Press "Enter" to skip to content

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય

Yogesh Patel 1

મિત્ર, આજે Friendship Day છે, આપણે સૌ આપણા મિત્રો સાથે આ દિવસે મોજ-મસ્તી અને જૂની યાદોને તાજી કરીને આનંદ મસ્તી કરીએ છીએ. આમ, તો ભારતમાં મિત્રતા એ પ્રાચીન સમયથી જ પ્રચલિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વાત તો આપણને ખબર જ છે. ખરું ને, પરંતુ જો આવો કોઈ દિવસની ઉજવણીની વાત કરીએ તો ભારતમાં ફ્રેંડશીપ ડેની શરૂઆત પશ્ચિમના દેશોની સંસ્કૃતિમાંથી આવી અને આજના નવયુવાનોએ તેને સારો આવકાર આપ્યો. પહેલા મોટા શહેરોમાં અને હવે ધીરેધીરે આખા ભારતમાં આ દિવસની ઉજવણી થવા લાગી. યુવાનોની સાથે સાથે હવે મોટેરાઓ પણ હવે આ દિવસની ઉજવણીમાં ભાગીદાર બને છે.

કહેવાય છે કે શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક… આ કહેવત અનુસાર આજના સમયે સાચા મિત્રો મળવા ખૂબ મૂશ્કેલ છે. પરંતુ આપણે સાચા અર્થમાં મિત્રતા નિભાવીએ તો આપણને પણ સાચા મિત્રો મળી રહે છે. વર્તમાન સમયમાં સોશિયલ મિડીયાનો જમાનો છે અને લોકો વિજાતીય મિત્રતાની જ વાહ વાહી કરતા હોય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ વૃદ્ધ અને યુવાન, સ્ત્રી અને પૂરુષ, બાળકો-બાળકો, યુવા-યુવા કે વૃદ્ધ-વૃદ્ધની એમ અનેક પ્રકારની મિત્રતા હોય છે. ચાણક્યએ સાચે જ કહ્યું છે કે મિત્રતા અને દુશ્મની હંમેશા સરખા વ્યક્તિ સાથે કરવી. એનો અર્થ એવો છે કે સમાન વિચારો, કાર્ય, સામાજિક આર્થિક સ્થિતિ વગેરે ધરાવતા મિત્રો વચ્ચે સામ્યતાના કારણે સંબંધો લાંબા ટકે છે. આમ છતાં, અસમાનતાવાળી મિત્રતાઓ પણ હોય છે અને સુખદ સંબંધોમાં પરિણમતી જોવા મળેલ છે, તેથી જ કહેવાય છે કે મિત્રતા એ દિલનો સંબંધ છે અને તેના અંગે બીજા બધા કારણો કરતાં મનની વાત સહુથી આગળ રહે છે.

આજે આ મિત્રતાની દિવસે આપણને આપણા એવા કોઈ મિત્રની યાદ તો જરૂર આવે જેની સાથે આપણે સુખ-દુઃખ વહેંચતા હોય, આપણે આપણા મન-હૃદયની દરેક વાતો મિત્ર સમક્ષ ખુલ્લા મને કરતાં હોઈએ છે. માટે જ આપણા ગુજરાતમાં મિત્રતા માટે અનેક કહેવતો પ્રચલીત છે. જેમાંની એક છે, ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય’,  એટલે કે જે રીતે ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે, પરંતુ તે પ્રહાર થાય ત્યારે જ આગળ આવે છે. તે સિવાય પાછળ રહે છે. તેવી જ રીતે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. મિત્રતાની કસોટી દુઃખના સમયે થાય છે. સુખમાં તો સૌ કોઈ આપણા મિત્ર બનવાનો ડોળ કે દેખાવ કરે છે પરંતુ આપણા જીવનમાં આવેલી દુઃખની ઘડીમાં જે મિત્ર આપણી પડખે આવીને ઊભો રહે તે જ સાચો મિત્ર.

મિત્રતાને આપણે બીજા શબ્દમાં ભાઈબંધી કે મિત્રને ભાઈબંધ કહીએ છીએ. ભાઈબંધ એટલે ભાઈ જેવું બંધન. સાચી મિત્રતા એ એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે અને તે એક મોટું વૃક્ષ થઈને જીવનભર તેની છાયા આપે છે. મહાન સોક્રેટીસે પણ કહ્યું છે કે, ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો’. મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ એટલે કે સુખ દુઃખના સમયમાં પણ જે ટકી રહે છે તે મિત્રતાનો વૈભવ છે. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે ત્યારથી તેની આજુબાજુ વિવિધ સંબંધો બંધાતા જાય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મિત્રતા એક પરમ પવિત્ર વસ્તુ છે. આપણા જીવનમાં મા-બાપ અને ભાઈ-બહેનની સાથે સાથે મિત્રની પણ જરૂર છે. મિત્રતામાં લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તે લોહીના સંબંધ જેવો જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે. આપણી ગુજરાતીમાં ભાષામાં એક કહેવત છે, કે ‘મૂર્ખ દોસ્ત કરતાં શાણો દુશ્મન સારો’.ઘણીવાર આપણે કોઈ મૂર્ખ વ્યક્તિને  દોસ્ત બનાવીએ છીએ અને ક્યારેક એ  આપણી મુશ્કેલીઓમાં વધારો કરે છે. ક્યારેક એ  આપનો જ દોસ્ત આપણને જ  લૂંટે છે. તેથી જ દોસ્ત  બનાવતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ.

મિત્રો, હવે અંતમાં એક કવિતા મને યાદ આવે છે……

કરી હતી મિત્રતાની શરૂઆત નાનકડી મુલાકાત થી, એ મિત્રતા વધીને ગેહરી થઇ ગઈ.

મારી દરેક ખુશીઓમાં સાથ તો હતો જ તારો, દુઃખોમાં પણ હતા તમે મારા પરછાઈ.

જીવનના મોજશોખમાં સાથે મજા કરી, મનભરીને વાતો ને મનભરી ને હસ્યા.

જીવનની દરેક પળોને મનભરીને માણી, મસ્તીનું થયું જીવન આપણું.

તારી મિત્રતા તો છે જીવનમાં અણમોલ, અને મિત્રતા તો છે ઈશ્વરની અણમોલ ભેટ.

ક્યારેય ભૂલી ના જતા આપણી મિત્રતાને, આપણી મિત્રતા પર તો છે ગર્વ મને.

મિત્રતા છે તો આ જીવન છે અને આ જીવનમાં, મિત્ર તું મારા માટે અણમોલ છે.

ધોરણ 10 ગુજરાતી ના વિદ્યાર્થીઓ માટે વિચાર વિસ્તાર અંતર્ગત આવા પ્રશ્નો પૂછાઇ શકે છે.

  1. Anwar Aladana Hingora Anwar Aladana Hingora

    મારો પ્રિય સુવિચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *