Press "Enter" to skip to content

આત્મહત્યા – બાળકોમાં વધતું પ્રમાણ

Pankaj Patel 0

હવે બોર્ડની વાર્ષિક પરીક્ષાનો સમય નજીકમાં છે. દર વર્ષે અખબારોમાં સમાચાર વાંચવા મળે છે કે સ્કૂલ કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. બાળકો આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભારે એ અતિશય દુઃખદાયી હોવા સાથે વાલી, શાળા, શિક્ષક, અને સમગ્ર સમાજ માટે ચિંતા અને ચિંતનનું કારણ બનવું જોઈએ. પોતાના બાળકના સારા ભવિષ્ય માટે સહુ કોઈ ચિંતિત હોય જ છે. આમ છતાં ક્યારેક જાણે અજાણે આપણે સારુ કે વધુ સારું કરવામાં ખોટું કરી બેસતા હોઈએ છીએ. અનેક બાબતો આપણે જાણતા હોવા છતાં અવગણતા હોઈએ છીએ.


ભૂલ ક્યાં અને કોનાથી થઈ રહી છે ?… જેને કારણે આજકાલના વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં જ ઉદાસ અને હતાશ બની મોતને ગળે લગાડે છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં અને રિઝલ્ટ આવ્યા પછી દર વર્ષે સેંકડો બાળકો આત્મહત્યા કરે છે. એકબાજુ આ પ્રકારની ઘટનાઓથી માતા-પિતા પરેશાન છે, તો બીજી બાજુ સમાજ, સરકાર અને શિક્ષણ વિભાગ પણ આ સમસ્યાનો ઉપાય શોધવામાં પડ્યા છે. પરીક્ષાના ડરથી, પેપર સારું ન જવાથી, ફેલ થવાથી કે પછી ધાર્યા માર્ક્સ ન મળવાથી આત્મહત્યા કરવા પ્રેરાતા વિદ્યાર્થીઓની ઘટનાઓ વધતી જાય છે. 

અજબ વિડંબના છે કે જે યુવાપેઢીના હાથમાં દેશનું ભવિષ્ય છે. તેઓ જ જીવનની શરૂઆતના ગાળામાં પોતાના ભવિષ્યને ખતમ કરવા તત્પર બની રહ્યા છે. આખરે કેમ વધી રહ્યો છે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ગ્રાફ કે પ્રમાણ! તેના માટે કોણ જવાબદાર છે? સમાજ, પરિવાર કે પછી મહત્ત્વકાંક્ષા? ચાલો, આપણે જાણીએ.

આજે દરેક વિદ્યાર્થી શ્રેષ્ઠ કરવાની ઈચ્છા રાખે છે. અને જ્યારે તે નથી કરી શકતો, તો તેને તેની જિંદગી ખતમ કરી નાખવાનું સૌથી સરળ લાગે છે. આજે બાળકો ઉપર કંઈક હટકર, અલગ કરવાનું દબાણ પરિવાર, દોસ્તો અને સમાજ તરફથી જાણે અજાણે થાય છે. બાળકોની આત્મહત્યા કરવાનું મૂળ કારણ અથવા તેનું જવાબદાર કોઈ એક જ કારણ નથી. ઘરથી લઈને સ્કૂલ અને સમાજ આ બધા જવાબદાર છે. જો બાળક ભણવામાં હોશિયાર હોય તો તેની ક્ષમતા કરતાં 10 ગણી વધુ અપેક્ષા વાલી રાખે છે. પરિવારની આ અપેક્ષા પર ખરા ઊતરવા માટે બાળક પૂરેપૂરી કોશિશ કરી જીવ લગાવી દે છે. છતાં પરિણામ તેની અપેક્ષા મુજબ ન આવે તો પરિવારની ભાવનાઓ માટે પોતે ખરો ન ઊતરવાથી આત્મહત્યા કરી લે છે.

અલબત્ત આત્મહત્યા માટે એક કારણ નહી અનેક કારણો છે. બાળકમાં આત્મવિશ્ર્વાસની ઊણપને કારણે તેઓ ક્યારેય પોતા પર વિશ્ર્વાસ નથી કરી શકતા કે તેનામાં ઘણી ક્ષમતા છે. પોતાની યોગ્યતાથી અજાણ આવાં બાળકો સક્ષમ હોવા છતાં નાસીપાસ થઈ જાય છે. જેથી કેટલીકવાર એવું જોવા મળે છે કે પરીક્ષાની પહેલાં કે રિઝલ્ટ આવવાના એક-બે દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લે છે. 

બીજું, પરિવારમાં બાળકોના ભવિષ્યને લઈને ચર્ચા થતી હોય છે. જેમ કે આપણા દીકરા કે દીકરીને 10મા કે 12મામાં 90 ટકા આવવા જોઈએ. તેથી તે એન્જિનિયર કે ડોકટર બની શકે. જેથી આખા પરિવારનું જીવન સુખી થાય. આ પ્રકારની વાતો વારંવાર સાંભળવાથી બાળકોના મગજમાં આ વાતો ઘુમ્યા કરે છે. અને આવું ન થવાથી તે પોતાને દોષી માની આત્મહત્યા કરવાનું વિચારે છે.

તમારી આસપાસના લોકો તમારી બાબતમાં વધુ રસ લે છે. ક્યારેક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં તમારા સંતાનના મન પર ખરાબ અસર ઊભી કરે છે. જેમ કે પાડોશીના દીકરાએ આખી સ્કૂલમાં ટોપ કર્યું. મારા દીકરાએ પણ 12મામાં ટોપ કર્યું ને વિદેશ ભણી રહ્યો છે. ફલાણાના દીકરાને તો સારી કંપનીમાંથી જોબની ઓફર આવી વગેરે વગેરે. આ પ્રકારની વાતો બાળકોના કોમળ મન પર અસર કરે છે. અને તેઓને કાંઈક ખરાબ કરવા માટે મજબૂર કરી દે છે. વળી માં-બાપની વધુ પડતી અપેક્ષાઓ અને સતત રોકટોક પણ તેની પર અસર કરે છે. 

પરીક્ષાનો મોટો હાઉ બાળકોને બોર્ડની પરીક્ષા માટે સતાવે છે. તેથી તેઓ માનસિક રીતે તૈયાર થઈ શકતા નથી. આખા વર્ષ દરમિયાન સારું રિઝલ્ટ લાવવા છતાં બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ડરે છે. આ દરમિયાન કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે પરીક્ષા શરૂ થતાંની પહેલાં જ બાળક આત્મહત્યા કરી લે છે. 

આ ઉપરાંત મોટે ભાગે માં-બાપને પોતાના બાળકની બીજા સાથે સરખામણી કરવાની ટેવ હોય છે. જેથી બાળક પર દબાણ આવે છે. બાળક જ્યારે આવી સરખામણીમાં પોતાને નાકામિયાબ સમજે છે ત્યારે તે ખોટો માર્ગ પસંદ કરવા મજબૂર બને છે. 

આ માટે સાવધાન બનવું ખૂબ જરૂરી છે. જો તમારું બાળક દિવસો સુધી ગુમસુમ રહેતું હોય, તમારી સાથે વાતો શેર ન કરતું હોય તો સમજી જાવ કે તેની અંદર કંઈક ગડમથલ ચાલી રહી છે. તે મિત્રો સાથે આવતો જતો નથી કે ઘરના કોઈ કામમાં રસ લેતો નથી, બરાબર જમતો નથી અને નિરાશ ને હતાશ બની વારંવાર મરવાની વાત કરે કે ડાયરીમાં લખે તો તમે ચોક્કસ સાવધ બની જાવ.

શિક્ષકોના અનુભવ મુજબ પહેલાં કરતાં આજનાં બાળકો નાની નાની વાત પર બહુ જલદી પરેશાન થઈ જાય છે. આથી વાલીઓએ બાળકોને જિંદગીની દરેક બાબત વિશે ખ્યાલ આપવો જોઈએ. બાળક ઉપર તમારી અપેક્ષા ન થોપો. તેને મનગમતું ફિલ્ડ પસંદ કરવાની તક આપો. નાનપણથી જ પેરેન્ટ્સ બાળકના દિમાગમાં ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક વગેરે બનવા માટે કહેતા હોય છે. પછી ભલે બાળક 50/60 ટકાની ક્ષમતા ધરાવતું હોય. તેની ઉપર એટલું પ્રેશર લાવે છે કે બાળક આત્મહત્યાનું પગલું ભરે છે. આ માટે પેરેન્ટ્સે સ્કૂલ ટીચરના કોન્ટેક્સમાં રહેવું બહુ જરૂરી છે. બાળકોને યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે તે દિગ્મૂઢ બની હતાશ થઈ આત્મહત્યાનો નિર્ણય લે છે. મોટે ભાગે બાળકો ફેલ થવાના ડરથી આત્મહત્યાનું પગલું ભરે છે. 

માબાપે બાળકોને ખરા સમયે સાચી સલાહ અને સપોર્ટ કરવો. જીવનની સારી-નરસી બાબતોની જાણકારી અને તેને સ્વીકારવાની આદત બાળકોને સમજાવવી જોઈએ. પેરેન્ટ્સે બાળકોના મિત્ર બનવું બહુ જરૂરી છે.

આત્મહત્યા રોકવા માટે આટલું જરૂર ધ્યાન રાખીએ :
 

 • તમારા બાળક સાથે એક મિત્રની જેમ હંમેશાં વાતચીત કરો.
 • પરીક્ષા શરૂ થતાં પહેલાં ભણવાની યોગ્ય પદ્ધતિ વિશે સમજાવો.
 • વાલી અને શિક્ષકોએ બાળકની કાબેલિયતને સમજી વર્તન કરવું જોઈએ. 
 • બાળકની અંદર આત્મવિશ્ર્વાસની ભાવના દૃઢ બનાવો.
 • તેની પસંદગીના કાર્ય માટે પ્રોત્સાહિત કરો.
 • તેના ખાસ મિત્રો સાથે મળવાનું રાખો.
 • તેની દરેક બાબત પર ખાસ ધ્યાન રાખો.
 • તેના માટે દરરોજ અમુક સમય કાઢો.
 • તેની સ્કૂલ/કોલેજ અને શિક્ષણ-અભ્યાસ વિશે નિયમિત જાણકારી રાખો.
 • ભૂલથી પણ બાળકની સરખામણી અન્યો સાથે ન કરો.
 • તેને અભ્યાસ અને અન્ય ચીજો સાથે સંતુલન કરતા શીખવો.
 • તેને હંમેશાં પ્રોત્સાહિત કરો. સકારાત્મક રીતે સમજાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *