Press "Enter" to skip to content

બ્રહ્મોસ – એક અમોઘ શસ્ત્ર

Pankaj Patel 0

આપણો દેશ આઝાદી કાળથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે. એક ઉપખંડ જેટલો મોટો દેશ અને પડોશમાં દુશ્મનો જેમાં ચીન એટલે વિશ્વની બીજા નંબરની આર્થિક તાકાત ધરાવતો વિશાળ દેશ જે શસ્ત્રોની દ્રષ્ટીએ પણ દુનિયાનો આગલી હરોળનો દેશ છે. સાથે સાથે પાકિસ્તાન તો ભારતનું બુરું કરી શકાય તો પોતાની પ્રજાને ઘાસ ખાઈને જીવાડવાની વૃત્તિ ધરાવતો દેશ છે. આવા પાડોશીઓને ઠેકાણે લાવવા ભારત માટે 'બ્રહ્મોસ' એક અમોઘ શસ્ત્ર છે.

ભારત મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં આગલી હરોળના દેશોમાં સ્થાન ધરાવે છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રકારના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમા હરણફાળ ભરી છે. મિસાઈલ ટેકનોલોજી આવા ક્ષેત્રો પૈકી એક છે કે જેમાં સ્વદેશી ટેકનીકલ વિકાસ દ્વારા ઓછા ખર્ચે ભારતની સંરક્ષાણ જરૂરિયાતો પૂરી કરી શકાય. બ્રહ્મોસ મિસાઈલ એ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કો નદીના નામોના સમન્વયથી બનેલી અને ભારતીય DRDO તેમજ રશિયન NPOM એવી બે સંસ્થાઓની સંયુક્ત કંપની દ્વારા વિકસાવેલી મિસાઈલ છે. આમ, આ ભારત અને રશિયાના સંરક્ષણ સહયોગનું ફળ છે. બ્રહ્મોસની જમીન, જળ અને આકાશ એમ બધી સેનાઓ માટે અનુકુળ આવૃતિઓ બનાવેલ છે અને દુનિયાની અદ્યતન મીસાઈલો પૈકીની એક છે. જેની કેટલીક આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

 • લંબાઈ              –         8.4 મીટર
 • વ્યાસ               –         0.6 મીટર
 • વજન                –         2.5 થી 3.0 ટન
 • દારૂગોળો          –       200 થી 300 કિલોગ્રામ
 • મહત્તમ રેન્જ       –       300 કિલોમીટર
 • એન્જીન              –       સોલીડ તથા રેમજેટ
 • મહત્તમ લેવલ       –      14,000 મીટર
 • લઘુત્તમ લેવલ       –      5 મીટર
 • પ્રવાસ અવધિ      –     300 સેકંડ
 • મહત્તમ ઝડપ       –     3,600 કી.મિ./કલાક
 • આશરે કિમત      –     18 કરોડ રૂપિયા

ખુશ્કીદળ/ આર્મીના ઉપયોગ માટે:

brahmos-3

ભારતીય સેના માટે ખાસ ઉપયોગી આ મિસાઈલ વિશિષ્ટ પ્રકારના ટ્રક જેવા મોબાઈલ લોન્ચરથી છોડી શકાય તેવી આવૃત્તિ ધરાવે છે. જુન 2007 થી લશ્કરમાં સામેલ છે અને પાકિસ્તાન તથા ચીન મોરચે વ્યુહાત્મક સ્થળોએ ગોઠવવામાં આવેલ છે. સરફેસ ટુ સરફેસ પ્રહાર કરે છે અને અચૂક નિશાનની ગેરંટી છે.

નૌકાદળ માટે :

brahmos-4

ભારતીય નૌકાદળ 2013 થી આ મિસાઈલ ધરાવે છે. ભારતની ‘રાજપૂત’ વર્ગની વિનાશીકાઓ, ‘તલવાર’ અને ‘શિવાલિક’ વર્ગની ફ્રિગેટો તેમજ ‘કોલકાતા’ વર્ગની વિનાશીકાઓ પણ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ કરવામાં આવેલ છે.

હવાઈદળ માટે :

brahmos-1

ભારતના હવાઈદળની શક્તિ વધારવા જુન 2016 માં આખરી પરિક્ષણમાં સફળ થયેલી બ્રહ્મોસની અદ્યતન આવૃત્તિ હાલ ઉત્પાદન તબક્કે છે અને ટૂંક સમયમાં સેનામાં સામેલ કરવામાં આવશે. આ આવૃત્તિ અત્યારે હવાઈદળના સુખોઈ-30 MKi વિમાનોમાં ગોઠવવાની વ્યવસ્થા થયેલી છે.

આ ઉપરાંત, સબમરીન દ્વારા છોડી શકાય તેવી અને સમુદ્ર કિનારેથી જમીનની અંદર ગોઠવીને દુશ્મન જહાજો સામે રક્ષણાત્મક કવચ ગોઠવવા માટેની આવૃતિ તરીકે પણ આ મિસાઈલ વાપરી શકાય તેવી છે.

brahmos-2

ભારત ઇન્ટર-કોનટીનેન્ટલ મિસાઈલ બનાવે છે તેવા સમયે 300 કિમી સુધી પ્રહાર શક્તિ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલ કેટલી અગત્યની છે તે જાણવું રસપ્રદ છે. પાકિસ્તાન અને ચીનની સરહદે આ મિસાઈલ ગોઠવવાથી દુશ્મન દેશની સરહદમાં 300 કિમી ઊંડાઈ સુધી કોઈ પણ રક્ષણાત્મક કવચ અને સંરક્ષાણ ઢાંચાનો કચ્ચરઘાણ કરવા ભારતે સીમા પાર કરવાની જરૂર રહેતી નથી. યુદ્ધના સમયે દુશ્મન સેનાની હવાઈ પટ્ટીઓ, ખુશ્કીદળના મહત્વના મથકો અને ટેન્કોનો ખુળદો બોલાવી દેવા આ અસરકારક શસ્ત્ર છે. બ્રહ્મોસ એ સુપરસોનિક મિસાઈલ છે. અને તેણી આધુનિક આવૃત્તિ હાઇપરસોનિક છે. કલાકના મહત્તમ 3,600 કિમીની ઝડપ ધરાવતી આ મિસાઈલ માર્ગમાં અવરોધી તેનો નાશ કરવો લગભગ અશક્ય છે. તેની સ્પીડ અને જરૂરીયાત મુજબ નીચી સપાટીએ ઉડવાની ક્ષમતાને કારણે તેને રડારથી પકડી શકાતી નથી.

brahmos-6

નૌકાદળ માટે આ મિસાઈલ જહાજના 300 કિમી ઘેરાવામાં દુશ્મન જહાજને પ્રવેશબંધી ફરમાવવા કાફી છે. દુશ્મન નૌકામથક માટે આપણી સેના 300 કિમી દુરથી વિનાશક બની શકે છે અને યુદ્ધ સમયે હુમલો કરવા દુશ્મનના સુરક્ષા કવચની બહાર રહી બંદરો ઉપર પ્રહાર કરી શકાય છે. તેજ પ્રમાણે વાયુદળ માટે હુમલો કરવા દુશ્મન દેશની સરહદમાં ઊંડે સુધી ઘૂસીને મોઘા યુદ્ધ વિમાનો માટે જોખમ લીધા સિવાય પણ અચૂક પ્રહારનો વિકલ્પ બને છે.

આ મિસાઈલ ફાયર એન્ડ ફરગેટ પ્રકારની છે. એટલે કે એક વખતે છોડ્યા પછી પોતાનો ટાર્ગેટ જાતે શોધીને તેનો નાશ કરે છે. માત્ર 300 સેકંડ એટલે કે 5 મીનીટમાં પોતાનું કામ પૂરું પાડે છે. તેનું નિશાન અચૂક છે અને દુનિયાની સૌથી ઝડપી મિસાઈલ છે. આપણા લશ્કરી બેડામાં તેની હાજરી માત્ર દુશ્મનને હુમલો કરતા રોકે છે તથા જો હુમલો થાય તો દુશ્મન માટે વિનાશકારક પરિણામ લાવવા સક્ષમ છે. ભારતે વિયેતનામ જેવા દેશોને આ મિસાઈલ વેચવાની ઓફર કરેલી છે અને અન્ય દેશો પણ તેને ખરીદવા ઉત્સુક છે. આ સંજોગોમાં ભારત માટે શસ્ત્ર વેચાણનો માર્ગ પણ ખુલે છે. આપણે સૌ GSEB કે CBSE માં ભલે અભ્યાસ કરીએ જે વિદ્યાર્થીઓને physics પસંદ હોય તેવા સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ અને દેશ સેવા કરવાની તક મેળવવા આ ક્ષેત્ર પસંદ કરી શકાય. તમારા અભ્યાસમાં zigya.com ના રિસોર્સ સેન્ટરનો ઉપયોગ કરો તે તદન વિનામૂલ્યે છે તે તમે જાણતા હશો જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *