Press "Enter" to skip to content

સૂર્યનમસ્કાર – સંપૂર્ણ વ્યાયામ

Yogesh Patel 0

સૂર્યનમસ્કાર

 • સૂર્યનમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત.
 • સૂર્યદેવને સમસ્ત સૃષ્ટિનો આત્મા કહેવાય છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યદેવના પ્રકાશને કારણે જ જીવંત છે.
 • સૂર્યને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના દેવ માનવામાં આવે છે.
 • ભારતમાં પ્રાચીન સમયથી પ્રાતઃકાળે સૂર્યદેવને નમસ્કાર કરી મંત્રોચ્ચાર કરી સહ આરાધના કરવાનો રિવાજ પ્રવર્તે છે.
 • શરીર, મન અને પ્રાણનો સંપૂર્ણ વિકાસ કરવા માટે આપણા દેશના પ્રાચીન ઋષિ-મુનિઓએ સૂર્ય-નમસ્કારની એક અનોખી પદ્ધતિ વિકસાવીને આપણને એક અમૂલ્ય ભેટ આપી છે.
 • આમ, સૂર્ય તમામ શક્તિઓનો મૂળ સ્ત્રોત છે.
 • યોગશાસ્ત્રની દ્રષ્ટીએ સૂર્યનમસ્કાર દ્વારા માનવ પ્રકૃતિના નહિ, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે શરીરની આંતરિક ઉર્જાના સ્ત્રોતને ઉજાગર કરવાનો છે.
 • તેમાં મત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહિ, પરંતુ વ્યક્તિને પરમ ઉત્કર્ષ સુધિ પહોચાડવાની શક્તિ રહેલી છે.

વ્યાયામ અને વ્યાયામથી વિશેષ

 • સૂર્યનમસ્કાર વ્યક્તિને વિવિધ રોગોમાંથી મુક્ત કરનાર વૈજ્ઞાનિક વ્યાયામ છે.
 • તે આપણે પ્રાચીન ઋષિઓ દ્વારા વારસામાં મળેલી મહાન સાધના માટેની અનમોલ ભેટ છે.
 • ઋગ્વેદમાં કહ્યું છે કે, सूर्य आत्मा जगतस्यस्थुषश्र्व| સૂર્ય સર્વ જગતના સર્વ પદાર્થોનો આત્મા છે.
 • સૂર્ય ધરતી પર રહેનારા બધા જ જીવોનો જીવનદાતા અને સૌરમંડળના અસ્તિત્વનો મૂળ આધાર છે.
 • સૂર્યનારાયણ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. સૂર્ય પોતાના અધિભૌતિક સ્વરૂપ વડે સ્થૂલ અંધકાર દૂર કરે છે,
 • આધિદૈવિક સ્વરૂપ વડે પ્રાણીઓની ઉત્પત્તિ અને તેનું પોષણ કરે છે અને આધ્યાત્મિક સ્વરૂપ વડે અજ્ઞાનતા દૂર કરી વાસ્તવિકતાનું દર્શન કરાવે છે.

યોગાસન અને પ્રણયમનું મિશ્રણ

 • સૂર્યનમસ્કારની કુલ બાર સ્થિતિ છે અને આ બારે સ્થિતિ યોગાસન અને પ્રાણાયમની મિશ્ર પ્રક્રિયા છે.
 • તેથી તેને સંપૂર્ણ વ્યાયામ કહેવામાં આવે છે.
 • તે શ્વાસોચ્છવાસની ક્રિયા અને મનની એકાગ્રતા સાથે કરવામાં આવતી બૌદ્ધિક ક્રિયા છે.
 • સૂર્ય નમસ્કારનું રૂપ, ઊર્જા અને લયબદ્ધ રીતે કરેલો અભ્યાસ શરીરમાં સુક્ષ્મ પ્રાણશક્તિનો સંચાર કરે છે.
 • સૂર્ય દેવનાં જુદા જુદા 12 નામ છે. સૂર્યનમસ્કારની દરેક સ્થિતિ કરતી વખતે સૂર્યનારાયણનો એક મંત્ર બોલવામાં આવે છે.
 • સૂર્યનમસ્કારની બારેય સ્થિતિ સરળ હોવાથી સૌ કોઈ એને સહેલાઈથી કરી શકે છે.

સુર્યનમસ્કારની બાર સ્થિતિઓ :

1. પ્રથમ સ્થિતિ:

મંત્ર : ॐ મિત્રાય નમઃ।

પદ્ધતિ : બંને પગને એકસાથે રાખીને સૂર્યની સામે સીધા ઊભા રહો. બંને હથેળીને છાતી સામે નમસ્કાર મુદ્રામાં જોડો. નજર સામે રાખો. પૂરેપૂરો શ્વાસ બહાર છોડો. શરીરને તણાવમુક્ત રાખો. આ સ્થિતિને ‘પ્રણામ આસન’ કહેવામાં આવે છે.

2. દ્ધિતિય સ્થિતિ :

મંત્ર : ॐ રવયે નમઃ ।

પદ્ધતિ : ધીમે ધીમે બંને હાથ કોણીમાંથી વાળ્યા સિવાય સીધા ઊંચા લઈ જઈને પાછળની તરફ કમરમાંથી વળી શકાય તેટલું વળીને પાછળ ઝુકો. પગ સીધા રાખો. આંખો ખુલ્લી રાખી આકાશ તરફ જુઓ. આ સ્થિતિને ‘હસ્તઉત્તાન આસન’ કહેવામાં આવે છે. 

3. ત્રીજી સ્થિતિ :

મંત્ર : ॐ સૂર્યાય નમઃ ।

પદ્ધતિ : જ્યાં સુધી હાથની આંગળીઓ અથવા હથેળી પગના પંજાની બાજુઓ અથવા હથેળી પગના પંજાની બાજુમાં જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી ધીમે ધીમે શરીરને કમરમાંથી આગળ તરફ ઝુકાવો. પગને સીધા રાખો અને નાકથી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પસહસ્તાસન’ કહેવામાં આવે છે.

4. ચોથી સ્થિતિ :

મંત્ર : ॐ ભાનવે નમઃ ।

પદ્ધતિ : પગનો ઘુંટણ અને પગના પંજાની આંગળીઓ જમીનને અડકેલી રહે એ રીતે જમણા પગને પાછળની બાજુએ લંબાવો. ડાબા પગનો ઘૂંટણ બંને હાથની વચ્ચે જમણી બગલની પાસે છાતી સાથે લાગેલો રહેશે. કમરને ધનુષ્યાકાર સ્થિતિમાં પાછળ તરફ લઈ ઝુકાવી નજર ઉપર તરફ રાખો. બંને હાથની આંગળીઓ જમીન સાથે લાગેલી રહેશે. આ સ્થિતિમાં જતી વખતે ધીમે ધીમે શ્વાસને અંદરની તરફ લેવો. આ સ્થિતિને ‘એકપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે. આમ, વારાફરથી દરેક સૂર્ય નમસ્કાર કરતી વખતે ડાબો અને જમણો પગ પાછળ લઈ લેવો.

5. પાંચમી સ્થિતિ :

મંત્ર : ॐ ખગાય નમઃ ।

પદ્ધતિ : ડાબા પગને પાછળ લાવી જમણા પગની બાજુમાં ગોઠવો. માથું બંને હાથની વચ્ચે રાખી, દ્ર્ષ્ટિને હાથથી 1 ફૂટ દુર રાખો. હાથ એકદમ સીધા રાખો. બંને પગ ગૂંટણમાંથી સીધા રાખવા. શ્વાસ છોડતા છોડતાં અંતિમ સ્થિતિમાં આવો. આ સ્થિતિને ‘દંડાસન’ કે ‘દ્વિપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે.

6. છઠ્ઠી સ્થિતિ :

મંત્ર : ॐ પૂષ્ણે નમઃ ।

પદ્ધતિ : ઘૂંટણને વાળી શરીરને જમીન સાથે અડાડો, અંતિમ સ્થિતિમાં બંને પગની આંગળીઓ, બંને ઘૂંટણ, છાતી, બંને હથેળેઓ અને દાઢી જમીન સાથે લાગેલાં રાખો. નિતંબ અને કમરને જમીનથી સહેજ ઉપર રાખો. આ સ્થિતિમાં શ્વાસને બહાર રોકો. આ સ્થિતિને ‘અષ્ટાંગ નમસ્કાર આસન’ કહેવામાં આવે છે.

7. સાતમી સ્થિતિ :

મંત્ર : ॐ હિરણ્યગર્ભાય નમઃ।

પદ્ધતિ : પગના પંજા અને હથેળીને ખસેડ્યા સિવાય છાતી અને માથાને ઉપરની તરફ ઉઠાવો. હાથને સીધા કરતાં કમરથી શરીરને ધનુષ્યાકાર બનાવો. નજર ઉપરની બાજુએ ઉઠાવતી વખતે અને કરોડને ધનુષ્યાકાર બનાવતી વખતે ધીરે ધીરે ઉંડો શ્વાસ ભરવો. આ સ્થિતિને ‘સુર્યાસન’ કહેવામાં આવે છે.

8. આઠમી સ્થિતી :

મંત્ર : ॐ મરીચયે નમઃ ।

પદ્ધતિ : નિતંબને ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવો અને માથું બંને હાથની નીચેની તરફ ઝુકાવો. બંને પગના પંજા, એડી તથા હથેળી જમીન સાથે લાગેલાં રહેશે. આ સ્થિતિમાં હ્સ્વાસ છોડતાં છોડતાં આવો. આ સ્થિતિને ‘પર્વતાસન’ કેહેવામાં આવે છે.

9. નવમી સ્થિતિ :

મંત્ર : ॐ આદિત્યાય નમઃ ।

પદ્ધતિ : સૂર્યનમસ્કાર ની આ સ્થિતિ ચોથી સ્થિતિ જેવી છે. ડાબા પગને આગળ લઈ જાઓ તથા પંજાને બંને હાથની વચ્ચે રાખો. જમણો ઘૂંટણ જમીન સાથે અડકેલો રહેશે. કમરથી શરીરને શનુષ્યાકાર સ્થિતિમાં પાછળની તરફ ઝુકાવો. નજર ઉપરની બાજુ રાખો. આ સ્થિતિમાં પાછળની બાજુ ઝુકાવો. નજર ઉપરની બાજુ રાખો. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો. આ સ્થિતિને ‘અસ્વસંચાલનાસન’ અથવા ‘એકપાદ-પ્રસરણાસન’ કહેવામાં આવે છે.

10. દસમી સ્થિતિ :

મંત્ર : ॐ સાવિત્રે નમઃ ।

પદ્ધતિ : સૂર્યનમસ્કાર ની આ સ્થિતિ ત્રીજી સ્થિતિ જેવી જ છે. ડાબા પગને જમણા પગની બાજુમાં લઈને આવો. પગને સીધા રાખીને કમરથી શરીરને આગળની બાજુએ ઝુકાવો. માથાને ઘૂંટણની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પાદહસ્તાસન’ કહેવામાં આવે છે.

11. અગિયારમી સ્થિતિ :

મંત્ર : ॐ અર્કાય નમઃ ।

પદ્ધતિ : સૂર્ય નમસ્કારની આ સ્થિતિ બીજી સ્થિતિ(હસ્તઉત્તન) જેવી છે. હાથને શરીરની ઉપર લઈ જઈને કમરથી શરીરને પાછળની બાજુ ઝુકાવો. આંખો ખુલ્લી રાખી આકાશ તરફ જુઓ. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો. આ સ્થિતિને ‘હસ્તઉત્તાન આસન’ કહેવામાં આવે છે.

12. બારમી સ્થિતિ :

મંત્ર : ॐ ભાસ્કરાય નમઃ ।

પદ્ધતિ : સૂર્યનમસ્કારની આ સ્થિતિ પહેલી સ્થિતિ જેવી છે. નમસ્કારની મુદ્રામાં હાથને છાતીની સામે રાખીને સૂર્યની સામે સીધા ઊભા રહો. શરીરનાં બધાં અંગોને શિથિલ કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને ‘પ્રણામ આસન’ કહેવામાં આવે છે.

yourspj_sun-salutation_top

સૂર્યનમસ્કાર ના ફાયદા :

 • સૂર્યનમસ્કારના અભ્યાસથી વ્યક્તિનું શરીર વિવિધ જટિલ આસનો માટે સક્ષમ બને છે.
 • વિદ્યાર્થિઓ તેજસ્વી બને છે. ચરિત્રનું નિર્માણ થાય છે અને જીવન ધ્યેયલક્ષી બને છે.
 • સૂર્યનમસ્કારના નિયમિત અભ્યાસથી શરીરનો સર્વાંગી વિકાસ થઈ દ્રઢતા અને બળ પ્રાપ્ત થાય છે.
 • વ્યક્તિના અંતઃકરણમાં પ્રાણનો સંચાર થાય છે.
 • સૂર્યનમસ્કાર સાધન રહિત બિનખર્ચાળ ક્રિયા છે. તેથી કોઈ પણ વ્યક્તિ તે કરે શકે છે.
 • સૂર્યના કિરણોમાંથી આપણને વિટામિન D મળે છે. તેનાથી શરીરનાં હાડકાં મજબૂત બને છે.
 • સૂર્યના પ્રાતઃકાળનાં કિરણોમાં રોગ વિનાશના શક્તિ રહેલી હોય છે. તેથી અભ્યાસીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
 • તેનાથી વ્યવહાર અને પરમાર્થ બંનેમાં પ્રગતિ થાય છે.
 • શારીરિક સ્થિરતા, માનસિક સંતુલન, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે.

 

(સંદર્ભ : ધોરણ 8 અને 9, વિષય – યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ)

Leave a Reply

Your email address will not be published.