Press "Enter" to skip to content

રીયો ઑલમ્પિકમાંં વિજેતા નારીરત્નો : સાક્ષી મલિક અને પી.વી.સિંધુ

Yogesh Patel 0

રીયો ઑલમ્પિક ભારત માટે નિરાશાજનક રહ્યું. 118 રમતવીરોની ટોળીમાંથી ફક્ત 2 મેડલ મેળવી ભારત મેડલ તાલિકામાં છેક 67માં સ્થાને રહ્યું. છેલ્લે લંડન ઑલમ્પિક કરતાં પણ આ વખતનું આપણા રમતવીરોનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું. કોઈ પુરુષ રમતવીર આ વખતે મેડલ ન જીતી શક્યો. પી.વી.સિંધુ, સાક્ષી મલિક, દિપા કર્માકર જેવા ખેલાડીઓને બાદ કરતાં આપણા કોઈ ખેલાડી મેડલની નજીક પણ ન પહોંચી શક્યા. જેના માટે ખેલાડીઓ જવાબદાર છે કે પછી આપણી સરકારોની ઉદાસીનતા અને વધારામાં આપણી રમત સંસ્કૃતિનો અભાવ, બીજા અનેકો કારણ હોઈ શકે છે પરંતુ કારણ જે પણ હોય પણ ભારત માટે આ વિષે વિચારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. મિત્રો, આજે આપણે રીયો ઑલમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓ અને એમને મળેલા ઈનામો વિશે માહિતી મેળવીએ.

રીયો ઑલમ્પિકમાં ભારત માટે ખુશીના સમાચાર ત્યારે આવ્યા જ્યારે કુશ્તીમાં 58 KG વર્ગમાં સાક્ષી મલિકે ભારત માટે પ્રથમ કાંસ્ય ચંદ્રક જીત્યો. ત્યારબાદ પી.વી.સિંધુએ કમાલ કરી અને એક વખત તો એવું લાગતું હતું કે સિંધુ ભારત માટે સૂવર્ણ ચંદ્રક પણ જિતશે પરંતુ વિશ્વની નંબર એક ખેલાડી સામેની ફાઈનલ મૅચમાં સિંધુની હાર થઈ અને ભારતને મળ્યો રીયો ઑલમ્પિકનો બીજો ચંદ્રક. પી.વી.સિંધુએ રજત ચંદ્રક જીતી દેશને ગૌરવ અપાવ્યું. ચંદ્રક જીતવાની સાથે જ આ બંને ખેલાડીઓ પર ઈનામો અને શુભેચ્છાઓનો જાણે કે વરસાદ થયો. સૌએ આ બંને ખેલાડીઓને એમના ઉજ્વલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને એમની આ સિદ્ધિને બિરદાવી.

1478

પી.વી.સિંધુ

પુસરલા વેંકટ સિંધુ એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. પી.વી.સિંધુનો જન્મ 5 જુલાઈ, 1995ના રોજ હૈદરાબાદમાં થયો હતો. પી. વી. સિંધુના પિતા પી. વી. રમણ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડી છે. જેઓને ભારત સરકારે અર્જુન ઍવોર્ડથી વર્ષ 2000માં સમ્માનિત કર્યા હતા. સિંધુની માતા પણ ભૂતપૂર્વ વૉલીબોલ ખેલાડી છે. પોતાના માતા-પિતા તરફથી રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળતા પી.વી.સિંધુએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતું. રિયો ઑલમ્પિકમાં રજત ચંદ્રક મેળવનારી સિંધુ દેશની પ્રથમ મહિલા ખેલાડી છે. રીયો ઑલમ્પિકમાં ચંદ્રક મેળવ્યા પહેલા પણ સિંધુએ અનેક પ્રતિયોગિતામાં મેડલ અપાવી દેશનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ, ઉબેર કપ, એશિયન ગૅમ્સ, કોમનવેલ્થ ગૅમ્સ, જૂનિયર ચૅમ્પિયનશિપ વગેરે જેવી મોટી પ્રતિયોગિતામાં 3 સૂવર્ણ પદક, 1 રજત અને 9 કાંસ્ય પદક જીતી પી.વી.સિંધુએ પોતાની રીયો ઑલમ્પિકમાં ચંદ્રક જીતવાની રાહ તૈયાર કરી છે. પી.વી.સિંધુને ભારત સરકારે 30 માર્ચ, 2015માં દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કર્યો હતો. હાલમાં રીયો ઑલમ્પિકમાં મેડલ જીતતાની સાથે જ સિંધુ પર ઈનામો અને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ભારત સરકારે પણ 'રાજીવ ગાંધી ખેલ રત્ન' કે જે રમત-ગમત ક્ષેત્રે સૌથી મોટો ઍવોર્ડ છે તે આપવાની જાહેરાત કરી છે.

એક નજર પી.વી.સિંધુને મળેલા ઈનામો પર :

  • તેલંગાના સરકાર – 5 કરોડ
  • આંધ્રપ્રદેશ સરકાર – 3 કરોડ
  • દિલ્હી સરકાર – 2 કરોડ
  • ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) – 75 લાખ
  • બૅડમિન્ટન ઑથોરિટી ઓફ ઈન્ડિયા – 50 લાખ
  • હરિયાણા સરકાર – 50 લાખ
  • મધ્ય પ્રદેશ સરકાર – 50 લાખ
  • રમત-ગમત મંત્રાલય – 50 લાખ
  • ભારતીય ઑલમ્પિક સંઘ – 30 લાખ
  • ઑલ ઈન્ડિયા ફૂટબૉલ ફેડરેશન – 5 લાખ
  • સલમાન ખાન – 1.01 લાખ

 

સાક્ષી મલિક

સાક્ષી મલિક ભારતીય મહિલા પહેલવાન છે. સાક્ષી મલિકનો જન્મ 3 જાન્યુઆરી, 1993ના રોજ હરિયાણા રાજ્યના રોહતકમાં થયો હતો. સાક્ષી મલિકના પિતા DTCમાં બસ કંડક્ટર છે અને માતા આંગનવાડી કાર્યકર્તા છે. સાક્ષીના દાદાજી પણ એક પહેલવાન હતાં. નાનપણથી જ રમતો પ્રત્યે રૂચિ ધરાવતી સાક્ષીને ક્રિકેટર બનવું હતું પરંતુ દાદાજીના કુશ્તી પ્રત્યેના આકર્ષણને કારણે સાક્ષીને નાનપણથી જ કુશ્તીના પાઠ ભણવા મળ્યા અને સાક્ષીએ કુશ્તીને જીવનનું અંગ બનાવી અને 12 વર્ષની ઉંમરે સાક્ષીને અખાડામાં પ્રવેશ અપાવવામાં આવ્યો. સાથે સાથે સાક્ષીએ અભ્યાસ પણ ચાલું રાખ્યો અને શારીરિક શિક્ષણના ક્ષેત્રે માસ્ટર ડીગ્રી મેળવી. રીયો ઑલમ્પિકમાં કાસ્ય પદક જીતવાની સાથે સાક્ષી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની જે ઑલમ્પિકમાં પદક જીતી શકી હોય. ઑલમ્પિકમાં પદક જીત્યા પહેલા સાક્ષી એશિયન ચૅમ્પિયનશિપમાં કાસ્ય ચંદ્રક અને ગ્લાસગોમાં યોજાયેલ કૉમનવેલ્થ ગૅમ્સમાં પણ ભારત માટે રજત ચંદ્રક જીતી ચૂકી છે. માત્ર 23 વર્ષની ઉંમરે ઓલમ્પિક જેવી મોટી પ્રતિયોગિતામાં ભારત માટે ચંદ્રક જીતી સાક્ષી મલિકે ખરેખર દેશને ગૌરવ અપાવ્યું છે. સાક્ષી મલિક હાલ ભારતીય રેલવેમાં નાણાકીય વિભાગમાં ફરજ બજાવે છે. ઑલમ્પિકમાં મેડલ જીતતા જ સાક્ષીને રેલ મંત્રાલયે બઢતી આપી સિનિયર ક્લાર્કનો હોદ્દો આપ્યો. સાથે સાથે કેંદ્ર સરકારે પણ 'રાજીવ ગાંધી ખેલ રત્ન' કે જે રમત-ગમત ક્ષેત્રે સૌથી મોટો ઍવોર્ડ છે તે આપવાની જાહેરાત કરી સાક્ષીને એક ભેટ આપી છે.

એક નજર સાક્ષી મલિકને મળેલા ઈનામ પર :

  • હરિયાણા સરકાર – .2.5 કરોડ
  • દિલ્હી સરકાર – 1 કરોડ
  • રેલ મંત્રાલય – 60 લાખ
  • રમત-ગમત મંત્રાલય – 30 લાખ
  • ભારતીય ઑલમ્પિક સંઘ – 20 લાખ
  • ઑલ ઈન્ડિયા ફૂટબૉલ ફેડરેશન – 5 લાખ
  • સલમાન ખાન – 1.01 લાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *