Press "Enter" to skip to content

શવાસન

Yogesh Patel 0

શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.

મૂળ સ્થિતિ : પીઠ ઉપર શાંતિથી ચત્તા સૂઈ જાઓ.

પદ્ધતિ :

  • પીઠના આધારે ચત્તા સૂઈ જાઓ. બંને પગ વચ્ચે અડધા ફૂટ જેટલું અંતર રાખો.
  • ત્યારબાદ બંને પગના અંગૂઠા એકબીજાને અડકાડો.
  • ત્યાર પછી બે પગ વચ્ચે આશરે 30 થી 40 સેન્ટિમીટર જેટલી જગ્યા રાખીને બંને પગના પંજા ડાબી-જમણી તરફ બહારની દીશામાં ઢાળેલા રાખો.
  • બંને હાથ બાજુએ અનૂકૂળતા મુજબ શરીરથી 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખો.
  • બંને હાથની હથેળીઓ આકાશ તરફ રાખીને મૂઠ્ઠી ખુલ્લી રાખો.
  • ગરદન સીધી રાખી અને આંખો બંધ કરો.
  • શ્વાસ ઊંડા અને ધીમે ધીમે લો અને બહાર કાઢો.
  • શરીરના બધા જ સ્નાયુઓ, નાડીઓ અને અવયવો પરથી તાણ અને ખેચાંણ દૂર કરી, સમગ્ર શરીર ઢીલું કરી દો. કોઈ પણ અંગ સખત ન રહેવું જોઈએ.
  • નબળા વિચારોને ત્યાગી શ્રેષ્ઠ વિચારો તરફ મનને લઈ જાઓ.
  • મનને ધીરે ધીરે શાંત કરો. આરામ અને સંતોષનો અનુભવ થશે.
  • આ આસન 2 મિનિટથી 10 મિનિટ કે તેથી વધારે સમય સુધી પણ કરી શકાય છે.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • શ્વાસોચ્છવાસનો મનથી અનુભવ કરવો.
  • શવાસનમાં સૂવાનું નથી પણ અંદરથી જાગૃત રહેવાનું છે.
  • શરીરમાં જરા પણ હલનચલન કરવું નહિ.
  • આંખો બંધ રાખવી.
  • સંપૂર્ણ સ્વછ અને અવાજ ન હોય તેવી જગ્યાએ શવાસન કરવું.
  • જમ્યા પછી તરત જ શવાસન કરવું નહિ.

ફાયદા :

  • અસ્થમા, ડાયાબિટિસ, લોહીના દબાણવાળા, હદયરોગવાળા અને માનસિક રોગવાળા દર્દીઓ માટે ઉત્તમ આસન છે.
  • જ્ઞાનતંતુઓનો તણાવ ઘટે છે.
  • ઊંઘ સારી આવે છે.
  • ક્રોધ શાંત થાય છે.
  • સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જેથી નવી શક્તિનો સંચાર થાય છે અને નવો ઉત્સાહ આવે છે.
  • બધી નાડીઓ અને સ્નાયુઓની દુર્બળતા, થાક તેમજ નકારાત્મક વિચારો દૂર થાય છે અને શક્તિ વધે છે.
  • શરીર, મન, મગજ અને આત્માને સંપૂર્ણ આરામ, શક્તિ, સ્ફૂર્તિ, તાજગી, શાંતિ અને ઉત્સાહ મળતાં શરીર નવજીવન પ્રાપ્ત કરે છે.
  • શરીર અને મન સ્વસ્થ બનતાં દરેક પ્રકારનાં કાર્યો કરવાની ક્ષમતા વધે છે અને ચેતનાનો સંચાર થાય છે.
  • દરેક આસનના અંતે શવાસનમાં મૃત શરીરની માફક શરીરને શાંત અને સ્થિર કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે તેમજ આસન કરતાં પહેલાં શવાસન કરવાથી મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે.
  • એકાગ્રતા, સાચી વિચારશક્તિ, યાદ શક્તિ, જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા, શાંતિ વગેરેના માનસિક ફાયદાઓ થાય છે. જેથી વિદ્યાર્થીઓ માટે શવાસન ખૂબ જ ફાયદાકારક છે.
  • સાચી રીતે ‘દસ’ મિનિટનું શવાસન થયા તો ‘છ’ કલાકની ઊંઘ જેટલો લાભ પ્રાપ્ત થાય છે.
  • શવાસનથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે.
  • આંતરડાની ગતિ નિયમિત થતા ગૅસ અને મળઅવરોધ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *