Press "Enter" to skip to content

ગણેશ ચતુર્થી

Yogesh Patel 0

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |

निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરો…

આપણા દરેક શુભ કાર્યોની શરૂઆતમાં જે ભગવાનને સૌથી આગળ રાખવામાં આવે છે એવા વિઘ્નહર્તા દૂંદાળા દેવ ગણપતિજીનો આજે જન્મ દિવસ એટલે કે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી એ વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ પણ કહેવાય છે. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી સમગ્ર દેશમાં અને વિશેષમાં મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. ગણેશજીની પૂજા એક રાષ્ટ્રનાયક તરીકે પણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી, ગણેશ ચોથ વગેરે નામોથી પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે. વિવિધ સ્થળોએ પોત-પોતાની માન્યતા પ્રમાણે અને શક્તિ-સગવડ પ્રમાણે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. દોઢ દિવસે, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત કે 10 એમ દિવસ પ્રમાણે લોકો ગણપતિજીનું પોતાના ઘરે કે સોસાયટી કે શેરીઓમાં સ્થાપન કરે છે અને પછી નદી કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે.

આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. ગણપતિજીને એટલે જ સિદ્ધિ વિનાયક કહ્યા છે. કોઈ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ ગણપતિજીની પૂજા-અર્ચના કરવાની આપણી ભારતીય સંસ્કૃતિની એક પ્રાચીન પરંપરા રહી છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આપણા શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ મંગલ કાર્યની સફળતા માટે શ્રીગણેશની વંદના અને અર્ચના અનિવાર્ય છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. શ્રી ગણેશની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે.

ગણેશ ચતુર્થીની ઉજવણીની શરૂઆતમાં જોઈએ તો આઝાદી પહેલાં દેશમાં રાષ્ટ્ર એકતા માટે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શરૂઆત થઈ હતી. પહેલા લોકો પોતાના ઘર સુધી જ આ મહોત્સવને સીમિત રાખતા પરંતુ આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટિળકે અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં લોકોને એક કરવા અને રાષ્ટ્ર પ્રેમ ઉજાગર કરવાના હેતુથી ખૂબ જ મોટા ઉત્સવની શરૂઆત કરી, કે જેથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ શકે અને ગણેશોત્સવ રાષ્ટ્રીય એકતાનું એક માધ્યમ બને. ત્યારથી ગણેશોત્સવ એ ખૂબ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં લોકો ગણપતિજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરે છે. મુંબઈમાં તો લગભગ દરેક શેરી-મહોલ્લામાં ગણપતિજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. આખું શહેર ગણેશોત્સવના રંગે રંગાઈ જાય છે. મુંબઈના લાલબાગના ગણપતિના દર્શન માટે લાખો લોકો આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકો ગણપતિ બાપા મોરયાના નાદ કરી પોતાનો ભાવ પ્રગટ કરે છે.

821 140832377

ગણેશજીનું સ્વરૂપ આપણા બીજા હિંદુ દેવી-દેવતાઓ કરતા કાંઈક વિશેષ છે. એમનું મોટું માથું, મોટા કાન, નાની આંખો, મોટું પેટ, લાંબુ નાક, ટુંકા પગ વગેરે ગણેશજીને બીજા દેવી-દેવતાઓ કરતા વિશેષ બનાવે છે. એના પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. પરંતુ આપણી અહીં શ્રી ગણેશના આ જ વિશેષ રૂપમાં રહેલી અનેકોવિધ વિષશેષતાઓ અને માનવ જીવનના કલ્યાણ માટે જરૂરી એવા વિવિધ સંદેશાઓ પર એક નજર કરીએ.

ગણેશજીનુ મોટુ માથું :

ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. વિશાળ માથું સુચવે છે કે માનવે પણ જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.

ગણેશજીની નાનકડી આંખો :

ગણેશજીની નાનકડી આંખો કહે છે કે, આપણે ચારેબાજુ દિશાહિન બની આમ તેમ ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. દરેક કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.

ગણેશજીના મોટા કાન અને નાનું મોંઢુ :

ગણેશજીના મોટા કાન કહે છે કે, આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ.

ગણપતિજીનુ લાંબું નાક :

ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે.

ગણેશજીનું દુંદાળુ પેટ :

ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ.

ગણપતિજીના હાથ :

ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્તુઓ છે. જેમાં અંકુશ વાસના ઉપર નિયંત્રણ સૂચવે છે. જ્યારે પાશ ઈદ્રિયોને વશમાં રાખીને કામ કરવાનું સૂચવે છે જ્યારે ચોથો હાથ સત્યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ આપે છે.

ગણપતિજીના ટુંકા પગ :

ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી વસ્તુઓ પાછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.

આમ, ગણપતિજીની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ અર્થ છુપાયેલ છે. આજના એ શુભ દિવસે ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ એ જ અભિલાષા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *