે તે જ પ્રમાણે તમે પણ સંતતિને જન્મ આપજો.” સમાજનું સાતત્ય અને અસ્તિત્વ જાળવી રાખવા માટે સમાજમાં નવી સંતતિનું સર્જન થાય એ આવશ્યક છે.

3 રતિ (જાતીય સંતોષ) : લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને સામાજિક રીતે જાતીય સંતોષ પ્રાપ્ત થાય છે. લગ્નના ઉદ્દેશમાં જાતીય વૃત્તિના સંતોષને સ્થાન આપીને શાસ્ત્રકારોએ વ્યક્તિગત જરૂરિયાતોને પણ મહત્વ આપ્યું છે.

4 ગૃહનિવાસ : લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને સામાજિક રીતે એકબીજા સાથે ગૃહનિવાસ કરવાનો અધિકાર મળે છે.

હવે આપણે લગ્નના પ્રકારો જાણીએ.

લગ્નસંબંધથી જોડાતાં સાથીઓની સંખ્યાના આધારે લગ્નના પ્રકારો નક્કી કરવામાં આવે છે. પતિ-પત્ની તરીકે જોડાતાં પુરુષો અને મહિલાઓની સંખ્યાના આધારે લગ્નના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે : (1) એક સાથી લગ્ન અને (2) બહુ સાથી લગ્ન.

લગ્નના પ્રકારો :

  1. એકસાથી લગ્ન : એકસાથી લગ્ન પ્રકારમાં મહિલા અથવા પુરુષ કોઈ એક સમયે એક પુરુષ અથવા એક મહિલા સાથે લગ્નસંબંધથી જોડાયેલા હોય છે. આ લગ્નપ્રકારમાં કોઈ પણ પરિણીત મહિલા અથવા પરિણીત પુરુષને એક સમયે એક જ પતિ અથવા એક જ પત્ની હોય છે. જ્યાં સુધી પ્રથમ લગ્નસંબધનનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બીજાં લગ્ન કરી શકતાં નથી. જીવનસાથીનું નિધન થાય અથવા કાયદા કે સામાજિક પ્રથા દ્વારા માન્ય છુટાછેડા થાય તો જ બીજા લગ્ન કરી શકે છે. વિશ્વના મોટા ભાગના સમાજમાં આ પ્રકારના લગ્નસંબંધો અસ્તિત્વ ધરાવે છે અને સર્વસ્વીકૃત છે.
  2. બહુસાથી લગ્ન : બહુસાથી લગ્નપ્રકારમાં લગ્નસંબંધથી જોડનાર મહિલા અને પુરુષમાંથી કોઇ પણ એક પક્ષે સમાજમાન્ય રીતે સંખ્યા એક કરતાં વધુ હોય તેવા લગ્નપ્રકારને ‘બહુસાથી લગ્ન’ કહે છે. બહુસાથી લગ્નના પણ બે પેટા પ્રકાર છે. (A) બહુપત્નીત્વ લગ્ન અને (B) બહુપતિત્વ લગ્ન.
  • (A)બહુપત્નીત્વ લગ્ન : જ્યારે કોઇ એક પુરુષ એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્નસંબધથી જોડાય ત્યારે તે લગ્નને ‘બહુપત્નીત્વ લગ્ન’ કહેવાય. બહુપત્નીત્વ લગ્નના બે પ્રકાર છે 
  • (a) ભગિની બહુપત્નીત્વ લગ્ન : કોઈ એક પુરુષ સાથે લગ્નસંબધથી જોડાનાર તમામ મહિલાઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેવા લગ્નપ્રકારને ‘ભગિની બહુપત્નીત્વ લગ્ન’ કહે છે.
  • (b) અભગિની બહુપત્નીત્વ લગ્ન : જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્નસંબંધથી જોડાનાર તમામ મહિલાઓ પરસ્પર સગી બહેનો ન હોય ત્યારે તેવા લગ્નપ્રકારને ‘અભગિની બહુપત્નીત્વ લગ્ન’ કહે છે.
  • (B) બહુપતિત્વ લગ્ન : જ્યારે કોઈ એક સ્ત્રી એક કરતા વધુ પુરુષો સાથે લગ્ન કરે તો તેને બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે.

આપણે લગ્નના પ્રકારો જોયા તે પછી સમાજમાં જીવનસાથીની પસંદગીનાં ક્ષેત્રોને નિર્ધારિત કરતાં ધોરણો અસ્તિત્વમાં છે તે જોઈએ. કારણ કે સામાન્ય રીતે જોઈએ તો સમાજમાં ગમે તે પુરુષ ગમે તે સ્ત્રી સાથે લગ્ન કરે તેમ બનવાની જગ્યાએ અમુક સ્ત્રી પુરુષો જ લગ્ન કરતા જોવા મળે છે. આમ, દરેક સમાજમાં લગ્ન માટેના સાથીની પસંદગી ખાસ ધોરણે થતી જોવા મળે છે.

લગ્નસાથીની પસંદગીનાં ક્ષેત્રોને નિર્ધારિત કરતાં ધોરણો :

સમાજમાં જીવનસાથીની પસંદગી માટે આપવામાં આવતી સ્વતંત્રતા મર્યાદિત હોય છે. કોણ કોની સાથે લગ્નસંબંધથી જોડાઇ શકે અને કોની સાથે લગ્નસંબંધથી ના જોડાઇ શકે તે અંગેનાં સામાજિક ધોરણો દરેક સમાજમાં અલગ અલગ હોય છે. રીતરિવાજો, જ્ઞાતિનિયમો અને સામાજિક ધોરણો દ્વારા દરેક સમાજમાં લગ્નસાથીની પસંદગીનાં ક્ષેત્રોને નિર્ધારિત કરવામાં આવે છે, જે નીચે મુજબ છે :

1 અંતર્લગ્ન : રિવાજ અનુસાર અમુક સમૂહના પુરુષો અમુક સમૂહની મહિલાઓ સાથે જ લગ્નસંબંધથી જોડાઇ શકે છે. આમ, જે સમૂહના સભ્યો પરસ્પર લગ્નસંબંધથી જોડાઇ શકે તેવા સમૂહને ‘અંતર્લગ્નની સમૂહ’ કહેવામાં આવે છે. હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ અંતર્લગ્નીય સમૂહ છે. પરંપરામાં માનતા હિન્દુઓ વર્તમાન સમયમાં પણ પોતાની જ્ઞાતિમાંથી જ લગ્નસાથીની પસંદગીનો આગ્રહ રાખે છે. ભારતમાં જૈન, ઇસ્લામ, બૌદ્વ, પારસી, શીખ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં તેમજ આદિવાસી સમુદાયમાં પણ અંતર્લગ્નની પરંપરા પ્રવર્તે છે.

2 બહિર્લગ્ન : લગ્નસાથીની પસંદગી કયા ક્ષેત્રમાંથી કરી શકાય નહી તે નક્કી કરતા નિયમને ‘બહિર્લગ્નના નિયમો’ કહેવામાં આવે છે. આ નિયમ મુજબ નિકટતા સમુહો જેવા કે ભાઇઓ, બહેનો અને અન્ય રક્તસંબંધીઓની વ્યાખ્યામાં આવતાં સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહી. આ સંદર્ભમાં જુદા જુદા સમાજમાં જુદા-જુદા નિયમો પ્રવર્તે છે. વ્યક્તિના નિકટના સંબંધીઓ સાથેના જાતીય સંબંધોને અનૈતિક અને અનાચારી ગણવામાં આવે છે. આવા લગ્નસંબંધોનો સમાજમાં પ્રતિબંધ પ્રવર્તે છે.

3 સમલોમ લગ્ન : પોતાની સમકક્ષ, પોતાના જૂથ કે પોતાની જ્ઞાતિમાંથી લગ્નસાથીની પસંદગી કરવાના લગ્ન પ્રકારને ‘સમલોમ લગ્ન’ કહે છે.

4 અનુલોમ લગ્ન : સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિ કે વર્ણની મહિલાને લગ્નસાથી તરીકે પસંદ કરે તે લગ્નપ્રકારને ‘અનુલોમ લગ્ન’ કહે છે.

5 પ્રતિલોમ લગ્ન : સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિ કે વર્ણની મહિલા પોતાનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને લગ્નસાથી તરીકે પસંદ કરે તે લગ્નપ્રકારને ‘પ્રતિલોમ લગ્ન’ કહે છે.

અંતર્લગ્ન અને બહિર્લગ્નના નિયમો દ્વારા લગ્નસાથીની પસંદગીનું ક્ષેત્ર નિર્ધારિત થાય છે, પરંતુ આ ઉપરાંત નિર્ધારિત ક્ષેત્રમાંથી પણ ખાસ પસંદગીની બાબતમાં કોને અગ્રતા આપવી તે દર્શાવતાં ધોરણો પ્રવર્તે છે.

લગ્નસાથીની પસંદગીમાં અગ્રતાસૂચક ધોરણો :

1 કુલીનશાહી : માતા-પિતાએ પોતાની પુત્રીનાં લગ્ન તેમના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્વષ્ટિએ ઉચ્ચ ગણાતાં કુળના પુરુષ સાથે કરવાં જોઈએ. આવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે. આ પ્રકારનાં લગ્નને ‘કુલીનશાહી લગ્ન’ કહે છે. વર્તમાનમાં કેટલીક જ્ઞાતિઓમાં ‘કુલીનશાહી’ લગ્નપ્રથા છે.

2 દિયરવટું : પતિના અવસાન બાદ પત્ની પોતાના મૃત પતિના નાના ભાઇ સાથે પુનર્લગ્ન સંબંધથી જોડાય, જેને ‘દિયરવટું’ કહેવામાં આવે છે.

3 જેઠવટું : પતિના અવસાન બાદ પત્ની પોતાના મૃત પતિના મોટા ભાઇ સાથે પુનર્લગ્ન સંબંધથી જોડાય, જેને ‘જેઠવટુ’ કહેવામાં આવે છે.

4 સાળીવટું : પત્નીના અવસાન બાદ પતિ પોતાની મૃત પત્નીની બહેન સાથે પુનર્લગ્ન સંબંધથી જોડાય, જેને ‘સાળીવટુ’ કહેવામાં આવે છે.

5 પિતરાઇ લગ્ન : કેટલાક સમૂહમાં વ્યક્તિના પિતાના પક્ષે કાકા કે ફોઇનાં સંતાનો અથવા માતાના પક્ષે મામા કે માસીનાં સંતાનોને લગ્નસાથી તરીકે પ્રથમ પસંદગી આપવાના રિવાજોને ‘પિતરાઇ લગ્ન’ કહેવામાં આવે છે.  

સંસાર પરિવર્તનશીલ છે. સમાજ પણ સતત પરિવર્તન પામતો રહે છે. જેથી લગ્નસંસ્થામાં પણ  પરિવર્તનો થાય છે.  મહિલાશિક્ષણ અને મહિલાઓનો વ્યવસાયપ્રવેશ, વિજ્ઞાન અને ટેકનોલૉજી તથા સંચાર-માધ્યમોનો વિકાસ, ઔદ્યોગીકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ, બિનસાંપ્રદાયિકતા, વ્યક્તિવાદ, સ્વતંત્રતા અને સમાનતા વગેરે પરિબળોના કારણે આધુનિક સમયમાં લગ્નસંસ્થામાં પરિવર્તનો આવ્યાં છે, જે નીચે પ્રમાણે છે.

1 લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે : લગ્નમાં હવે ધાર્મિક વિધીની માત્ર ઔપચારિકતા જોવા મળે છે. લગ્નને પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે.

જાતીય પવિત્રતાનું ધાર્મિક મહત્વ ઘટ્યું છે. લગ્ન એક ફરજ છે તેવો ખ્યાલ હવે રહ્યો નથી.

લગ્નને આત્મવિશ્વાસનું સાધન માનવાને બદલે લગ્ન અવરોધરૂપ છે તેવી વિચારસરણી વિકસવા લાગી છે.

લગ્નવિધિમાં ‘કન્યાદાન’ મહત્વની બાબત છે. તેમાં માતા-પિતા પોતાની કન્યાનું વરને દાન કરે છે. તેમાં માતા-પિતા કન્યાની કોઈ કિંમત લેતા નથી, પરંતુ કન્યાદાન ભેટ તરીકે આપવામાં આવે છે.

આજે પણ કન્યાદાનની વિધિ તો થાય છે, પરંતુ તેમાં ભૌતિકતા, સામાજિક પ્રતિષ્ઠા, દહેજ વગેરે ખ્યાલ વ્યક્ત થાય છે. આમ, કન્યાદાનમાં જે ધાર્મિક અને આધ્યાત્મિક તત્વો હતાં તેની જગ્યાએ હવે સામાજિક અને ભૌતિક તત્વો જોવા મળે છે.

2 હિન્દુ લગ્નમાં વિકસતું કરારી સ્વરૂપ : હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, પરંતુ આધુનિક યુગમાં લગ્નનું સ્વરૂપ એક કરાર થઈ રહ્યું છે.

બિનસાંપ્રદાયિકતા અને વ્યક્તિવાદી વલણોના કારણે લગ્નનાં આધ્યાત્મિક મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે.

ઇ.સ. 1954ના ‘સ્પેશિયલ મૅરેજ ઍક્ટ’ હેઠળ થયેલાં લગ્નોમાં બંનેની સંમતિથી છુટાછેડા મેળવી શકાય છે. કાયદાઓના કારણે લગ્નવય ઊંચી ગઇ છે. વિધવાલગ્ન અને પ્રેમલગ્ન સ્વીકૃત બન્યાં છે.

મહિલા અને પુરુષ બંનેને છુટાછેડાનો અધિકાર મળ્યો છે. જ્ઞાતિઓના નિયમ પ્રમાણે પણ છુટાછેડા મેળવી શકાય છે.

આમ, લગ્નમાં કરારી તત્વોનો વિકાસ થયો છે.

આમ, છતાં, લગ્નસંસ્થા પરથી પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યોનો પ્રભાવ સંપૂર્ણ અદ્વશ્ય થયો નથી. લગ્ન સમયની વૈદિક વિધિઓ જળવાઇ રહી છે.

પ્રેમલગ્નો અલ્પ પ્રમાણમાં થાય છે. છુટાછેડાનું પ્રમાણ પણ બહુ જ ઓછું છે.

હિન્દુ લગ્નનું પ્રાચીન આધ્યાત્મિક સ્વરૂપ અંશત: બદલાયું હોવા છતાં તેનું સંસ્કાર તરીકેનું સ્વરૂપ પૂર્ણપણે નષ્ટ થયું નથી.

3 લગ્નવય ઊંચી આવતી જાય છે : ભારતીય સમાજમાં ભૂતકાળની તુલનામાં બાળલગ્નોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા કાનૂની સુધારા દ્વારા લગ્નવય છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની કરવામાં આવી છે. કાનૂની સુધારા ઉપરાંત મહિલાશિક્ષણનો વિકાસ, ધાર્મિક ખ્યાલોનો તથા જ્ઞાતિના પરંપરાગત રિવાજોનો ઘટેલો પ્રભાવ વગેરે કારણોસર લગ્નવય ઊંચી ગઈ છે. પુખ્તવયે લગ્ન એ હવે રિવાજ બનતો જાય છે.

4 લગ્નસાથીની પસંદગીનાં ધોરણોમાં પરિવર્તન : પરંપરાગત રીતે લગ્નસાથીની પસંદગી માતા-પિતા કે વડીલો દ્વારા નક્કી કરવામાં આવતી હતી. સમાજમાં લગ્નને બે કુટુંબના જોડાણ તરીકે સ્વીકરવામાં આવતું હતું. વર્તમાન સમયમાં લગ્નસાથીની પસંદગીનાં ધોરણોમાં પુરુષ અને મહિલાની ઇચ્છાને મહત્વ આપે છે. માતા-પિતા લગ્નસાથીની પસંદગીની બાબતમાં દબાણ કરતા નથી. લગ્નસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને મહત્વ આપવામાં આવે છે.

5 આંતરજ્ઞાતિય લગ્ન શક્ય બન્યાં છે : વિવિધ કાનૂની પગલાં અને સુધારણા પ્ર્રવૃત્તિઓના પરિણામે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના લગ્નસંબંધો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. મહિલાશિક્ષણ, સહશિક્ષણ, સહકાર્ય, પડોશ, પિકનિક અને મેળાવડાઓમાં યુવક-યુવતી વચ્ચે વધતા જતા સંપર્કના કારણે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યાં છે. સરકાર દલિત જ્ઞાતિ અને અન્ય જ્ઞાતિ વચ્ચે થયેલા લગ્નને પ્રોત્સાહન અને આર્થિક સહાય આપે છે. ઇ.સ. 1949ના ‘હિન્દુ મૅરેજ વૅલિડિટી ઍક્ટ’ હેઠળ આંતરજ્ઞાતીય લગ્નને સમર્થન પ્રાપ્ત થયું છે.

6 સ્વ-પસંદગીનાં લગ્નનું પ્રાધાન્ય વધ્યું : આધુનિક સમયમાં લગ્નસંસ્થામાં સ્વ-પસંદગીની બાબતમાં પરિવર્તન આવ્યું છે. સમાજમાં ચાલતા અનેક પરિબળોના કારણે સ્વ-પસંદગીનાં લગ્ન થવા લાગ્યાં છે. આવાં લગ્નોની સંમતિની બાબતમાં સમાજ ઉદારતા અને સહિષ્ણુતાભર્યું વર્તન દાખવે છે. સ્વ-પસંદગીનાં લગ્નોની સ્વીકૃતિ મળતાં આવાં લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે.

7 છુટાછેડાને કાનૂની માન્યતા : વર્તમાન ભારતમાં મહિલા અને પુરુષ બંનેને કાયદા દ્વારા છુટાછેડાનો સમાન અધિકાર મળ્યો છે. પરંપરાગત ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર સંસ્કાર મનાતું હોવાથી    છૂટાછેડા સમાજમાન્ય ન હતા. ઇ.સ. 1955 ના ‘હિન્દુ લગ્ન ધારા’માં છુટાછેડાની જોગવાઇ કરવામાં આવી છે. દુ:ખી દામ્પત્યજીવનનો અંત લાવવા હવે મહિલાઓ અને પુરુષો છુટાછેડાનો માર્ગ અપનાવી શકે છે. સમાજમાં પણ છુટાછેડાને સ્વીકૃતિ મળવા લાગી છે. છુટાછેડા બાદ પુનર્લગ્ન થવા લાગ્યાં છે. આમ, છતાં, હજુ લગ્નનું એક સંસ્કાર તરીકેનું સ્વરૂપ ટકી રહ્યું છે.

8 બહુપતિ-બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યાં છે : ઇ.સ. 1955ના ‘હિન્દુ મૅરેજ ઍક્ટ’ હેઠળ હિન્દુઓમાં બહુપતિ તેમજ બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યાં છે. આ કાયદાના કારણે હિન્દુ સમાજમાં બહુપતિ-પત્ની લગ્નપ્રથાનો સંપૂર્ણ અંત આવ્યો છે.

આ સમગ્ર ચર્ચાને અંતે આપે જાણ્યું હશે કે આપણે જે બાબત સર્વ સામાન્ય લાગતી હોય તેનો શાસ્ત્રીય અભ્યાસ ખુબ ઊંડાણથી કરીએ તો તેવી બાબતે જાગૃતિ ફેલાય તેમજ સામાન્ય જ્ઞાન General Knowledge માં વૃદ્ધિ થાય. આપણા સામાજીક વિજ્ઞાનો Social Sciences આ અંગેના અભ્યાસો કરી આપણી જ્ઞાન વૃદ્ધિની સાથે સાથે પ્રશ્નોના ઉકેલનું કાર્ય પણ કરે છે. તેથી જ Physics, Biology જેવા પ્રાકૃતિક વિજ્ઞાનોની સાથે સાથે સામાજીક વિજ્ઞાનોનો અભ્યાસ પણ જરૂરી છે.https://goo.gl/slGBTA 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Samir Parekh Samir Parekh

    Very fine description of hindu marraige. Enjoyed !!

  2. Samir Parekh Samir Parekh

    Very good & eleaborate discription of Hindu Marraige. Good, Enjoyed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *