Press "Enter" to skip to content

એક સૈનિક

Vipul Patel 0

થઇ એક સૈનિક
દઉં તેના વિચારોને ગોળી
ને ભરું દુશ્મનની નસ નસમાં
અહિંસા – શાંતિ – પ્રેમ
વિચારોનો વાવું બાગ
ઘર ઘર હરિયાળીનો
ને જન્મે બધા ગાંધી-કબીર-સાંઈ
મરે બધા શેતાન ને ભૂલે બધા
આતંક – ખોફ – વેર ને ક્રૂરતા
ને ભરું ચોકી પહેરો કે આવે ના કદી
બદસુરત વિચારો
થાય જન જન જો આ
અભિયાન તો
જન્મે એક મસીહા
ને હશે ઘર ઘર જન્નત 
હું જોઉંને હરખાઉં

                                                                                -વિપુલ પટેલ "તોફાન"

 

આ પદ્ય રચના દ્વારા કવિ વિપુલ પટેલ “તોફાન” એ ભાવાર્થ સમજાવે છે કે હાલની ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની અને આતંકવાદીઓ સામે સૈનિકોની ખુના મરકીનો તેમને સખત વિરોધ છે અને જીવનમાં બન્ને વ્યક્તિઓના જીવન શ્રેષ્ઠ છે તેવો ભાવ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. કવિ કહે છે કે, જો એ પોતે એક સૈનિક હોય તો તે વ્યક્તિઓને નહીં પણ તેમની અંદર રહેલા દુર્ગુણો સમાપ્ત થાય તેવી વિચારોની એક ક્રાંતિ લાવવાની વાત કરે છે. જેના દ્વારા આતંકીઓ કે દુશ્મનોમાં ઘૂસેલા આતંક, ખોફ, વેર અને ક્રુરતા ભર્યા વિચારોના જંગલને ધરમૂળથી ખતમ કરી તેને બદલે ત્યાં ગાંધી, કબીર કે સાંઈના વિચારો ફેલાવે. જેથી સૌમાં આપણે બધા માનવ છીએ તેવા ભાવના બાગ ખીલે અને ચારેકોર અહિંસા-શાંતિ-પ્રેમ જેવા સદગુણોના ભાવ દરેકે દરેક વ્યક્તિની અંદર જાગ્રત થાય. કવિ ત્યાં સુધી કહે છે કે તેઓ તેમના જીવનની અંતિમ ક્ષણ સુધી એક સૈનિકની જેમ ચોકી પહેરો ભરે અને ક્યારેય કોઈ ખરાબ વિચારો પ્રવેશે જ નહિ અને શ્રેષ્ઠ વિચારો દરેક વ્યક્તિના આચરણમાં જન્મે, ફુલે-ફાલે અને જેથી દરેક વ્યક્તિના ઘરે સ્વર્ગ જેવી કલ્પનાતીત ખુશી અને હર્ષ-ઉલ્લાસ ભર્યું વાતાવરણ સર્જાય. જે સૌને માટે સુખદાયક હોય.

કવિ આ કવિતા દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે વિશ્વમાં તમામનું જીવન અમૂલ્ય છે અને તેને વ્યર્થના ઝઘડા-કંકાસમાં ગુમાવવું જોઈએ નહિ. દરેક ધર્મ સરખા અને શ્રેષ્ઠ છે. માત્ર દુષ્ટ વિચારોને ધરમૂળથી કાઢી નાખી સદવિચારોનો ફેલાવો કરવાની જરૂર છે. છેલ્લે કવિ માનવતા જ શ્રેષ્ઠ ધર્મ છે તે પ્રતિપાદિત કરે છે અને કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, તેમજ કોઈને નાનો-મોટો સમજી અવગણવાની ના કહે છે તથા દરેક ધર્મ શ્રેષ્ઠ અને માનવતાનો મહિમા ગાય છે તો દરેકને માનવતાને જ ધર્મ ગણી સદવિચારોનું સિંચન કરી તે દ્વારા સમાજમાં શાંતિ, સદભાવના અને પ્રમનો પ્રચાર કરવા કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *