Press "Enter" to skip to content

શ્યામજી કૃષ્ણવર્મા – ક્રાંતિગુરુ Shyamji Krishna Varma

Pankaj Patel 0

શ્યામજી કૃષ્ણવર્મા કચ્છના માંડવીમાં જન્મેલા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની, વકીલ, વિચારક અને ઉપરાંત ધણુ બધુ હતા.

લંડનમાં ઇંડિયન હોમરૂલ સોસાયટી, ‘ઈન્ડિયા હાઉસ’ અને ‘ઇંડિયન સોસિયોલોજીસ્ટ’ ના તેઓ સ્થાપક હતા.

શ્યામજી કૃષ્ણવર્મા

શ્યામજીના જીવનના કેટલાક અગત્યના બનાવો

 • શ્યામજીનો જન્મ 4 October 1857 ના રોજ કચ્છના માંડવીમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણદાસ ભાનુશાળી અને માતા ગોમતીબાઈ હતા.
 • માતાનું શ્યામજીની ઉમર 11 વર્ષ હતી ત્યારે અવસાન થતાં દાદીએ તેમણે ઉછેર્યા હતા.
 • પ્રારંભિક શિક્ષણ ભુજમાં અને બાદમાં 1873માં વિલ્સન હાઈસ્કૂલ, મુંબઈ ખાતે તેમણે પ્રવેશ મેળવ્યો. મૂંબઈમાં તેઓ સંસ્કૃત ભણ્યા.
 • 18 વર્ષની ઉમરમાં 1975માં તેઓના લગ્ન ભાનુમતિ સાથે થયા.
 • ત્યાર બાદ ‘આર્ય સમાજ’ ના સ્થાપક દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવતાં તેમના શિષ્ય બન્યા.
 • દેશભરમાં ફરીને વૈદિક દર્શન અને ધર્મ ઉપર વ્યાખ્યાનો આપવા લાગ્યા.
 • 1877 માં કાશીના પંડિતોએ તેમને ‘પંડિત’ ની ઉપાધિથી નવાજયા. તેઓ એ સમયમાં પ્રથમ બિન બ્રાહ્મણ પંડિત હતા.
 • આ ગાળામાં ઓક્સફર્ડના સંસ્કૃતના પ્રોફેસર Monier Williams ના ધ્યાનમાં તેઓ આવ્યા અને પોતાના સહાયક તરીકે કામની ઓફર કરી, અને 1878માં તેઓ તેમની સાથે જોડાયા.
 • 1879 માં Balliol College, Oxford ખાતે સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા.
 • 1881 માં Berlin Congress of Orientalists માં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ‘સંસ્કૃત – ભારતની જીવંત ભાષા’ વિષય પર લેખ રજૂ કર્યો.
 • 1882 માં Balliol College માંથી B.A. પાસ કર્યું.
 • 1883 માં રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય બન્યા.
 • 1884 માં ઓક્સફર્ડથી ‘બેરિસ્ટર’ ની ડિગ્રી મેળવી.
 • 1885 થી 1855 સુધી દેશમાં પરત ફર્યા. આ સમયગાળામાં તેઓએ ક્રમશ: અજમેર, રતલામ અને જૂનાગઢના દીવાન તરીકે કામ કર્યું.
 • તેઓ ઉદયપુર મહારાજાના કાઉન્સીલ મેમ્બર તરીકે પણ નિમાયા.

ફરીથી પાછા યુરોપમાં

 • 1897 માં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બહારથી કાર્ય કરવાના ઈરાદા સાથે ઈંગ્લેન્ડ ગયા.
 • 1905 માં ‘ઈન્ડિયા હાઉસ’ ને ભારતીય વિદ્યાર્થીઓએ માટે રહેવાની સગવડ માટે ખુલ્લુ મૂક્યું. વળી, ‘ધી ઇંડિયન સોશિયોલોજિસ્ટ’ નો પ્રથમ અંક પણ બહાર પાડ્યો.
 • 1907 માં મેડમ કામાએ જર્મનીમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં છૂપી પોલીસનું દબાણ વધી ગયું અને શ્યામજી લંડનથી પેરિસ પહોંચ્યા.
 • 1909 માં ઇનર ટેમ્પલના લિસ્ટમાથી નામ દૂર કરી તેમની બેરિસ્ટરની ડિગ્રી પરત ખેંચી લેવામાં આવી. (જે વર્ષ 2015 માં નિર્ણય ફેરવીને મરણોપરાંત ડિગ્રી પરત આપવામાં આવી ! .. જે હાલ  કિર્તિતીર્થ માં રાખવામા આવી છે.)
 • 1909 માં જ ‘ઇંડિયન સોશિયોલોજિસ્ટ’ પેરિસ ખાતે ખસેડવામાં આવ્યું.
 • 1914 માં શ્યામજી પેરિસથી જીનીવા સ્થળાંતરીત થયા.
 • 30 માર્ચ 1930 – જીનીવાની હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ લીધા.

શ્યામજી કૃષ્ણવર્મા – ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની

1857 ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના વર્ષમાં જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા મહાન ક્રાંતિકારી, વિદેશમાં રહી દેશસેવામાં જીવન ખપાવનાર અને વિદેશમાં સ્વાધીનતા માટે લડતા દરેક માટે બનતું બધુ કરી છૂટનાર ક્રાંતિવિર હતા.

એ સમયે પણ તેમની ગણના ‘લખપતિ’ માં થતી. છતાં, પોતાનું સર્વસ્વ દેશની સ્વતંત્રતા માટે લડતા વીરો પાછળ વાપરી, ની:સંતાન મૃત્યુ પામ્યા પણ પોતાની વારસો અમર કરતા ગયા.

લંડનમાં તેમનું ‘ઈન્ડિયા હાઉસ’ ભારતીય ક્રાંતિકારીઓ માટે આશ્રયસ્થાન હતું. ઘણી પ્રવૃત્તિઓ ત્યાથી સંચાલિત થતી. વીર સાવરકરે પણ પોતાની પ્રવૃત્તિઓ અહી રહીને જ સંચાલિત કરેલી.

યુરોપમાં રહી અનેક દેશોના ક્રાંતિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા અને ભારતની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ ઉભી કરવામાં અગત્યની ભૂમિકા ભજવી.

મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાના અસ્થિઓ જીનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી.

આઝાદી બાદ પેરિસના ડો. પૃથ્વીન્દ્ર  મુખરજીની વિનંતીને માન આપી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ  તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી 22 ઓગસ્ટ 2003ના રોજ અસ્થિ ભારત લાવ્યા.

સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણવર્મા ના અસ્થિઓની ‘વિરાંજલી યાત્રા’ કાઢી વતન માંડવીમાં લાવવામાં આવેલા.

સ્મારક

કચ્છના માંડવી ખાતે કીર્તિતીર્થ નામનું શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે.

અહી, લંડનના ‘India House’ ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વિશાળ જગ્યામાં આવેલા સ્મારકમાં શ્યામજીના જીવનને લગતી પ્રાપ્ય વસ્તુઓ અને ઘટનાઓનું પ્રદર્શન કરેલું છે.

અન્ય ક્રાંતિકારીઓના ચિત્રો પણ પ્રદર્શિત કરાયા છે. યુવાનો શ્યામજીના જીવનમાથી પ્રેરણા મેળવે એવું સ્મારક બનાવ્યું છે.

શ્યામજી કૃષ્ણવર્મા

આ ઉપરાંત, પેરિસમાં એમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મૂંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમનું એક પુસ્તક પણ લખેલું. અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમના પૂતળા મૂકવામાં આવેલ છે અને રસ્તાઓનું નામકરણ પણ થયેલું છે. ક્રાંતિવિરને વંદન સહ અસ્તુ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *