Press "Enter" to skip to content

રથયાત્રા – ઉલ્લાસનું પર્વ

Pankaj Patel 0

આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરના અનેક મંદિરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ ગુજરાત અને તેમાંય અમદાવાદ માટે આ પ્રસંગ અન્ય કોઈ પ્રસંગો કરતાં અનેરો હોય છે. આપણા મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતા હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે. અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે.

ઓડિસાના પૂરીમાં આવેલ મંદિર પછી ભગવાન જગન્નાથનું દેશનું બીજુ જો કોઈ મહત્વનું મંદિર હોય તો એ છે અમદાવાદનું ભગવાન જગન્નાથનું મંદિર. અષાઢી બીજને દિવસે પૂરીની જેમ જ અમદાવાદના આ મંદિરમાંથી રથયાત્રા નીકળે છે. દેશની પૂરી પછીની સૌથી મોટી રથયાત્રા એ અમદાવાદની રથયાત્રા હોય છે.

અમદાવાદમાં આ વર્ષે 141મી રથયાત્રાનો પ્રારંભ થશે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો. આમ, 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં ચાર ચાંદ લાગ્યા અને 1878માં શરૂ કરાયેલી રથયાત્રા આજે અમદાવાદની ઓળખ બની ગઇ છે. નીજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ…માખણ ચોરના નાદ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે.

જગન્નાથજીની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલધ્વજ છે અને બહેન સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે. રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે. અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે. 

રથયાત્રા દરમિયાન એક રસપ્રદ વિધિ નિભાવવામાં આવે છે, તે છે પહિંદવિધિ. અમદાવાદ શહેરની રથયાત્રાને પ્રસ્થાન કરાવવા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિ કરાવવામાં આવે છે. આ વિધિ અંતર્ગત રથયાત્રા શરૂ થતા પહેલા મુખ્યમંત્રી સોનાની સાવરણી વડે રથયાત્રા જ્યાંથી પસાર થવાની હોય તે રસ્તો અમુક અંતર સુધી સાફ કરે છે અને તે પછી જ રથયાત્રા શરૂ થાય છે. અમદાવાદની રથયાત્રાનું દૂરદર્શન ગિરનાર ચેનલ પર દર વર્ષે જીવંત પ્રસારણ કરવામાં આવે છે. જેથી જે લોકો રથયાત્રામાં જોડાઈ ના શક્યા હોય તેઓ પણ  TV ના માધ્યમ દ્વારા ઘરે બેઠા આ પાવન પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી શકે.

આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી ભગવાન જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે નીજ મંદિરે પરત ફરે છે. આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે. 

અમદાવાદની રથયાત્રાનો રૂટ લગભગ 16 KM જેટલો છે. આ રથયાત્રા લગભગ 1.5 થી 2 KM લાંબી હોય છે. રથયાત્રાનો જે પરંપરાગત રૂટ છે તેમાં શહેરના કોટ વિસ્તારના ખાડીયા, રાયપુર, કાલુપુર ખમાસા, શાહપુર, દરીયાપુર, દિલ્હી ચકલા, ઘી-કાંટા ઉપરાંત ભગવાનના મોસાળ એવા સરસપુરના વિસ્તારોનો પણ સમાવેશ થતો હોય છે. ભગવાન જગન્નાથજીની જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની 139મી રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજાં, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.

દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવે છે. સાધુ સંતો સાથે હજારથી બારસો જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા હોય છે. રથયાત્રા દરમિયાન જગન્નાથજી મંદિર તરફથી લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે તેમાં 25000 કિલો મગ, 600 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને બદામ તથા બે લાખ ઉપરણાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય લગભગ 149 અન્ય નાના મોટા શહેરોમાં રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

રથયાત્રા એ રાજ્ય અને સમગ્ર દેશમાં કોમી એખલાસના પ્રતિક સમાન છે. વર્ષોથી આ પવિત્ર દિવસે શહેરની બધી જ્ઞાતિ અને કોમ તથા ધર્મના લોકો આ તહેવારને અમદાવાદ શહેરના તહેવાર તરીકે ઉજવતા આવ્યા છે. વચ્ચે કેટલાંક વર્ષો રથયાત્રાના પ્રસંગે કોમી તણાવના પ્રસંગો પણ બનેલ છે. મોટેભાગે જ્યારે રથયાત્રા અને રમજાન માસ સાથે હોય ત્યારે આવા પ્રસંગો બનેલા નોંધાયા છે. એ વર્ષોમાં કોમી વૈમનસ્ય ફેલાવવા અને પોતાના સ્થાપિત હિતો સાધવા કેટલાક અસામાજિક તત્વો તથા શહેરની તણાવ ભરી સ્થિતિમાંથી પોતાના રાજકીય રોટલા શેકવાની વૃત્તિવાળા લોકોએ માત્ર રથયાત્રા નહીં પરંતુ તાજિયા જૂલૂસને પણ અતિસંવેદનશીલ બનાવી દીધેલ. જો કે હાલના વર્ષોમાં સલામતીની જડબેસલાક વ્યવસ્થા તથા શહેરના લોકોના સહકારથી રથયાત્રા કે તાજિયા જૂલૂસમાં મોટા અણબનાવો બનતા નથી અને સાચા અર્થમાં આ પ્રસંગ કોમી એકતા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ બની ગયેલ છે.

આમ, વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે, અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.

https://www.youtube.com/watch?v=ojbFaXT8cJc

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *