Press "Enter" to skip to content

જ્યોતિ બસુ – સતત 23 વર્ષ મુખ્યમંત્રી

Pankaj Patel 0
  • તારીખ ૧૭મી જાન્યુઆરી એ સૌથી લાંબો સમય ભારતના કોઈ રાજ્યના મુખ્ય મંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવતા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી જ્યોતિ બસુનો નિર્વાણ દિન છે. આજના દિવસે આપણે તેમને યાદ કરીને તેમના કર્યો અને જીવનનું પુનરાવલોકન કરીએ.આપના માટે આવા અભ્યાસ સારું https://goo.gl/slGBTA ખુબ ઉપયોગી થશે.
  •  જ્યોતિ બસુ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા. તેમણે ૧૯૭૭થી ૨૦૦૦ સુધી પશ્ચિમ
  • બંગાળના મુખ્યમંત્રી તરીકે ભારતના સૌથી લાંબા સમય સુધીના મુખ્યમંત્રી બનવાનું કીર્તિમાન પ્રાપ્ત કરેલું છે.
  •  જ્યોતિ બસુનો જન્મ ૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો.
  • તેમના પિતા નિશિકાંત બસુ ઢાકા (હાલમાં જે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) જિલ્લાના બર્દી ગામમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યોતિ બસુની માતા હેમલતા બસુ ગૃહિણી હતાં.
  • અભ્યાસની શરૃઆત જ્યોતિ બસુએ કલકત્તાની લોરેટો સ્કૂલથી કરી હતી. તેમણે સ્નાતકની ડિગ્રી પ્રેસિડેન્સી કોલેજમાંથી મેળવેલી છે. કાયદાના ક્ષેત્રે વધારે અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ રવાના થયા. જ્યાં તેઓ ગ્રેટ બ્રિટનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સંપર્કમાં આવ્યા પછી તેમણે રાજકારણમાં સક્રિય થયા.
  • ૧૯૪૦ સુધીમાં જ્યોતિ બસુએ અભ્યાસ પૂર્ણકરી લીધો હતો અને તે જ વર્ષે ભારતમાં પુનરાગમન કર્યું.
  • ૧૯૪૪માં તેમણે રેલવે કર્મચારીઓ સાથે કાર્ય કરવાની શરૃઆત કરી ત્યારે તેઓ ટ્રેડ યુનિયનની ગતિવિધિથી માહિતગાર થયા. બી.એન. રેલવે અધિકારી અને બી.ડી. રેલવે રોડ કર્મચારી સંઘના એકરૃપ થવાથી જ્યોતિ બસુની જવાબદરી વધી ને તેમને સંઘના મહાસચિવબનાવવામાં આવ્યા.
  • જ્યોતિ બસુ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૧માં બડાનગર વિધાનસભાથી ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૭માં તેઓ બંગાળની ગઠબંધન સરકારના ઉપમુખ્યમંત્રી પણ બન્યા.
  •  ૨૧ જૂન, ૧૯૭૭ના રોજ જ્યોતિ બાબુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા. ૧૯૯૬માં તેઓ દેશના વડાપ્રધાન બનતા બનતા રહી ગયા હતા.
  • વર્ષ ૨૦૦૦માં તેમની લથડતી જતી શારીરિક તંદુરસ્તીને કારણે તેમણે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું  અને રાજકારણ ક્ષેત્રે સંન્યાસ જાહેર કર્યો.

 

.  સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન હોત તો? એ સવાલ દેશમાં આંતરિક કે બાહ્ય કટોકટી વખતે હંમેશાં સામાન્ય નાગરિકના મનમાં ઘુમરાય છે. સરદાર પટેલ સહિત કોઈ પણ રાજપુરુષ માટે કદાચ આનાથી મોટી શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. આ જ વિધાન પશ્વિમ બંગાળમાં રેકોર્ડ ૨૩ વર્ષ સુધી લાગલગાટ મુખ્યમંત્રીપદે રહેનાર જ્યોતિ બસુ માટે પણ કહી શકાય. ૧૯૯૬માં દેવગૌડા અને આઇ.કે. ગુજરાલ ત્રીજા મોરચાના વડાપ્રધાન બન્યા એ પહેલાં સર્વસંમતિથી સૌએ જ્યોતિ બસુનું નામ સૂચવ્યું હતું. જ્યોતિબાબુ વડાપ્રધાન બનવા સંમત હતા, પરંતુ હંમેશાં ગ્રહણ ટાણે સાપ કાઢવાની વૃત્તિ ધરાવતા ડાબેરીઓના પોલિટ બ્યુરોએ જ્યોતિબાબુને વડાપ્રધાન બનવાની મંજૂરી ન આપી. જ્યોતિબાબુ મનમાં સમસમી ઊઠ્યા, પરંતુ પક્ષની શિસ્તને વરેલા હોવાથી તેમણે મૌન રહેવાનું મુનાસિબ માન્યું. ૨૩ વર્ષની જોરદાર રાજકીય ઇનિંગ્સ બાદ સ્વેચ્છાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ બાદ જ્યોતિબાબુએ કહ્યું હતું કે, વડાપ્રધાનપદ ન સ્વીકારવાનો નિર્ણય ઐતિહાસિક છબરડો હતો. ઇર્ષાળુને આશીર્વાદ કહી જ્યોતિબાબુએ આ વિવાદને આગળ ન ધપાવ્યો. જ્યોતિબાબુની વિદાય સાથે દેશના રાજકારણમાંથી ડાબેરીઓના સુવર્ણયુગનો જાણે અસ્ત થઇ ગયો. ૭૦ વર્ષની અણનમ રાજકીય ઇનિંગ્સ રમનાર જ્યોતિબાબુનો ૨૩ વર્ષ સુધી મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ તૂટે એવી શક્યતા નહિવત્ છે.

જ્યોતિબાબુ જો દેવગૌડાના સ્થાને વડાપ્રધાન બન્યા હોત તો ત્રીજા મોરચાની સરકાર ટકી જાત, કારણ કે લાલુ, મુલાયમ, માયાવતી, જયલલિતા સહિત તમામ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના તત્કાલીન સુપ્રીમો સીતારામ કેસરીને પણ એ સરકાર બનાવવામાં રસ હતો. જ્યોતિ બસુ જો વડાપ્રધાન બન્યા હોત તો દેવગૌડા અને ગુજરાલની માફક તેમની સરકાર અસ્થિર અને અલ્પજીવી ન હોત. જ્યોતિ બસુના વડાપ્રધાનપદ હેઠળની સરકાર જો ત્રણ વર્ષ ટકી જાત તો તજ્જ્ઞો માને છે કે ભારતીય જનતા પક્ષ કદાચ સત્તા પર ન આવત. ભારતીય રાજકારણની તારીખ અને તવારીખ અલગ હોત. ભાજપને ત્યારે શિવસેના અને અકાલીદળ સિવાયના પક્ષો રાજકીય દ્રષ્ટિએ અશ્પૃશ્ય માનતા હતા. જ્યોતિ બસુ બિનસાંપ્રદાયિક હોવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મજબૂત અને કુશળ વહીવટકર્તા હતા.

જ્યોતિબાબુ વિચારસરણીની દ્રષ્ટિએ ડાબેરી હતા. નક્સલવાદની ઝુંબેશ પરત્વે શરૂઆતથી સહાનુભૂતિ ધરાવતા કટ્ટર સમર્થક હતા. ભારતમાં સંયુક્ત સામ્યવાદી પક્ષના બે ભાગલા સીપીઆઇ અને સીપીઆઇ(એમ) નહોતા પડ્યા ત્યાં સુધી જ્યોતિ બસુ નકસલવાદી ઝુંબેશને ટેકો આપતા હતા. ચારુ મજમુદાર નામના વરિષ્ઠ સામ્યવાદી નેતા અને ચળવળખોરની પંગતમાં જ્યોતિબાબુ બેસતા હતા, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ આ જ જ્યોતિ બસુએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના મુદ્દે પશ્વિમ બંગાળમાંથી નક્સલવાદને નામશેષ કરી નાખ્યો. શોધી શોધીને નક્સલવાદીઓનો સફાયો કરાયો. આ કામ આજે ભારતની કેન્દ્રની અને નક્સલ પ્રભાવિત રાજ્યોની સરકારો કરવાની સ્થિતિમાં નથી. જ્યોતિબાબુએ નક્સલવાદીઓને પશ્વિમ બંગાળમાંથી ભગાડ્યા એટલે આ ઝુંબેશ ઓરિસ્સા અને બિહારમાં વકરી અને ત્યાં પરિસ્થિતિ વણસી. જ્યોતિબાબુએ પોલીસની લોખંડી એડી હેઠળ નકસલવાદની ઝુંબેશને તાત્કાલિક ટૂંકી વ્યૂહરચનાના ભાગરૂપે દાબી દીધી, પરંતુ બસુ કુશળ પ્રશાસક અને પ્રજાની નાડ પારખતા હોવાથી નક્સલવાદનું રાજકીય નિદાન પણ શોધી નાખ્યું. ભદ્રલોક પરિવારમાં જન્મેલા જ્યોતિબાબુ જાણતા હતા કે ભૂમિહીન કિસાનો અને ખેતમજૂરો બેકારીના ખપ્પરમાં મરવા કરતાં નકસલવાદી બનવું વધુ મુનાસિબ માને છે. આ ખેતમજૂરો બંદૂકના બદલે દાંતરડું ચલાવે એ હેતુથી જ્યોતિબાબુએ પશ્વિમ બંગાળમાં કાનૂની સુધારા કરી હજારો એકર જમીનની ગરીબોને ફાળવણી કરી. જ્યોતિ બસુ આ જમીન સુધારણાની નીતિના પગલે અત્યંત લોકપ્રિય પુરવાર થયા. અલબત્ત આ મુદ્દે જ્યોતિ બસુ અને તેમના સિનિયર કોમરેડ ચારુ મઝમુદાર વચ્ચે ખાસ્સો ગજગ્રાહ અને મતભેદ થયો હતો. ચારુ મઝમુદાર ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને જમીનદારીના શોષણ સામે સીધી લડાઈ લડવાનો મત ધરાવતા હતા. સામંતશાહીને ખતમ કરીને ભૂમિહીનોએ પોતાની તાકાતથી જમીન મેળવવી જોઈએ એવો મઝમુદારનો મત હતો, જ્યારે જ્યોતિ બસુ લોકશાહી પ્રક્રિયા અને કાનૂની માઘ્યમ દ્વારા જમીન સંપાદન અને જમીન વિતરણ કરતા હતા. જ્યોતિ બસુ આ ઘટનાક્રમને પગલે રાજકીય દ્રષ્ટિએ સફળ રહ્યા. જ્યોતિ બસુનું આ મિશન ‘ઓપરેશન બરઘાધાર’ તરીકે ઓળખાયું હતું. જ્યોતિબાબુની આ નીતિને પગલે પશ્વિમ બંગાળની ફળદ્રુપ જમીનમાં ચીન કરતાં પાકનું ઉત્પાદન વધુ છે. કૃષિ વિકાસદર અન્ય રાજ્યોની સરખામણીમાં ખાસ્સો ઊંચો છે.

જ્યોતિ બસુએ જીવનમાં અનેક ચડતી-પડતી જોઈ. કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ બાદ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરનાર જ્યોતિબાબુ સામ્યવાદી વિચારસરણીના રંગે રંગાયા હતા. કાર્લ માર્ક્સથી પ્રભાવિત જ્યોતિબાબુ ૨૨ વર્ષની વયે સક્રિય રાજકારણમાં જોડાયા હતા. ૧૯૪૬માં ૩૨ વર્ષની ઉંમરે પહેલીવાર બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ૧૯૬૪થી ૨૦૦૮ સુધી સીપીઆઇ (એમ)ના પોલિટ બ્યુરોમાં રહ્યા, પરંતુ સમયની સાથે જ્યોતિબાબુ બદલાતા રહ્યા. જ્યોતિ બસુ પર સમયની સાથે મૂડીવાદી અને બુર્ઝવા રાજનીતિનો શિકાર થવાના આક્ષેપો સતત થતા રહ્યા, પરંતુ જ્યોતિબાબુ વિચલિત થયા વિના પોતાની આગવી છટા અને મગરૂરીમાં રહેતા. સામ્યવાદી હોવા છતાં ભદ્રલોકની તેમની ‘લાઇફસ્ટાઇલ’માં કોઈ પરિવર્તન નહોતું. સાંજ પડે સ્કોચના પેગ લગાવતા જ્યોતિબાબુને અમેરિકી કેન્ટૂકી ચિકન ભાવતું હતું. કોકાકોલા અને મુક્ત વેપારપ્રથાના તેઓ વિરોધી નહોતા. તાતા અને બિરલા જેવા ઉદ્યોગપતિઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા જ્યોતિબાબુના રાજમાં ઔદ્યોગિક વિકાસ ઓછો થયો હોવાના આક્ષેપ થાય છે, પરંતુ જ્યોતિબાબુ પોતાની સફાઈ કે બચાવમાં હંમેશાં કહેતા કે કેન્દ્ર સરકાર હંમેશાં પશ્વિમ બંગાળને ઉદ્યોગનાં લાઇસન્સ આપવામાં આડખીલી પેદા કરતી હતી. સમયની સાથે જ્યોતિબાબુનાં વાણી, વર્તન અને વ્યવહારમાં કેવું પરિવર્તન આવ્યું એનો એક રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. એક જમાનામાં અમેરિકાવિરોધી માનસિકતા ધરાવતા જ્યોતિબાબુએ કલકત્તામાં અમેરિકી એમ્બેસી જે સ્ટ્રીટમાં આવેલી હતી એનું નામ બદલીને હો-ચિ-મિન્હ (વિયેતનામના રાષ્ટ્રપતિ)નું નામ સ્ટ્રીટ જોડીને અમેરિકાને અકળાવવા સભાનતાપૂર્વક પ્રયત્નો કર્યા હતા, પરંતુ સમયની સાથે બદલાયેલા જ્યોતિ બસુ ૧૯૯૦ના દાયકામાં પોતાનો યાન્કી ફોબિયા (અમેરિકનો પરત્વેનો પૂર્વગ્રહ) છોડીને વોશિંગ્ટનના પ્રવાસે પશ્વિમ બંગાળ માટે મૂડીરોકાણ આકર્ષવા જંગી પ્રતિનિધિમંડળ સાથે ગયા હતા.

સામ્યવાદી વિચારસરણીને આજીવન બલકે આમરણ વરેલા જ્યોતિબાબુ લોકશાહી પ્રક્રિયાને સંપૂર્ણ સન્માન આપતા હતા. જ્યોતિ બસુ રાજકારણીને બદલે રાજપુરુષની માફક વર્તતા હતા. કેન્દ્ર સરકારની નીતિ-રીતિ સામે વાંધા-વચકા, તર્ક અને દલીલો કરવામાં વાચાળ જ્યોતિબાબુ હંમેશાં વ્યક્તિગત સંબંધો સાચવતા, વાહિયાત રાજકીય આક્ષેપો ટાળતા. ઇન્દિરા, રાજીવ, નરસિંહ રાવ, મનમોહન, સોનિયા, વાજપેયી અને અડવાણી સહિત તમામ સિનિયર નેતાઓ સાથે જ્યોતિબાબુ ઘરોબો જાળવતા. ભારતમાં ડાબેરી વિચારસરણીને સત્તામાં ગૌરવભર્યું સ્થાન આપવાનો સંપૂર્ણ શ્રેય જ્યોતિબાબુના ફાળે જાય છે. જાહેર જીવનમાં ૫૦ વર્ષથી વધુ રહેનાર જ્યોતિબાબુની સામે પ્રામાણિકતા, નિષ્ઠા, નીતિમત્તા અંગે કોઈએ હલકા આક્ષેપો કરવાની હિંમત સુઘ્ધાં કરી નથી. મમતા બેનર્જીએ જ્યોતિ બસુ સામે રાજકીય લડાઈ જરૂર છેડી, પરંતુ રાજકારણમાં હંમેશાં જ્યોતિદાદાને મમતા અનુસરે છે. મમતા બેનર્જી જ્યોતિબાબુને મળે ત્યારે વિનમ્રતાથી હંમેશાં તેમનાં ચરણ સ્પર્શ કરતા.

જ્યોતિબાબુને અનુસરીને મમતાએ પોતાની કેડર તૈયાર કરી છે. જ્યોતિબાબુની રાજકીય સફળતાનાં બે મુખ્ય કારણ ગ્રામ્ય વિસ્તારમાં લોકપ્રિયતા અને ચૂંટણી પહેલાંનું બૂથ મેનેજમેન્ટ હતું. ભાજપે હિન્દી રાજ્યો અને ગુજરાતમાં, તથા મમતાએ પશ્વિમ બંગાળમાં બૂથ મેનેજમેન્ટની થિયરી અપનાવી લીધી છે. તદ્અનુસાર પ્રત્યેક બૂથ પર વફાદાર-વિશ્વાસુ કાર્યકર્તાઓની ફોજ ગોઠવવી અને દરેક બૂથ પરથી સરસાઈ મેળવવાની વ્યૂહરચના કરવાથી આસાનીથી વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિ બસુએ પ્રત્યેક વોર્ડમાં પગારદાર ફુલટાઇમ કાર્યકર્તાઓ ગોઠવ્યા હતા. ડાબેરી વિચારસરણી અને પક્ષના શિસ્તને સંપૂર્ણ વફાદાર કાર્યકર્તાઓની એ ફોજ બલકે એ પેઢી જ્યોતિ બસુની સાથે નિવૃત્ત થઈ ગઈ. નવી પેઢીના સામ્યવાદી નેતાઓ ચુસ્ત અનુયાયીઓ પેદા કરવામાં ઊણાં ઊતર્યા, જ્યારે મમતા બેનર્જી એ દિશામાં કંઈક અંશે સફળ થયાં છે. અલબત્ત જ્યોતિ બસુના પેંગડામાં પગ નાખવાનું કામ મમતા સહિત કોઈ પણ રાજકારણી માટે કપરું છે. 

 સ્વ. ચીમનભાઈ પટેલ ૧૬ વર્ષના રાજકીય વનવાસ બાદ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પશ્વિમ બંગાળમાં જ્યોતિબાબુની સરકારની સફળતાનું રહસ્ય સમજવા પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. આ અભ્યાસનાં તારણો રસપ્રદ હતાં, દેશભરના રાજકારણીઓ માટે અનુકરણીય હતાં. જ્યોતિબાબુના નેતૃત્વમાં ડાબેરી મોરચો વિધાનસભાની તમામ પાંચ ચૂંટણી જંગી બહુમતીથી જીત્યો, પરિણામે રાજકીય તડજોડની કદી નોબત ન આવી. જ્યોતિ બસુની લોકપ્રિયતા પ્રજામાં એટલી બધી હતી કે બાંગ્લાદેશ પાકિસ્તાનથી વિખૂટું પડ્યા બાદ ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે ત્યારે લોકો જ્યોતિ બસુ જેવો નેતા હોવો જોઈએ એ મતલબના ઉદગાર કાઢતા.

 જ્યોતિ બસુને હંમેશાં તમામ ચૂંટણીમાં હકારાત્મક મતદાનનો ફાયદો મળ્યો. બસુની કામગીરીથી ખુશ થઈને પ્રજા તેઓને અવારનવાર તમામ ચૂંટણીઓમાં શાનદાર વિજય અપાવતી. જ્યોતિબાબુની લોકપ્રિયતાનું મુખ્ય કારણ ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને ભૂમિહીન કિસાનો તથા ખેતમજૂરોને ન્યાયિક ઢબે જમીન ફાળવણી છે.  જ્યોતિ બસુ પોતાના ચૂટણી ઢંઢેરાનાં વચનોને સંપૂર્ણપણે નિભાવતા. પશ્વિમ બંગાળમાં પંચાયતપ્રથાને સૌથી વધુ મજબૂત બનાવવા ઉપરાંત ફરજિયાત ચૂંટણી યોજવાની નીતિ બસુએ અપનાવીને લોકાભિમુખ વહીવટનો પ્રયાસ કર્યો હતો.  જ્યોતિ બસુનું ચૂંટણી બૂથ મેનેજમેન્ટ પરફેક્ટ અને કાબિલેદાદ હતું. ભાજપે ઇચ બૂથ ટેન યૂથની ફોર્મ્યુલા અપનાવવામાં જ્યોતિ બસુનું મોડેલ અપનાવ્યું હોવાનું કહેવાય છે. આ બૂથ મેનેજમેન્ટ સામ્યવાદી પક્ષોના કેડરના સવેતન વફાદાર કાર્યકર્તાને અપાતું. આ કાર્યકર્તાની ફુલટાઇમ જવાબદારી જે-તે વોર્ડના ચૂંટણી મેનેજમેન્ટની રહેતી.  

જ્યોતિ બસુના શાસનમાં ગરીબો અને શ્રમિકોના ઉદ્ધાર માટે સૌથી વધુ નોંધપાત્ર કામગીરી થઈ હતી. ગરીબોને જમીન ફાળવવા ઉપરાંત સારું બિયારણ, બેન્કમાંથી લોન, વેચાણની શોષણરહિત વ્યવસ્થા વગેરે બાબતોનું પણ કેડર ઘ્યાન રાખતી હતી. – જ્યોતિ બસુએ પશ્વિમ બંગાળમાં કદી વર્ગભેદ, વર્ણભેદને પ્રોત્સાહન નહોતું આપ્યું. તેઓ સાચા અર્થમાં સેક્યુલર – બિનસાંપ્રદાયિક હતા. મુસ્લિમો, દલિતો, શ્રમિકો અને ગરીબોની મતબેન્ક હંમેશાં જ્યોતિ બસુને વફાદાર રહી હતી. જ્યોતિ બસુએ પશ્વિમ બંગાળમાં ભાજપ ન પ્રવેશે એની પૂરતી તકેદારી લઈ મતોનું ધ્રુવીકરણ અટકાવ્યું હતું. 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *