Press "Enter" to skip to content

સંઘર્ષની મહાગાથા – ઈરોમ શર્મિલા

Yogesh Patel 0

yh

આપણો દેશ એ એક લોકતાંત્રિક દેશ છે. દેશની જનતાને વિરોધ કરવાનો, પોતાની વાત રાખવાનો કે પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી છે. પરંતુ ઘણીવાર લોકો આ આઝાદીનો દૂરઉપયોગ કરી દેશની છબીને નુકસાન પહોંચાડવાની કોશિષ કરતા રહે છે. છેલ્લા કેટલાક સમયમાં અસહિષ્ણુતા, અનામત આંદોલનો અને કાશ્મિર હિંસા જેવા અનેક કારણોને કારણે વાતાવરણ ગરમાયું છે. કાશ્મિરમાં તો દોઢ મહિના પછી આજે પણ હિંસાના દ્રશ્યો સર્જાય છે. લોકોના વિરોધ કરવાના ઘણા કારણો છે પરંતુ કેટલાક સ્થાપિત હિતો સાધવામાં પ્રયત્નશીલ લોકોને કારણે આખો જનસમુદાય અવળા માર્ગે વળી વિરોધનો વંટોળ ઊભો કરે છે. દેશમાં અશાંતિ અને હિંસાનો માહોલ સર્જાય છે જે ખરેખર દુઃખનીય છે. એવામાં હમણા જ સમાચાર આવ્યા કે મણિપુરની ઈરોમ શર્મિલા નામની એક મહિલાએ 16 વર્ષના લાંબા ઉપવાસ બાદ પોતાનું અનશન ખતમ કર્યું. નવાઈની વાત છે મિત્રો કે આવું પણ છે આપણા દેશમાં. તો આવો આપણે આજે જાણીએ એ લોખંડી મહિલા અને એના અહિંસક આંદોલન વિશે.

ઈરોમ શર્મિલાનો જન્મ મણિપુર રાજ્યના ઈમ્ફાલના કોંગપોંગમાં 14 માર્ચ, 1972ના રોજ થયો હતો. ઈરોમ શર્મિલાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. દુનિયામાં લોખંડી મહિલાને નામે જાણીતા એવા ઈરોમ શર્મિલા માનવઅધિકાર કાર્યકર છે. જેઓ છેલ્લા 16 વર્ષથી અહિંસક આંદોલન કરી રહ્યા હતા અને ઉપવાસ પર હતા. ઈરોમ શર્મિલા AFSPA નામના કાયદાના વિરોધમાં અનશન પર હતાં. આપણા દેશમાં Armed Forces Special Powers Act (AFSPA) નામનો એક કાયદો છે. જે 1958માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ભારતની મિલેટ્રી ફોર્સીસને અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક સંવેદનશીલ અને અશાંત વિસ્તારોમાં ખાસ અધિકારો આપવામાં આવ્યા છે. જે મુજબ કોઈપણ વ્યક્તિની કારણવગર પકડી શકાય કે ઠાર મારી શકાય છે. 1990માં આ કાયદામાં સુધારો કરી જમ્મુ-કાશ્મિરના કેટલાક ભાગ પણ એમાં જોડવામાં આવ્યાં.

2 નવેમ્બર, 2000ના રોજ આસામ રાઈફલના જવાનો સાથેની અથડામણમાં મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં 10 નાગરિકોના મોત થયા હતાં. 2 દિવસ બાદ એટલે કે 4 નવેમ્બર, 2000 ના રોજ ઈરોમ શર્મિલાએ ગાંધીચિંધ્યા માર્ગે AFSPA ના વિરોધમાં પોતાના અનશનની શરૂઆત કરી. જસ્ટ પીસ ફાઉંડેશનના નામના NGO સાથે મળી ઈરોમે ભૂખ હડતાલની શરૂઆત કરી. માત્ર 28 વર્ષની વયે એક મહિલાની સંઘર્ષપૂર્ણ સફરની શરૂઆત થઈ. ભૂખ હડતાલથી એમની તબિયત લથડતા એમને હૉસ્પિટલમાં ભરતી કરાયા પરંતુ અનશન ન તોડવાને કારણે પોલીસે આત્મહત્યાના પ્રયાસમાં ઈરોમને બંદી બનાવ્યા. કાયદા પ્રમાણે એક વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યક્તિને આવા કિસ્સામાં બંદી બનાવી ન શકાય તે માટે ઈરોમને છોડી ફરીથી આત્મહત્યા કરવાના ગુનામાં બંદી બનાવી લેવાતાં. હોસ્પિટલનો એક રૂમ જ ઈરોમ માટે અસ્થાયી જેલ તરીકે બનાવવામાં આવ્યો હતો. ઈરોમને નાક વાટે નળી લગાવીને બળ જબરીથી પ્રવાહી આપવામાં આવતું હતું. નાકની એ નળી ઈરોમ માટે જાણે કે ઓળખનું પ્રતિક બની ગઈ. આટલા લાંબા સમય સુધી ઈરોમ એના સહારે જીવતા રહ્યા અને સંઘર્ષ કરતા રહ્યા. 2006માં ઈરોમે દિલ્હિમાં રાજઘાટ અને જંતર-મંતર પર પણ પ્રદર્શન કર્યું હતુ, જેમાં દિલ્હી પોલીસે એમની ધરપકડ પણ કરી હતી. 2011માં અન્ના હઝારેના આંદોલન વખતે દેશભરમાંથી મળતા સમર્થનને લીધે ઈરોમે અન્નાને અપીલ કરી કે તેઓ મણિપુરમાં જાય અને AFSPAના વિરોધમાં સહયોગ કરે. અન્નાએ એમની આ વાતમાં ખાસ રુચિ ન દેખાડતા આગળ વાત શક્ય ન બની. અન્ય સહાય કે સાથ ન મળતાં ઈરોમ નિરાશ ન થયા અને પોતાનું અનશન ચાલુંં જ રાખ્યુંં. 

maxresdefault thequint%2F2016-08%2F91e38ee3-acba-4360-9987-1d4b05f37da5%2FIrom Sharmila Sand art

ઈરોમ શર્મિલાને એમના અનશન દરમિયાન ઘણા બધા પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. 2007માં લોકશાહી અને શાંતિની સ્થાપના માટેનો પારિતોષિક, 2009માં સંઘર્ષ માટેનો પારિતોષિક, 2010માં એશિયન હ્યુમન રાઈટ્સ કમિશને લાઈફ ટાઈમ ઍચિવમેંટ પારિતોષિક, વુમન આઈકન ઓફ ધી ઇંડિયા જેવા અનેક પારિતોષિકથી ઈરોમ શર્મિલાને નવાજવામાં આવ્યાં છે. 9 ઑગષ્ટ, 2016ના રોજ 16 વર્ષ જેટલા લાંબા અનશન બાદ ઈરોમ શર્મિલાએ અદાલતમાં સોગંદનામું રજૂ કરી પોતાનું અનશન પૂરું કરવાની જાહેરાત કરી. ન્યાયિક પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ એમને જેલમાંથી છોડવામાં આવ્યાં.

દોઢ સાયકા જેટલા લાંબા સંઘર્ષને કારણે આખી દુનિયામાં એમની નોંધ લેવાઈ પરંતુ એમનું લક્ષ્ય પૂરું ન થયુ. દુનિયાની આ લોખંડી મહિલાએ પોતાના અનશને પૂરુ જાહેર કર્યા બાદ કહ્યું કે લોકોની એમના પ્રત્યેની ઉદાસીનતા અને ઓછા સહકારને કારણે તથા સરકારની ઉપેક્ષાને કારણે તેઓ અનશન પૂરુ કરી હવે રાજકારણમાં આવશે. લોકસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો ઈરોમે અસ્વીકાર કર્યો હતો. અનશન પૂરુ કર્યા બાદ વધુમાં એમણે કહ્યું કે, "મારે આઝાદી જોઈએ છે, મને એક અલગ રીતે જોવામાં આવે છે. લોકો કહે છે કે રાજકારણ એ ગંદુ છે પરંતુ આપણો આ સમાજ પણ ગંદો છે. AFSPA સામેનું મારું આંદોલન ચાલું જ છે. હું હવે સરકાર સામે ચૂંટણી લડીશ અને ગાંધીચિંધ્યા માર્ગે જ આગળ વધીશ. મને લોકો સામાન્ય માણસની જેમ જ જૂએ. હુ ક્રાંતિની પ્રતિક છું. મારે મણિપુરના મુખ્યમંત્રી બનવું છે, જેથી કરીને હું મારા મુદ્દાઓને રાજકીય રીતે ઉઠાવી શકું.". આ સિવાય ઈરોમે લગ્ન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી.

ભૂખ હડતાલની સાથે સાથે ઈરોમે પોતાની માતાને વાયદો કર્યો કે જ્યાં સુધી એમનું અનશન પૂરુ નહિ થાય ત્યાં સુધી એ પોતાની માનો ચહેરો નહિ જુએ આને ખરેખર 16 વર્ષથી એ પોતાની માતાને મળ્યા નથી. વધુંમા જ્યાં સુધી AFSPA હટાવવામાં ન આવે ત્યાં સુધી એ પોતે દર્પણમાં પોતાનો ચહેરો નહિ જુએ અને વાળમાં કાંસકો નહિ ફેરવે વગેરે એમની ભૂખ હડતાલમાં વધારાના પરિબળો છે. લાંબા ગાંધીવાદી સંઘર્ષ બાદ પણ ઈરોમ પોતાના લક્ષ્ય સુધી ન પહોંચી શક્યા અને 16 વર્ષ દરમિયાન દેશના કોઈ રાજનેતાએ એમની સાથે વાર્તાલાપ દ્વારા અનશન પૂરુ કરવાની કોશિશ સુદ્ધા પણ ન કરી એ એક કટુ સત્ય છે.

આજના કહેવાતા આંદોલનકારીઓ અને ઈરોન શર્મિલાના અનશન વચ્ચે ખૂબ મોટો તફાવત છે. એક બાજુ પોતાના સ્થાપિત હિતો સાધવા લોકો જાહેર જનતાને એમાં સામેલ કરે છે અને આંદોલન ઉગ્ર બનાવી તેને હિંસાત્મક વળાંક આપે છે. જાહેર સાહસોને નુકસાન પહોચાડે છે અને કહેવાતા આંદોલનકારીઓ બચી જાય છે અને ભોગ લેવાય છે જાહેર જનતાનો તો બીજી બાજુ ઈરોન શર્મિલા પોતાના રાજ્યના AFSPA જેવા આકરા કાયદાના વિરોધમાં પોતે 16 વર્ષ સુધી સંઘર્ષ કરે છે અને કોઈ પણ જાહેર હિતને નુકસાન કર્યા વિના આગળ વધે છે. આપણે એ સમજવાની જરૂર છે કે આંદોલન કે વિરોધ બરાબર છે પરંતુ તે જાહેર હિતમાં હોવો જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે એમાં જોડાઈને દેશને સંપત્તિને કે જાન-માલના નુકસાન સાથે દેશની છબીને તો નુકસાન નથી પહોચાડીએ રહ્યા ને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *