Press "Enter" to skip to content

ઓલિમ્પિક ગૅમ્સ અને ભારત

Yogesh Patel 0

ઓલિમ્પિક ગૅમ્સ અથવા ઓલિમ્પિક એ દુનિયાની મોટામાં મોટી રમત-ગમતની પ્રતિયોગિતાઓ પૈકીની એક છે. ઓલિમ્પિક ગૅમ્સ માં આખી દુનિયાના હજારોની સંખ્યામાં પ્રતિયોગીઓ ભાગ લે છે. ઓલિમ્પિક ગૅમ્સનું આયોજન દર ચાર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ’ દ્વારા કરવામાં આવે છે. ઓલિમ્પિક શબ્દ એ મૂળ ‘ઓલિમ્પિયા’ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન સમયમાં ગ્રીસની રાજધાની એથેંસમાં આવી રમતોનું આયોજન કરવામાં આવતું. ઓલિમ્પિયા એ ગ્રીસમાં આવેલા એક પહાડી વિસ્તારનું નામ છે જ્યાં આ રમત પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ઓલિમ્પિયા પર્વત પરથી આ પ્રતિયોગિતાનું નામ ઓલિમ્પિક રાખવામાં આવ્યું. એ વખતે દોડ, મુક્કેબાજી, કુસ્તી, ઘોડેસવારી વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવતું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની રચના બાદ સૌ પ્રથમ વાર ઈ.સ.1896માં ઓલિમ્પિક ગૅમ્સ નું આયોજન ગ્રીસના એથેંસમાં કરવામાં આવ્યું. એ વખતે 14 દેશોના 241 જેટલા રમતવીરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્થાનિક પ્રશાસન અને લોકોના સહયોગથી એમાં સફળતા મળી અને ત્યારબાદ નિયમિત રીતે દર ચાર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક ગૅમ્સ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમયાંતરે એમાં સફળતા મળતા ઘણી બધી રમતોને ઉમેરવામાં આવી અને દુનિયાના મોટાભાગના દેશો એમાં સભ્ય દેશ બન્યા અને ઓલિમ્પિક ગૅમ્સ એ વૈશ્વિક સ્તરે સૌથી મોટી પ્રતિયોગિતા બની.

શિયાળામાં રમાતી રમતો માટે અથવા કહી શકાય કે જે રમતોને એવા વાતાવરણ કે અનુકુળતાની જરૂર હોય તે ધ્યાનમાં લઈ વિન્ટર ઓલિમ્પિકન ગૅમ્સ ની પણ શરૂઆત કરવામાં આવી છે. એ સિવાય દિવ્યાંગ કે વિકલાંગ લોકો માટે પેરાઓલિમ્પિક ગૅમ્સ અને બાળકો માટે યુથ ઓલિમ્પિક ગૅમ્સનું પણ નિયમિત પણે આયોજન કરવામાં આવે છે. 1896માં 241 રમતના ખેલાડીઓથી શરૂ થઈ 2016માં 10,000 થી પણ વધુ ખેલાડીઓ બ્રાઝિલના રિયો-ડી-જાનેરોમાં આવતીકાલથી શરૂ થનાર 31મી ઓલિમ્પિક ગૅમ્સ માં ભાગ લઈ રહ્યા છે. આ તો માત્ર ખેલાડીઓની વાત થઈ. લાખોની સંખ્યામાં ખેલ પ્રેમીઓ ઓલિમ્પિક રમતો જોવા માટે ત્યાં જાય છે અને સ્થાનિક દેશના લાખો કરોડો લોકો એનો લાભ લેશે. કોઈપણ દેશની અન્ય રમતોની સરખામણીએ ઓલિમ્પિકમાં સૌથી વધુ દેશો, ખેલાડીઓ, દર્શકો વગેરે ભાગ લેતા હોઈ ઓલિમ્પિક એ રમતોનો મહાકુંભ બની જાય છે. આ ઉપરાંત ઓલિમ્પિક રમતોને દુનિયાના મોટા ભાગના દેશો ટેલિવિઝન ઉપર પ્રસારિત કરતા હોઈ તેનો વાસ્તવિક દર્શક વર્ગ ખૂબ મોટો હોય છે અને સમગ્ર દુનિયામાં ફેલાયેલો હોય છે.

હવે, આપણે મુખ્ય વાત ઓલિમ્પિક ગૅમ્સ માં ભારતના સ્થાન વિશે વાત કરવાની છે. 126 કરોડથી પણ વધારે વસ્તીવાળો આપણો દેશ સૌથી યુવા દેશ છે. પરંતુ જો ઓલિમ્પિકમાં મેડલની વાત કરવામાં આવે તો એ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. હા, મિત્રો આજ દિન સુધી ભારત ફક્ત 26 મેડલ જ જીતી શક્યુ છે. ઈ.સ.1900ની સાલમાં સૌ પ્રથમ વાર ભારતે ઓલિમ્પિક ગૅમ્સ માં પોતાના ખેલાડીઓને ભાગ લેવા માટે મોકલ્યા. શરૂઆતથી જ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા એ એક મોટો પ્રશ્ન રહ્યો છે. ભારતમાં રમતની પ્રવૃત્તિઓના વિકાસ માટે ઈ.સ.1927માં ‘ઈંડિયન ઓલિમ્પિક એસોશિએશન’ (IOC) ની સ્થાપના કરવામાં આવી. IOCની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રાષ્ટ્રીય સ્તરે રમતોનું આયોજન કરી તેમાંથી ઓલિમ્પિક માટે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવાનો હતો. ત્યારબાદ થોડો સમય ભારત માટે સારો જરૂર કહેવાય. ઈ.સ.1928ના વર્ષમાં યોજાયેલ ઓલિમ્પિક ગૅમ્સમાં ભારતે હૉકીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો. ત્યારબાદ ભારતીય હોકી ટીમનો જાદૂ જરૂર ચાલેલો. 1928 થી લઈને 1980 સુધીમાં ફક્ત હોકીમાં જ ભારતને 11 મેડલ મળ્યા. જેમાં 8 ગોલ્ડ મેડલ પણ સામેલ હતાં, જેમાંથી 6 ગોલ્ડ મેડલ ભારતે સળંગ 6 ઓલિમ્પિક (1928-1956)માં જીત્યાં હતાં. પરંતુ ત્યારબાદ સમયાંતરે યોજાયેલા ઓલિમ્પિક ગૅમ્સ માં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં અસફળ રહ્યા. વિશાળ વસ્તી અને યુવા શક્તિ ધરાવતા આપણો દેશ આ ક્ષેત્રે વામણો પુરવાર થયો છે તે સ્વયંસ્પષ્ટ છે.

08TH_1936OLYMPICS_1137385f oly-662791

ઓલિમ્પિકમાં 40થી પણ વધારે વિવિધ રમતોમાં વિશ્વના અનેક રમતવીરો ભાગ લે છે. આપણા માટે દુઃખની વાત એ છે કે ભારતના ખેલાડીઓ ફક્ત 7 થી 8 જ રમતોમાં ભાગ લઈ શકે છે અથવા એવું કહી શકાય કે ભારતના ખેલાડીઓ અન્ય રમતો માટે એટલા તૈયાર કે પ્રશિક્ષિત નથી કે જેથી આવી રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ હોતું નથી. ઓલિમ્પિકમાં ભારતના ઓછા ખેલાડીઓની પસંદગી પણ મેડલ ન જીતવામાં એક મહત્વનું પરિબળ છે. ઓલિમ્પિકમાં 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 11 બ્રોંઝ મેડલ સાથે માત્ર 26 મેડલ જ મેળવી શકાયા છે. આપણે મેડલોની જ વાત કરીએ છીએ તો એક વાત અગત્યની એ પણ છે કે ઓલિમ્પિકના ઇતિહાસમાં આજ દિન સુધી ભારતે જીતેલા 9 ગોલ્ડ મેડલમાંથી 8 તો ફક્ત હૉકી ટીમે જીત્યા છે. વ્યક્તિગત રીતે ભારતે ફક્ત 1 ગોલ્ડ મેડલ જીત્યો છે જે ઈ.સ. 2008માં બેઈઝિંગમાં યોજાયેલ ઓલિમ્પિક ગૅમ્સમાં અભિનવ બિંદ્રાએ 10 મીટર શૂટિંગમાં પ્રથમવાર ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. છેલ્લે લંડન ખાતે 2012માં યોજાયેલ ઓલિમ્પિક ગૅમ્સમાં ભારતના 83 રમતવીરોએ ભાગ લીધો હતો. એ વખતે ભારતે 2 સિલ્વર મેડલ અને 4 બ્રોંઝ મેડલ સાથે કુલ 6 મેડલ મેળવ્યા હતાં.

હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદ, લિએન્ડર પેસ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અભિનવ બિંદ્રા, વિજેંદર સિંહ, સુશીલ કુમાર, વિજય કુમાર, સાઈના નેહવાલ, એમ.સી.મેરીકોમ, ગગન નારંગ અને યોગેશ્વર દત્ત, આ બધા એવા નામો છે જેમણે ઓલિમ્પિક ગૅમ્સમાં મેડલ જીતી ભારતીય ધ્વજ લહેરાવ્યો હોય. ભારતમાં રમતોના ક્ષેત્રે જોઈએ તો માત્ર ક્રિકેટનું એકચક્રી સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. એ સિવાય મૂળ ભારતીય હોય તેવી રમતો પ્રત્યે પણ ખૂબ ઉદાસીનતા સરકાર, જનસમુદાય અને રમત પ્રોત્સાહન માટે જેની જવાબદારી હોય તેવી સંસ્થાઓમાં પણ જોવા મળે છે. આ માટે રમતો દ્વારા કારકિર્દીનું ઘડતર ભારતમાં યશસ્વી નથી. તેમજ ક્રિકેટની રમતમાં જે નાણાકીય લાભો છે તેવા અન્ય રમતો માટે ન હોવા એ પણ એક કારણ છે. સમાજમાં રમતવીરોને પ્રોત્સાહન, સન્માન તેમજ આવક જેવી હોવી જોઈએ તેવી નથી. છેલ્લા કેટલાંક સમયમાં ભારત સરકાર દ્વારા આ બાબતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે પરંતુ ક્રિકેટ જેવી હાઈ પ્રોફાઈલ રમતની સરખામણીમાં બીજી રમતોમાં ઉદાસીનતા જોવા મળે છે. આજના નવયુવાનો ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં વધારે રસ દાખવતા નથી. વિવિધ સંસ્થાઓ અને સમયાંતરે બદલાતી સરકારો દ્વારા દેશમાં અન્ય રમતોના વિકાસ અને પ્રચાર-પ્રસાર માટે કાર્યો થઈ રહ્યા છે પણ એમાં સફળતા દેખાતી નથી. ક્રિકેટ જેવી રમતોને જેટલું પ્રોત્સાહન અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેનાથી ખૂબ જ નહિવત કહી શકાય તેટલી સુવિધાઓ અન્ય રમતોમાં આપવામાં આવે છે. ક્રિકેટ સિવાય વાત કરીએ તો ટેનિસમાં લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્જા તથા ટેબલ ટેનિસમાં સાયના નેહવાલ તથા ચેસમાં વિશ્વનાથન આનંદને બાદ કરીએ તો બીજી એકેય રમતમાં ભારતીય ખેલાડી ક્યાય જોવા પણ નહી મળે. ભારત ભલે આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ રમતગમતની વાત કરવામાં આવે તો ભારત એ એક પાંગળો દેશ છે. ભારતના રમત-ગમતના ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ પણ કરી શકતા નથી એ એક વાસ્તવિકતા છે.

India-in-Rio ATHLETES-MODI_2919730g

આવતીકાલથી શરૂ થઈ રહેલ રિયો ઓલિમ્પિક-2016માં 15 જેટલી વિવિધ રમતોમાં ભારતના 124 રમતવીરો ભાગ લઈ રહ્યા છે. સાનિયા મિર્જા, સાયના નેહવાલ, લિએંડર પેસ, અભિનવ બિંદ્રા વગેરે જેવા ખેલાડીઓ પર ભારતનો દારોમદાર છે. 126 કરોડની વસ્તીમાં માત્ર 124 જેટલા રમતવીરો એ ભારત માટે સારો આંકડો ન જ કહી શકાય તે દેખીતું છે. વર્તમાન સમયમાં ટેલિવિઝનની પહોંચ ભારતના દૂર-સૂદૂરના વિસ્તારો સુધી પહોંચી છે, તેમજ સરકારો અને લોકોમાં રમત-ગમત ક્ષેત્રે ઉત્સાહ વધ્યો છે તેવા સમયે આપણે આશા રાખીએ કે આવનારા ભવિષ્યમાં સરકાર દ્વારા અને લોકો દ્વારા વિવિધ રમતો પ્રત્યે યુવાઓ આકર્ષાય એવા પગલા લેવાય અને ભારત વધુને વધુ ખેલાડીઓ ઓલિમ્પિક ગૅમ્સમાં મોકલી વધુને વધુ મેડલ જીતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *