Press "Enter" to skip to content

Online શિક્ષણ – આજની જરૂરીયાત

Pankaj Patel 0

વર્તમાન સમયમાં online શિક્ષણ એટલે કે ઈન્ટરનેટ દ્વારા શિક્ષણ એ જરૂરીયાત બની ગઈ છે. ઈન્ટરનેટના અનેક સારા નરસા ઉપયોગો અથવા અસરો જોઈએ ત્યારે તેની શિક્ષણ ક્ષેત્રે ઉપયોગીતા એ ઉડીને આંખે વળગે તેવી સકારાત્મક અસર છે. સાંપ્રત સમાજમાં ઈન્ટરનેટ અંગે ઘણી ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે, તે અંગે અહી ચર્ચા કરવાનો આશય છે.

કોઈ પણ વૈજ્ઞાનિક શોધ કે સાધન પોતે સારું કે નરસું નથી હોતું પણ તેનો સારો કે નરસો ઉપયોગ એ શોધ કે સાધનને માનવ સમાજના ઉર્ધ્વગમન કે અધ:પતન માટે કારણભૂત બનાવે છે. શોધ કે સાધન મોટે ભાગે સકારાત્મક ઉપયોગ દ્વારા માનવ જીવનને વધુ સગવડભર્યું બનાવવા જ નીર્માયેલ હોય છે, પરંતુ આપણે તેના નકારાત્મક ઉપયોગને વધુ પ્રાધાન્ય આપી તેનો હેતુ બદલી નાખીએ છીએ. એટમિક (નાભિકીય) ઉર્જા કે સંશોધનો તેનું સક્ષમ ઉદાહરણ છે. એટમિક ઉર્જા (વીજળી) થી લઈને મેડીકલ ક્ષેત્ર સુધી એટમિક સંશોધનના કારણે માનવ સમાજ અનેક લાભો મેળવી શક્યો છે. આમ છતાં, અણુ અને પરમાણુ શસ્ત્રો પણ એટમિક સંશોધન દ્વારા જ બન્યા છે અને દુનિયાનો સમૂળગો નાશ કરવા સુધીની ક્ષમતા અનેક દેશોએ વિકસાવી છે. અહી શોધને દોષ દેવા કરતા તેના ઉપયોગને ધ્યાને લેવાવો જોઈએ. આવું જ ઈન્ટરનેટ માટે વિચારી શકાય.

ઈન્ટરનેટ એ વર્તમાન સમયની સૌથી વધુ પ્રભાવશાળી શોધ છે. તેના કારણે દુનિયા સમુળગી બદલાઈ ગયી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, સંરક્ષણ સાધનો અને તેનું સંચાલન, આરોગ્ય, અવકાશ સંશોધન, વૈજ્ઞાનિક સંશોધન, શિક્ષણ, સંચાલન, વ્યાપાર, બેન્કિંગ, ઉદ્યોગ તેમજ કાયદો અને વ્યવસ્થા કે રાજકારણ આપણા આધુનિક વિશ્વનું કોઈ ક્ષેત્ર એવું નથી જે ઈન્ટરનેટથી પ્રભાવિત ના થતું હોય. આપણે જેમ ઈશ્વર માટે સર્વ-વ્યાપક કહીએ છીએ તેવી જ રીતે ઈન્ટરનેટ આજે સર્વ-વ્યાપક બની ગયેલ છે. આપણા દેશની વાત કરીએ તો પાછળના વર્ષોમાં સેવા ક્ષેત્રે દેશમાં જે જબરજસ્ત ક્રાંતિ આવી છે તેના પાયામાં ઈન્ટરનેટનો ખુબ મોટો ફાળો છે. આજે પણ ભારતના IT નિષ્ણાતોનો દુનિયામાં ડંકો વાગે છે. દેશના GDPમાં IT જેવા સેવાક્ષેત્રો મહત્વનો ફાળો આપે છે. દુનિયાભરમાંથી આઉટ સોર્સિંગ દ્વારા ભારતમાં કામ કરાવવાનો જે ટ્રેન્ડ છે તેનાથી આપણી ક્ષમતાઓ દેખાઈ આવે છે.

શિક્ષણના ક્ષેત્રમા ઈન્ટરનેટના અનેક ઉપયોગોનો અવકાશ છે. ઓપન યુનિવર્સિટીઓ, ડીસ્ટંટ લર્નિંગ, જેવા ક્ષેત્રો તો સંપૂર્ણપણે online પધ્ધતિ ઉપર આધારિત હોય છે. ગુજરાત સરકારે પણ BAISEG જેવી સંસ્થા વિકસાવી છે. જેનું કાર્ય શાળાઓમાં વિષય નિષ્ણાતોના વ્યાખ્યાનો ટેલીવિજન દ્વારા પહોચાડવાનું છે. અનેક વ્યવસાયિક site પણ શૈક્ષણિક સાહિત્ય આપે છે. આમ છતાં, ઈન્ટરનેટની ક્ષમતા મુજબ શિક્ષણ ક્ષેત્રે આપણા ત્યાં ઉપયોગ માર્યાદિત છે તે કબૂલવું પડશે. આ માટે અનેક કારણોમાં સહુથી મહત્વનું કારણ કદાચ ઈન્ટરનેટની પહોચ આપણા ત્યાં સીમિત છે તે હોઈ શકે.

આમ છતાં, નાના અને અસરકારક કારણો બીજા છે તેવું અનુભવાય છે. આમાં સૌથી અગત્યનું કારણ આપણે બાળકોને જાણે અજાણે ઈન્ટરનેટથી દૂર રાખીએ છીએ. ઘણા લોકોમાં ઈન્ટરનેટ દ્વારા પોર્નોગ્રાફી, ધોખાધડી, છેતરપીંડી, જેવા દુષણોથી અળગા રહેવા બાળકોને ઈન્ટરનેટથી જ શક્ય તેટલા દૂર રાખવાનું વલણ જોવા મળે છે. સોશીયલ મીડિયા અને ખુલ્લા સમાજમાં આ અયોગ્ય જ નહી પણ બિનઅસરકારક અભિગમ છે. આજે કોઈ બાળક પાસે સ્માર્ટફોન ના હોય તો પણ તે ફેસબુક કે what’s app જેવા માધ્યમોથી જોડાઈ જ જાય છે. માં-બાપના ફોન કે મિત્રોના ફોન વાપરીને પણ આપણે જેનાથી તેને દૂર રાખવા પ્રયત્નશીલ છીએ તેની સાથે જોડાઈ જાય છે. જે વાલીઓ પોતાના બાળકને સ્માર્ટફોન અપાવી શકે તેમ નથી તેમની વાત અલગ છે પણ ઘરમાં PC કે લેપટોપ બાળકના માટે જ વસાવ્યું હોય અને ઈન્ટરનેટ ના લગાવે તેવા ય વાલીઓ સમાજમાં છે. આવા વાલીઓએ બાળકોને પોતાની દેખરેખમાં પણ ઈન્ટરનેટ વાપરવા દેવું જોઈએ. જે દુષણો છે તેનાથી દૂર રહેવાનું જ છે પણ તેના માટે સગવડનો અસ્વીકાર કરવો કોઈ રીતે વ્યાજબી નથી. ખરેખર ઈન્ટરનેટના દુષણોની બાળકોને સમજણ પાડવી જરૂરી છે. પ્રેમ અને લાગણીથી વાલી જાતે તેને ખરાબ અસરોની માહિતી આપે તો બાળક જલ્દી સમજી જાય.

કોઈ શાળામાં કે કોલેજમાં નિષ્ણાત શિક્ષક હોય તે કેટલા બાળકોને ભણાવી શકે? સમય અને માધ્યમની મર્યાદા તેને નડવાની જ છે. પણ એજ વ્યક્તિ પોતાની વાત ઈન્ટરનેટના માધ્યમથી રજુ કરે તો, અનેક લોકો પોતાના સ્થળે અને સમયે તે શીખી શકે. ઈન્ટરનેટ વિદ્યાર્થી માટે અનુકુળતાના સમયે અભ્યાસ કરવા ખાસ ઉપયોગી છે. પ્રશ્નોત્તર, વિશ્લેષણ, વીડિઓ, ઓડિયો, ચિત્રો જેવા અનેક સ્વરૂપે શિક્ષણ વધુ અસરકારક બનાવવું હોય તો આ એક જ માધ્યમ છે. www.zigya.com એ અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમોમાં શૈક્ષણિક સાહિત્ય વિનામૂલ્યે પૂરું પાડતું આગવું પ્લેટફોર્મ છે. અહી શિક્ષક અને વિદ્યાર્થી બન્ને એકબીજા સાથે જોડાઈ પણ શકે છે તેમજ અલગ અલગ રીતે પોતાને જરૂરી માહિતી મેળવી શકે છે. પ્રશ્નના જવાબ મેળવવા, ટેસ્ટ આપવા, સંદર્ભ સાહિત્ય મેળવવા, એમ કોઈ પણ હેતુ માટે તેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. zigya blog એ સામાન્ય જ્ઞાન અને નવીન માહિતી માટે ઉપયોગી થાય તેમ છે, તો બોર્ડના જુના પેપર અથવા સૂચનાઓ પણ અહી ઉપલબ્ધ છે. આ સિવાય પણ અનેક site ઈન્ટરનેટથી માહિતી અને જ્ઞાનનો ધોધ વહાવી રહી છે. સમાજમાં online શિક્ષણ પ્રત્યે રૂચી કેળવાય અને પોતાની જરૂરી માહિતી તેમાંથી મેળવી ઉપયોગ કરીએ એ જ આજના સમયની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *