Press "Enter" to skip to content

બંધારણનું આમુખ

Yogesh Patel 3

બંધારણનું આમુખ એટલે ભારતીય બંધારણનું પ્રથમ પાનું:

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ બંધારણ સભાની રચના કરવામાં આવી. જેના ચૂંટાયેલા સભ્યોએ ભારતીય બંધારણનો મુસદ્દો ઘડી દેશ સમક્ષ રજૂ કર્યુ. બંધારણ સભાની અનેક સમિતિઓ પૈકી મુખ્ય મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ.બાબાસાહેબ આંબેડકરની વરણી કરવામાં આવી, 

અને તેમની અધ્યક્ષતામાં બંધારણનું માળખું ઘડાયું. આ સમિતિએ 60 જેટલા વિવિધ દેશોના બંધારણના અભ્યાસ બાદ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસને અંતે આપણું બંધારણ ઘડ્યું. બંધારણને એક રાષ્ટ્ર ગ્રંથના રૂપે જોવામાં આવે છે. સૌ કોઈ બંધારણને આધિન રહે છે.


સમગ્ર ન્યાયપાલિકા આપણા આ જ બંધારણ ઉપર આધારિત છે. બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હકો આપ્યા છે. સાથે સાથે કેટલીક મૂળભૂત ફરજો પણ બતાવી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બંધારણની રચના સમયે બંધારણ માટે એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને બંધારણના આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું.

બંધારણનું આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. આમુખ એ બંધારણનો એક ભાગ છે અને સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર સંસદ આમુખમાં સમાવિષ્ટ બંધારણના મૂળભૂત ઢાંચાને કોઈ અસર ન થાય તે રીતે તેમાં સુધારો કરી શકે છે. 1976માં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેર્યા હતા. મિત્રો, આજે આપણે આપણા બંધારણના આમુખ પર એક નજર કરીએ.


બંધારણનું આમુખ :

“અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.”


આ આમુખ એ બંધારણનું દર્પણ છે અને તેમાં વપરાયેલા ‘અમે ભારતના લોકો’ શબ્દોનો માર્મિક અર્થ છે કે, આ સાર્વભૌમ રાજ્ય ભારતના લોકોનું, લોકો દ્વારા સ્વીકારાયેલા બંધારણની સર્વોપરિતા દ્વારા લોક હિતાર્થે ચલાવવાનું રાજ્ય છે. જેમાં સૌ નાગરિકો સમાન રીતે હક્કો ભોગવશે અને ફરજો નિભાવશે.

(ધોરણ 8, 9 અને 10. વિષય : સામાજિક વિજ્ઞાન)

  1. Intelligent Intelligent

    બંધારણમા આમુખ ને અમેરિકાના બંધારણ માથી લેવામા આવ્યુ છે.

  2. Manoj sosa Manoj sosa

    બંધારણમાં આમુખ એ ક્યાં દેશ ના બંધારણ માંથી લેવામાં આવ્યુ

  3. Ram solanki Ram solanki

    આમુખ ને બંધારણ નો આત્મા કોને કહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *