Press "Enter" to skip to content

ધનુરાસન

Yogesh Patel 0

ધનુરાસન

આ ઊંધા સૂઈને કરવાનું આસન છે. ધનુરાસન શબ્દ સંસ્કૃત શબ્દ ધનુષ્ય પરથી આવ્યો છે. ધનુર્ એટલે ધનુષ્ય. આ આસનથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી બનતી હોવાથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.

अथ धनुरासनम् ।

प्रसार्य्य पादौ भुवि दण्डरूपौ करौ च पृष्ठे धृतपादयुग्मम् ।

कृत्वा धनुस्तुल्यपरिवर्त्तिताङ्गं निगद्य योगी धनुरासनं तत् ।। 

મૂળ સ્થિતિ : ઊંધા સૂવું, બંને શરીરની હથેળી જમીન તરફ, પગ ઘૂંટણમાંથી સીધા.

પદ્ધતિ :

 • બંને પગને ઘૂંટણેથી વાળી તેમની એડી નિતંબ પાસે લાવો.
 • બંને હાથ વડે બંને પગને ઘૂંટી આગળથી પકડવા.
 • ઉંડો શ્વાસ ભરતાં ભરતાં બંને પગને બંને હાથ વડે એકબીજાને સમાંતર રહે તે પ્રમાણે ઉપર તરફ ખેંચો. બંને ઘૂંટણને વધુ પડતા પહોળા કરવા નહિ.
 • આગળથી માથું અને છાતી તથા એ જ રીતે પાછળથી બંને ઘૂંટણ અને સાથળ ઊંચા કરો, જેથી શરીરનું બધું વજન પેડુ પર આવે. દ્રષ્ટી ઉપર તરફ રાખો.
 • થોડીવાર આ સ્થિતિમાં રહો. ધીમે ધીમે સમયમાં વધારો કરવો. એકસાથે ત્રણથી ચાર વખત મહાવરો કરવો.
 • અંતિમ સ્થિતિ થોડી વાર જાળવો તે દરમિયાન પેડુ, સાથળ અને પીઠના સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રીત કરો.
 • ત્યારપછી ઊલટા ક્રમે પગની ઘૂંટીઓ છોડો. પગ લાંબા અને પગ, છાતી તથા માથું જમીન પર સીધી લીટીમાં આરામમાં રહે તેમ મૂળ સ્થિતિમાં આવો.
 • મકરાસનમાં કેટલીક સેકંડ આરામ કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

 • આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.
 • અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આંચકો મારીને જોર ન કરવું.
 • ક્રમશઃ કરોડની કમાન વાળવી. બળજબરી કરવાથી અક્કડ માંસપેશીઓ તણાઈ જવાનો અથવા સાંધામાં દુખાવો થઈ જવાનો ભય છે.
 • હર્નિયા, અલ્સર, પ્રોસ્ટેટ, હૃદયની તકલીફ અથવા ઉચ્ચ રક્તચાપવાળી વ્યક્તિ આ આસન ન કરે.
 • ગર્ભવતી મહિલાઓએ આ આસન ન કરવું.

ફાયદા :

 • પાચનશક્તિ સુધરે છે, વાયુની પીડા મટે છે.
 • પેટની વધારાની ચરબી દૂર થાય છે.
 • લાંબા સમયની કબજિયાત, મંદાગ્નિ અને જઠરના રોગો દૂર કરવા આ આસન ખુબા જ ઉપયોગી છે.
 • હાથ, પગ અને છાતીના સ્નાયુઓ સુદ્રઢ બને છે.
 • ખોડ વગરની ખૂંધમાં આ આસનથી ફાયદો થાય છે.
 • જ્ઞાનતંતુઓને પોષણ મળે છે.
 • ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
 • કરોડ સશક્ત, નમનીય તથા સ્થિતિસ્થાપક બને છે અને કમરનો દુખાવો દૂર થાય છે.
 • રુધિરાભિસરણ બરાબર થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published.