Press "Enter" to skip to content

ભારતનુ બંધારણ : અર્થ અને ઘડતર પ્રક્રિયા

Yogesh Patel 0

બંધારણને એક રાષ્ટ્ર ગ્રંથના રૂપે જોવામાં આવે છે. સૌ કોઈ બંધારણને આધિન રહે છે. સમગ્ર ન્યાયપાલિકા આપણા આ જ બંધારણ ઉપર આધારિત છે. દેશનો સર્વોચ્ચ કાયદા ગણાતું આપણું બંધારણ એ આખા વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. આપણો દેશ એક સમૃદ્ધ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક છે. ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે. બંધારણ ઘડવાનું કાર્ય બંધારણ સભાએ કર્યું હતું પરંતુ બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ. એન. રોયને 1934માં આવ્યો હતો.

બંધારણ નો અર્થ :

કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે.

બંધારણનું મહત્વ :

બંધારણ એ કોઈ પણ દેશનો પાયાનો અને સાથે સાથે એક અગત્યનો દસ્તાવેજ છે. દેશમાં કોઈપણ કાયદાનું નિર્માણ કરવું હોય તો એ બંધારણની જોગવાઈઓને આધારે કરવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણમાં કરેલી જોગવાઈઓ અનુસાર અને એને આધીન જ હોવા જોઈએ. બંધારણ એ એક અગત્યનો દસ્તાવેજ છે કારણ કે એ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે, તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે.

બંધારણ ઘડતરની પ્રક્રિયા :                  

આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 મી માર્ચ, 1946ના રોજ ત્રણ સભ્યોના કૅબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. આ સભ્યોની સમિતિએ બંધારણના ઘડતર માટે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. જેમાં જુદી-જુદી કોમ, જાત, ધર્મ, જાતિ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, એચ.પી.મોદી, એચ.વી.કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર હતા.

આ પ્રમાણે બંધારણ સભાના ઘડતર બાદ 9 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણની રચના કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસોમાં કુલ 166 બેઠકો કરીને બંધારણની રચના કરી. આ પ્રક્રિયામાં દુનિયાના જુદા-જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરાયો અને એના મહત્વના લક્ષણો અંગે ચર્ચા-વિચારણ બાદ આપણા બંધારણને આખરી સ્વરૂપ અપાયું. લગભગ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરાયો અને Rs.63 લાખ જેટલો ખર્ચ થયો. બંધારણના ઘડતર સમયે એમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતાં, ત્યાર બાદ સુધારા વધારા સાથે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયાં. 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને બંધારણને કાયદાનું સ્વરૂપ અપાયું અને આજે એ દેશના સર્વોચ્ચ કાયદા સમાન છે. 26મી જાન્યુઆરી,1950થી બંધારણને લાગુ કરી દેવાયું અને ભારત “પ્રજાસત્તાક રાષ્ટ્ર” ઘોષિત થયું, તેથી આપણે 26 મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. બંધારણ સભામાં રાષ્ટ્રચિહન તરીકે ‘ચાર સિંહોની મુખાકૃતિ’ ને અને રાષ્ટ્ર સૂત્ર તરીકે ‘સત્યમેવ જયતે’ ઘોષિત કરવામાં આવ્યાં. આપણા બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી સૂચનાઓ અને ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને એક લેખિત દસ્તાવેજ છે.

બંધારણની વિશેષતાઓ :

  • વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ
  • પરિવર્તનશીલ બંધારણ
  • આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.
  • બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાષ્ટ્ર
  • પુખ્ત મતાધિકાર
  • સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા
  • લઘુમતી કોમના હિતોની રક્ષાની વ્યવસ્થા
  • સંઘાત્મક શાસનપ્રણાલી
  • બંધારણમાં સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર
  • મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો
  • એક જ નાગરિકતા
  • બંધારણમાં સંશોધન માટેની વિધિ
  • દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા                                                           

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *