Press "Enter" to skip to content

ડૉ. વિક્રમ સારાભાઇ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા

Yogesh Patel 2

ડૉ. વિક્રમ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો પૈકી એક છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇએ બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. 1937માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ સારાભાભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા.

1947 થી 1974 સુધીના ગાળામાં વિક્રમ સારાભાઈએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે 35 થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો કસ્તુરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદ એ મિલોથી ધમધમતું શહેર હતું. વિક્રમભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ‘અટીરા’ (ATIRA-Ahmedabad Textile Industry’s Research Association) ની સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.

બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવાના પોતાના સપનાને સાકાર કરવા ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. 1947માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજના બે ઓરડામાં શરૂ કરેલી આ લેબોરેટરી આજે દેશની મહત્વની સાયન્સ સંસ્થાઓ પૈકીની એક છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એ આજે PRL ના નામે સમગ્ર દેશમાં એક જાણીતી સંસ્થા છે જેનું શ્રેય આ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા અને સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈને જાય છે. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની સ્થાપના કરી. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી.

ડૉ. વિક્રમ સારાભાઈ એમની વિજ્ઞાની તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.  25 જેટલા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ. ડીની પદવી પ્રાપ્ત કરી. ડૉ. સારાભાઈએ લગભગ 85 જેટલા વિવિધ વૈજ્ઞાનિક અને શંશોધકીય લેખો પણ લખ્યા છે. ડૉ. કલામ પણ ડૉ. સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે.

ડો. વિક્ર્મ સારાભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ‘યુવાનો શોધો તેમણે જવાબદારી આપો અને લક્ષ્ય પર પહોચવા તેને મદદ કરો’ આ તેમનો જીવનમંત્ર હતો. તેઓ શિક્ષણ, કલા, ઉદ્યોગ તથા મેનેજમેન્ટક્ષેત્રે પણ ખૂબ પ્રવૃત હતા. તેઓએ કહ્યું હતું ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’ 30 ડીસેમ્બર 1971ના રોજ ત્રિવેન્દ્રમ થી 12 કિલોમીટર દૂર કોવાલામની હોટલમાં નિદ્રા દરમ્યાન જ તેમનું અવસાન થયું. ડો. વિક્રમભાઇ સારાભાઈનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, નિદ્રામાં જ અવસાન થયું. તેમ છતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો હતો. ભારત સરકારે ઈ.સ. 1972માં મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કાર્ય હતું. ડૉ. સારાભાઇના અથાગ પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

  1. Anand seta Anand seta

    Fine

  2. Mahesh Rathod Mahesh Rathod

    Good….very good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *