Press "Enter" to skip to content

કલ્પસર યોજના

Yogesh Patel 1

147

આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો છે અને આ ફાળામાં ગુજરાતનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ગણાતા આપણા ગુજરાતમાં ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત હતી. સિંચાઈ માટે ભૂગર્ભ કૂવાનો ઉપયોગ વધ્યો પરંતુ ઓછા અથવા મધ્યમ વરસાદને કારણે ભૂગર્ભ તળ પણ નીચા જતા રહ્યા છે જેને કારણે સિંચાઈ આધારિત ખેતી પણ શક્ય ન બની અને શક્ય બની તો પણ ખૂબ ઓછા વિસ્તારોમાં. ત્યારબાદ નર્મદા યોજના આવી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ડેમ બનાવી સરદાર સરોવર નામનું વિશાળ જળાશય તૈયાર કરાયું છે. જેમાંથી હજારો કિલોમીટરની લાંબી નહેરો દ્વારા ગુજરાતમાં પીવા તથા સિંચાઈ માટે પાણી પૂરુ પાડવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નર્મદાથી સિંચાઈ સુવિધા પૂરી પડાય છે. નર્મદા યોજના બાદ સિંચાઈની સગવડ વધતા ખેતીની ઉત્પાદકતામાં પણ વધારો થયો. નર્મદામાંથી વીજ ઉત્પાદન પણ થાય છે. સાથે સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ નર્મદાનો લાભ મળે છે. નર્મદાને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવી પરંતુ સૌરાષ્ટ્ર સુધી આ યોજનાનું વિસ્તરણ શક્ય ન બન્યું, જેને પરિણામે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે પાણીની વ્યવસ્થા માટે કોઈ બીજા વિકલ્પની જરૂરિયાત જણાઈ અને ઉદભવ થયો કલ્પસર યોજનાનો.

ગુજરાતમાં ઓછા અથવા મધ્યમ વરસાદને કારણે વરસાદી પાણીના સંગ્રહ માટેના ઘણાબધા પ્રયત્નો થયાં. કલ્પસર યોજનાના મૂળમાં પણ આ જ છે કે વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરી વિશાળ જળાશય બનાવવું અને નહેરો મારફતે એ સંગ્રહિત પાણીને ગુજરાતના જરૂરિયાત વાળા વિસ્તારો સુધી પહોંચાડવું. વધુમાં વીજ ઉત્પાદન અને વાહનવ્યવહારમાં સરળતા જેવા વધારાના મહત્વના પરિબળોને ધ્યાનમાં લેતાં કલ્પસર યોજના એ એક મહત્વાકાંક્ષી યોજના બની ગઈ. 1980માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે બંધ બનાવી એને જોડવાના વિચારસર ડૉ.અનિલ કાણેએ એક પ્રોજેક્ટ રજૂ કર્યો અને તેને ‘કલ્પસર’ નામ આપ્યું. ડૉ.અનિલ કાણેને કલ્પસર યોજનાના સ્વપ્નદ્રષ્ટ કહેવાય છે. વર્ષોના વિલંબ બાદ આખરે 1999માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે કલ્પસર યોજનાને મંજૂરી આપી. ત્યારબાદ 2002માં જુદા જુદા અહેવાલો અને તારણોને પરિણામે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ કલ્પસર યોજના પર કામ કરવાનું નક્કી થયું અને તેને સંભવત 2011 માં શરૂ કરાશે એવું સૂચવાયું.

ઘણાબધા વર્ષોના વિલંબ બાદ હાલમાં ગુજરાત સરકારે આ યોજના માટે અલગ વિભાગ બનાવી એની રૂપરેખા તૈયાર કરી છે. કલ્પસર માટે બનાવાયેલા આ અલગ વિભાગ દ્વારા વિવિધ સર્વેક્ષણોની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. કલ્પસર યોજના એ ગુજરાતના વિકાસ અને સાથે સાથે દેશના વિકાસમાં પણ એક મહત્વનું પરિબળ સાબિત થશે તેવી દૂરંદેશી સાથે આ યોજનાનું કામ જલદી થી જલદી શરૂ કરવાની નેમ સાથે સરકાર કામ કરે તો એ યોજના ખરેખર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થશે. નર્મદા અને કલ્પસર જેવી મોટી બે યોજનાઓથી ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સગવડો મળી રહેશે અને ફક્ત વરસાદ આધારિત ખેતીમાંથી મુક્તિ મળશે. પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સાથે સાથે વીજ ઉત્પાદન પણ મળી રહેશે જે કલ્પસર યોજનાને વધુ સમૃદ્ધ બનાવશે.

935 Kalpsar

કલ્પસર યોજના પર એક નજર :

ગુજરાતના ખંભાતના અખાતના બંને કિનારા એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિનારાઓને જોડીને એક વિશાળ ડેમનું નિર્માણ કરી વીજ ઉત્પાદન, સિંચાઈ તથા ઔદ્યોગિક અને પીવાના પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજના હેઠળ 30 KM લાંબો ડેમ બનાવવામાં આવશે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. જેનાથી દુનિયાનું સૌથી મોટું ચોખ્ખા પાણીનું સરોવર રચાશે. આ ડેમ પર 10 માર્ગીય રસ્તો અને એક રેલવે ટ્રેક પણ બનશે જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ વચ્ચેનું અંતર ઘટશે તથા નર્મદાની જેમ જ આ સરોવરમાંથી ગુજરાતના ખૂણે ખૂણે પાણીની વ્યવસ્થા થશે. આ સરોવરમાં અંદાજે 10૦૦ કરોડ ઘ.મી. પાણીનો આવરો રહેશે. નર્મદા, ઢાંઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની કેટલીક નદીઓનું પાણી આ સરોવરમાં જમા થશે. આ સરોવર માટે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ ભાગની જમીનની જરૂરિયાત, માનવ સ્થળાંતર કે કોઈ આંતરરાજ્ય વિવાદ ન હોવાથી લગભગ કોઈ અડચણ નહિ આવે. જેને કારણે કલ્પસર યોજના ઝડપથી આગળ વધશે અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન બની રહેશે તથા ગુજરાતની સાથે સાથે દેશના વિકાસમાં એક મહત્વની કળી પણ.

  • ડેમની લંબાઈ – 30 KM
  • પહોળાઈ – 100 મીટર, જેના પર 10 માર્ગીય રસ્તો અને એક રેલવે ટ્રેક બનશે
  • જળાશયનો વિસ્તાર – 2000 ચોરસ કિમી
  • પાણીનો સંગ્રહ – 1000 કરોડ ઘ.મી.
  • સિંચાઈ માટે પાણી ફાળવાશે : 6500 કરોડ ઘ.મી.
  • વિદ્યુત ઉત્પાદન – 5880 MW
  • સિંચાઈ – 10.54 લાખ હૅક્ટર વિસ્તાર અને 60 ડેમ કાયમી ધોરણે ભરી શકાશે
  • લગભગ 400 થી 500 વર્ષ સુધી આ યોજનાનો લાભ મળી શકશે
  • દહેજ અને ભાવનગર સિવાય નવા પોર્ટ પણ વિકાસ પામશે
  • યોજના પૂર્ણ થવાનો અંદાજિત સમયગાળો – 5 થી 7 વર્ષ

કલ્પસર યોજનાના મુખ્ય ફાયદાઓ :

  • દુનિયાનું સૌથી મોટું ચોખ્ખા પાણીનું કૃત્રિમ સરોવર
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળશે પીવા તથા સિંચાઈ માટે પાણી
  • નર્મદા નદી પરના સરદાર સરદાર સરોવર કરતા બે ગણું પાણી સંગ્રહ કરી શકાશે
  • રાજ્યના 60 જેટલા ડેમ હંમેશને માટે ભરી દેવાશે
  • સૌરાષ્ટ્રની નદીઓને પુનઃ વહેતી કરાશે
  • પવન ઊર્જા અને સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરાશે
  • ભાવનગર બંદરને પુનઃ જીવંત કરાશે જે ગુજરાતના વિકાસમાં સહભાગી થશે
  • ભાવનગરથી સુરતના અંતરમાં 200 KM જેટલો ઘટાડો થશે જેનાથી સમય અને ઈંધણની બચત થશે
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભૂગર્ભ જળ જે ખારું છે તે મીઠું બનશે તથા જમીન વધારે ફળદ્રુપ બનશે અને ખેત ઉત્પાદન વધશે.
  • માછલા ઉદ્યોગને વેગ મળશે.
  • દહેજ અને ધોલેરા જેવા ઔદ્યોગિક વિસ્તારોને પણ લાભ મળશે.

 

  1. Pravin patel Pravin patel

    Gujrat banse…. Bharatnu.. Japan… Jay jay garvi gujrat…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *