Press "Enter" to skip to content

ચંદ્રગ્રહણ – એક અવકાશી ઘટના

Pankaj Patel 1

આજે તારીખ 27 જુલાઇ અને ગુરુ પૂર્ણિમા એ ચંદ્રગ્રહણ નો દિવસ છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ અવકાશી ધટનાઓ છે તેમજ ચંદ્ર,સૂર્ય અને પૃથ્વીની ગતિને આભારી છે. સામાન્ય માણસ પણ સમજી શકે કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડવાથી આપણે ચંદ્રને પ્રકાશિત જોઈ શકીએ છીએ. જ્યારે ચંદ્ર અને સુર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે સૂર્યનો પ્રકાશ તેટલા સમય સુધી ચંદ્ર સુધી જઈ શકતો નથી અને આપણને ચંદ્ર દેખાતો નથી. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે. તેજ પ્રમાણે સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર અજવાળું દેખાતું હોય તે દરમિયાન ચંદ્ર, પૃથ્વી અને સુર્યની વચ્ચે આવી જાય ત્યારે આપણને સૂર્ય દેખાતો બંધ થાય અથવા દિવસે અંધારું અનુભવાય એટલે સૂર્યગ્રહણ અનુભવાય છે.

solar-eclipse-11

આજે દેખાનારું ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને 27/7 ના રાત્રે 11:54  વાગ્યાથી શરૂ થઈ 28/7 સવારના 1:52 થી લઈ છેક 2:43  વાગ્યા દરમિયાન અનુભવશે. ગ્રહણ જોવા કે અનુભવવા માટે આ સમય દરમિયાન જરૂરી સાવચેતી અને સાવધાની સાથે રાત્રે અલૌકિક ઘટનાના સાક્ષી બનવાનો સૌ ગુજરાતીઓ માટે મોકો છે. આજનું ચંદ્રગ્રહણ જ્યાં પણ સ્વચ્છ આકાશ હોય અને ખગોળીય ઘટનાઓ પ્રત્યે લગાવ હોય તે તમામે આવા પ્રસંગોનો લ્હાવો લેવો જોઈએ.

આજના ચંદ્રગ્રહણની ખાસિયત એ છે કે આજે પૂર્ણ ગ્રહણની સાથે  રેડ મૂન  અનુભવાશે. આવી  ઘટના આ સદીના સૌથી લાંબા ગ્રહણને લીધે વિરલ ઘટના બનશે. આ ઉપરાંત અત્યારે મંગળ ગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હોવાથી ગ્રહણ મોક્ષના સમયે સૂર્ય, ચંદ્ર, અને મંગળ એક સાથે જોઈ શકાશે. ગ્રહણ દરમિયાન રેડ મૂન એટલે કે લાલ ચંદ્ર અને લાલ ગ્રહ મંગળ બન્ને જોવા મળશે. આવી ઘટનાઓનો ફરી બનવાનો  સમયગાળો સામાન્યરીતે માણસના જીવનકાળ કરતાં મોટો હોવાથી માણસને જીવનમાં એકાદ વખત જ આવી ઘટનાના સાક્ષી બનવા મળે છે. તો દરેક જિજ્ઞાસુએ આ લ્હાવો લેવો. 

ગ્રહણ એ એક અલૌકિક અવકાશી ઘટના છે એટલું જ નહી પણ ગ્રહણ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. ધાર્મિક માન્યતાઓમાં જે કાઈ અંધશ્રદ્ધા હોય તેને બાદ કરતાં કાઈ ખોટું કે અજુગતું નથી. આપણા પૂર્વજો વૈજ્ઞાનિક સાધનો વગર પણ કેવું જ્ઞાન ધરાવતા હતા કે હજારો વર્ષ પહેલા પણ ગ્રહણ જેવી અવકાશી ઘટનાઓના ચોક્કસ સમયની ગણતરી કરી શકતા હતા. યુરોપ અને આજનું વિકસિત વિશ્વ 500 વર્ષ પહેલા પૃથ્વીને સપાટ માનતું હતું અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેવી માન્યતા ધરાવતું હતું. ભારતમાં હજારો વર્ષથી ગ્રહણની આગોતરી ગણતરી કરવાની વિદ્યા હતી એનો સીધો અર્થ છે કે તેટલા વહેલાથી આપણા ઋષિ મુનીઓ એટલેકે આજની ભાષામાં તત્કાલીન વૈજ્ઞાનિકો જાણતા હતા કે પૃથ્વી ગોળ છે અને તેનો ભ્રમણ માર્ગ, સમય અને અન્ય ગ્રહો તથા ઉપગ્રહોનું પદ્ધતિસરનું જ્ઞાન ધરાવતા હતા. પ્રાચીન ભારતીય ખગોળીય, વૈદકીય, ગાણિતિક, ભૂગોળ તેમજ અન્ય વિદ્યાઓ ખુબ જ વિકાસ પામેલ હતી. આજના કહેવાતા આધુનિક જગતની ભારતને અંધશ્રધ્ધાળુ માનતા હોય તો તેમના માટે આવા જ્ઞાન દ્વારા ભારતીય સંસ્કૃતિની સારી બાબતો સમજાવી શકાય તેમ છે. વળી, આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે અંધશ્રદ્ધાઓ પાછળથી ઉભી કરાયેલી માન્યતાઓ છે અને જે તે સમય પ્રમાણે તેનું સમાજમાં ચલન હતું. આજે તો આપણે સૌ તેનાથી મુક્ત છીએ.

capture

ગ્રહણ જેવી અવકાશી ઘટનાઓ આપણી વિશ્વ અને પરાવિશ્વ વિષે જાણવાની ઉત્કંઠાને પોષે છે. આવી ઘટનાઓ અંગે બાળકોને જાણકારી સાથે રૂબરૂ પરિચય કરાવવાથી તેમની નવું નવું જાણવાની ધગશ વધે છે. આજના ચંદ્રગ્રહણને સહુએ માણવાનો મોકો છે. પરંતુ જરૂરી સાવચેતી અને સાવધાની સાથે જ ગ્રહણ જોવાની ફરીથી વિનંતી છે.

  1. Pankaj Patel Pankaj Patel

    આ વિરલ ઘટના માણવાનું ચૂકશો નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *