Press "Enter" to skip to content

ભાદરવી પુનમ નો મેળો – અંબાજી – માં અંબાનો અવસર

Yogesh Patel 0

ભાદરવી પુનમ :

ભાદરવી પુનમ નો મેળો એટલે માં અંબાનો અવસર.  ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થધામ ભારતના 51 શક્તિપીઠ પૈકીનું એક અને પરમ પવિત્ર શક્તિપીઠ છે.

વર્તમાન સમયમાં કોરોના નિયમન તથા પ્રવર્તમાન સ્થિતિ અનુસાર સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણી બધી પાબંધી લગાવવામાં આવી છે. આમ છતાં, ભાદરવી પુનમ એટલે એક અલૌકિક પ્રસંગ અને અદભૂત અનુભવ તો છે જ. મૂળ આ બ્લોગ અગાઉ લખાયેલ તેથી કોરોના ઇફેક્ટમાં આપ જુદું અનુભવી શકો તો ય સાંપ્રત સમયને અનુરૂપ ફેરફાર કરીને ઓરીજનાલીટી જાળવી રાખેલ છે.

દેશના કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું વિષેશ મહત્વ છે.

ભાદરવા માસની  પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંદાજે 25 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને આવે છે.

આ મેળામાં મિનિ કૂંભ જેવા દ્રશ્યો જોવા મળે છે.

પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુ રોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે.

”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસા યંત્ર’ની પૂજા કરવામાં આવે છે.

જે દર્શાવે છે કે આ મંદિર ખૂબ જ પૂરાણું છે. મૂર્તિ પૂજા શરૂ થઈ એ પહેલાનું આ સ્થાનક હોવાની માન્યતા છે.

ભાદરવી પુનમ

માતાજીની અખંડ જ્યોત

મા અંબાનું મૂળસ્થાન શક્તિપીઠ મંદિર અરવલ્લી પર્વતમાળાના ગબ્બર પર્વત પર આવેલું છે.

મા અંબાજી શક્તિપીઠની ગણના વેદોમાં વર્ણિત 51 શક્તિપીઠોમાં થાય છે.

એવી પણ માન્યતા છે કે મા સતીના હૃદયનો એક ટૂકડો અહીં પડ્યો હતો.

અંબાજી આવેલ શ્રદ્ધાળુઓ દર્શન અને મનોકામના પૂરતી માટે ગબ્બર પર્વત પર આવેલ માતાના મંદિરે અવશ્ય જાય છે.

આ મંદિરમાં મા ની અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે. લોક માન્યતા અનુસાર માતાના પદચિન્હ તથા રથના પૈડાના નિશાન મંદિરના પ્રાંગણમાં જોઈ શકાય છે.

અંબાજી મંદિર આરસપહાણથી બનેલ છે અને આ મંદિર શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.

ગબ્બર પર્વતના શિખર પરથી અંબાજીના મનોરમ્ય દ્રશ્યનો આનંદ લઇ શકાય છે.

ગબ્બર પર્વત ઉપર ચઢવા 999 પગથીયા ચડવું પડે છે. બાળકો અને વૃધ્ધો માટે માતાજીના દર્શનથી વંચિત ન રહે તે માટે 1998થી અહી ઉડન ખટોલાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ભક્તોની આસ્થાના પ્રતિક સમા આ મંદિરને મંદિર ટ્રસ્ટ દ્વારા સૂવર્ણથી મઢવાની કામગીરી ચાલી રહી છે.

ભાદરવી પુનમ

ગબ્બર પર્વત પર મૂળ સ્થાનક

ભાદરવી પૂનમ દરમિયાન (સપ્‍ટેમ્‍બર મહિનામાં) અંબાજી ખાતે એક મોટા ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવે છે.

આરાસુર દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા અને જિલ્‍લા પ્રશાસન દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ મેળામાં ભાગ લેવા અંદાજે 25 લાખ કરતા પણ વધું શ્રદ્ધાળું અંબાજી ખાતે આવે છે.

ગુજરાતના દરેક ક્ષેત્રોમાંથી શ્રદ્ધાળુઓ  જય અંબે ના નાદ સાથે ત્રિશૂળ, ધજાઓ વગેરે સાથે અંબાજી પગપાળા આવે છે.

આ સમય દરમિયાન મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે.

‘બોલ માડી અંબે, જય જય અંબે’

મેળા દરમિયાન અંબાજી તરફના દરેક રોડ ઉપર ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.

લોકો આનદમાં અને ભક્તિની મસ્તિમાં સંઘ સાથે પગપાળા યાત્રા કરે છે.

ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો સંઘ લઈને આવે છે. એ સિવાય દેશના અન્ય વિસ્તારોમાંથી પણ ભાવિક ભક્તો માતાના દર્શને આવે છે.

આ સમયે અરવલ્લીની ગિરિમાળાઓ ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠે છે.

વિસામા – સેવાનો લ્હાવો

માતાના દર્શને આવતા ભક્તો માટે વિવિધ જગ્યાએ અનેક વિસામાઓ તૈયાર કરાય છે.

દર્શને આવનાર દરેક યાત્રીને પાણીની, જમવાની, રહેવાની, આરામની વગેરે જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

સાથે સાથે મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

દૂર દૂરથી લોકો આ સેવાના કાર્ય અર્થે અંબાજી તરફના રોડ પર પોતાના સ્ટોલ ઊભા કરી લોક-સેવામાં જોડાય છે.

આ એવો સમય છે જ્યારે ખરેખર લાગે છે કે આ કલયુગમાં પણ લોકો લોકસેવામાં ખરેખર જોડાય છે.

ભાદરવી પુનમ ના દર્શન નું મહાત્મ્ય

ભાદરવી પૂનમે માતાના દર્શનનું વિશેષ મહત્વ છે.

પગપાળા યાત્રીઓને સાથે બસમાં અને અનેક ખાનગી વાહનો મારફતે લોકો મા અંબાના દર્શને પહોંચે છે.

આ મેળા દરમિયાન ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોની સગવડ કરવામાં આવે છે.

એ સિવાય અનેક ટ્રાવેલ એજંસીઓની ખાનગી બસો પણ યાત્રાળુઓ માટે દોડે છે.

ભાદરવી પૂનમના દિવસે ભરાતો મેળો એ અંબાજી શક્તિપીઠનો મોટામાં મોટો મેળો છે.

આ મેળાને લાંબો પણ કહી શકાય. કારણ કે લગભગ એક અઠવાડિયા પહેલાથી જ ભાવિક ભક્તોનો ઘસારો શરૂ થઈ જાય છે.

આ મેળા દરમિયાન મંદિરને વિશેષ રીતે રોશનીથી સજાવવામાં આવે છે.

લાખોની સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લેતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાનું વિશેષ આયોજન પણ કરવામાં આવે છે.

સેનાના જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે.

ખાનગી વાહનો અને બસોને મંદિરથી દૂર પાર્ક કરાવવામાં આવે છે જેથી દર્શનાર્થીઓને અગવડ ન પડે.

મંદિર પરિસરમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી માતાના દર્શન માટે ઊભા રહે છે.

ગુજરાતના મોટા મેળાઓ પૈકીનો ભાદરવી પૂનમનો મેળો ખરેખર ભક્તોની આસ્થાનું પ્રતિક છે.

gu-12

ભાદરવી પુનમ

સુવર્ણ મઢ્યું માતાજીનું મંદિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *