Press "Enter" to skip to content

ટ્યુશન પ્રથા ખરેખર અનિવાર્ય અનિષ્ટ છે ?

Pankaj Patel 0

હાલમાં NCERT એ બાળકોના દફતરનું વજન ઘટાડવા કેટલાક પગલા લેવાનું નક્કી કર્યું છે. સરકાર અને સમાજ એ બાબતે ચિંતિત છે કે બાળકો ઉપર ભણતરની સાથે અન્ય પ્રકારનું વધારાનું ભારણ છે. તે માનસિક, શારીરિક તેમજ વાલી માટે આર્થિક બોજારૂપ છે. અને વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં સરવાળે અવરોધક બને છે. આપણે દફતરનું વજન કે શાળાની ભૌતિક સુવિધા જેવા મુદ્દે વાચાળ થયા છીએ પણ આજના શૈક્ષણિક વાતાવરણના સૌથી અગત્યના પરિબળ – ટ્યુશન પ્રથા વિશે બોલવાનું ટાળતા હોઈએ છીએ.

એક અંદાજ મુજબ ટ્યુશન એ ખૂબ ઝડપથી વિકસતી એક ઈન્ડસ્ટ્રી જ છે અને વધુ સારી ભાષામાં તેને Shadow Education કહેવાય છે. જે એશિયામાં વાર્ષિક 6.4 બિલિયન ડૉલર નું કદ ધરાવે છે. આપણા સમાજની વાત કરીએ તો હવે સારી શાળામાં પ્રવેશ મેળવવા કરતાં પ્રતિષ્ઠિત ટ્યુશન ક્લાસ કે કોચિંગ સેન્ટરમાં પૈસા ખર્ચી પ્રવેશ મેળવવાનું વલણ અને ચલણ વધ્યું છે. આવા ક્લાસિસ ખર્ચાળ પદ્ધતિથી પોતાની જાહેરાત કરતા હોય છે અને મહદ અંશે વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવામાં સફળ રહે છે. સરકારે ટ્યુશન પ્રથા પર પ્રતિબંધ મૂકેલો છે જે ગુજરાતમાં દારૂબંધી જેટલો અને જેવો જ અસરકારક છે. શિક્ષણના ક્ષેત્રે સંકળાયેલા સૌ કોઈ જાણે છે કે કેટલી શાળાઓ અથવા શિક્ષકો ટ્યુશનને બદલે શાળાકીય શિક્ષણને મહત્વ આપે છે. હંગામી શિક્ષકોની ભરતી કરી સરકાર પણ શાળાની સ્થાપિત શિક્ષણ પ્રથા ઉપરાંત ટ્યુશન પ્રથાને પરોક્ષ ઉત્તેજન જ આપી રહી છે.

વાલીઓ માટે દેખા-દેખી, પોતાના બાળક પ્રત્યે વધુ પડતી મહત્વાકાંક્ષા તેમજ તેના શિક્ષણ પ્રત્યે પોતે ફાળવવો જોઈએ તે સમય અને રસ ન ફાળવતા કહેવાતા સારા ટ્યુશન ક્લાસ કે વ્યક્તિગત ટ્યુશન પ્રથા માં જોડાઈ પોતાની ફરજ નિભાવવા માટેનો આત્મસંતોષ લેતા થયા છે. બાળકો માટે અંદાજે 8 કલાકના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટ્યુશન હવે અનિવાર્ય થઈ ગયું છે. તે માટે ક્લાસનો સમય, ત્યાં જવા-આવવાનો સમય તથા દ્વિતરફી ગૃહ કાર્ય તેમજ પોતાના માટે અઘરા અથવા ઓછા ફાવતા વિષય માટે જરૂરી ખાસ તૈયારી વગેરેના આયોજનમાં દૈનિક સમય-પત્રક ખૂબ વ્યસ્ત બની જાય છે. સમયના અભાવે મનગમતી ઇતર પ્રવૃત્તિનો ભોગ લેવાય છે. જે ખરેખર બાળકના વ્યક્તિત્વ વિકાસ તેમજ મનોરંજન માટે જરૂરી છે અને ગમતી પ્રવૃત્તિથી બાળક તરોતાજા રહે છે. જે સરવાળે તેની અભ્યાસમાં એકાગ્રતા અને ગ્રહણ શક્તિ વધારતું હોય છે. તે બંધ થઈ જાય છે.

આપણે વાલી હોઈએ કે શિક્ષક યા શિક્ષાવિદ, સમાજના એક અંગ તરીકે આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે શાળામાં 5-6 કલાકમાં જે શિક્ષણ ન થઈ શકે તે 1-2 કલાકમાં ટ્યુશનમાં થઈ જાય? આમ છતાં દરેક ટ્યુશનમાં અભ્યાસક્રમ પૂરો થઈ જાય છે અને વિદ્યાર્થી તેમજ વાલીના મનમાં એવો સાચો ખોટો ખ્યાલ બંધાય છે કે મારુ સારું પરિણામ ટ્યુશનના કારણે છે. ખામી શાળામાં હોય, ઘરના વાતાવરણમાં હોય કે અન્ય હોય પરંતુ આ આજની વાસ્તવિકતા છે કે આપણે સૌ શાળાકીય શિક્ષણની તુલનાએ ટ્યુશનને જાણે અજાણે વધારે મહત્વ આપતા થયા છીએ.

સૌ કોઈ ટ્યુશનને બદી કહે છે અને બીજાને દોષ દે છે. આ પ્રથાનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન ઓછો છે. મારી દ્રષ્ટીએ Online શિક્ષણ એ ટ્યુશન પ્રથાનો વિકલ્પ બની શકે. Online શિક્ષણમાં ગુણવત્તા સભર અભ્યાસ સામગ્રી તેમજ અનુકુળતાના સમયે અભ્યાસ કરી શકાતો હોવાથી જવા-આવવાનો સમય તો બચે જ વધારામાં વિદ્યાર્થી પોતાના મૂડ અનુસાર અભ્યાસનું સમય-પત્રક પણ ગોઠવી શકે. ટ્યુશન પ્રથા માં ક્લાસિસ મોટે ભાગે પ્રૅક્ટિસ અને ટેસ્ટ ઉપર વધુ ભાર મૂકે છે. જે Online શિક્ષણમાં પણ થઈ શકે. ઉપરાંત વિદ્યાર્થી જે વિષય કે ટોપિકમાં વધુ પ્રૅક્ટિસ કરવા ઈચ્છે તેને ન્યાય આપી શકે છે. પ્રૅક્ટિસ પેપરો, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો તેમજ પૂરક પ્રશ્નોનો પૂરતો જથ્થો જ્યારે વિદ્યાર્થીને Online ઉપલબ્ધ હોય ત્યારે તથા-કથિત Study Material કે પેમ્ફલેટ દ્વારા જે ઉદ્દેશ સિદ્ધ કરવા માંગીએ છીએ તે અનાયાસે સંતોષાઈ જાય છે. ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં Internet ની સુવિધા ઓછી હોવા છતાં અત્યારે અભ્યાસ અર્થે ઈંટરનેટ તો સ્માર્ટ ફોનથી કે બીજી રીતે મેળવી લેવું અશક્ય નથી. જરૂર માત્ર વલણ બદલવાની છે. Online શિક્ષણમાં માત્ર એક જ પ્રકાર કે રીતના બંધન નથી. વ્યક્તિ પોતાની પસંદ અને અનુકૂળતા મુજબ Site બદલી શકે છે અથવા એક સાથે એક કરતા વધારે Site થી પણ અભ્યાસ કરી શકે છે. Online શિક્ષણમાં પ્રશ્ન આધારિત શિક્ષણ, Video દ્વારા શિક્ષણ જેવા જૂદા-જૂદા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આગામી સમયમાં Online શિક્ષણ સાર્વત્રિક થવાનું છે તો આપણે અત્યારથી તે તરફ કેમ ના વળીએ? સરકારે પણ BISAG જેવી સંસ્થા દ્વારા ઉપગ્રહ દ્વારા શિક્ષણ માટે પ્રયત્નો આદર્યા છે, જેની સફળતાનો આધાર સમાજ તેનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે તેના ઉપર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *