Chapter Chosen

ભારત: કૃષિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. 

ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે : 1. જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3. આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5. બાગાયતી ખેતી તથા 6. સઘન ખેતી.

જીવનનિર્વાહ ખેતી : જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવામાં આવે છે. આજે ભારતીય ખેતિ મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.

ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછાવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.

વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.

અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે.

ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

સૂકી (શુષ્ક) ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કહેવામાં આવે છે.

આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.

અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.

ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

આર્દ્ર (ભીની) ખેતી : જ્યાં વધુ વરસાદ પડે, અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં ‘આર્દ્ર ખેતી’ થાય છે.

વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.

અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.

સ્થળાંતરિત (ઝૂમ) ખેતી : ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.

તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.

બે – ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થાળાંતર કરી એ જ પદ્ઘતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ઘતિને ‘સ્થળાંતર’ ‘ઝૂમ ખેતી’ કહે છે.

અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે.

આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

બાગાયતી ખેતી : સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ તરીકે ઓળખવામાં આવે છે.

તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.

તેને માટે મોટી મૂડી, સુદ્દઢ આયોજન, ટેક્નિકલ જ્ઞાન, યંત્રો ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.

અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.

આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબું, ખારેક (ખલેલા) વગેરે ફલોની ખેતી કરવામાં આવે છે.

સઘન ખેતી : ખેતી સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ – ઉત્પાદન કરી શકે છે.

તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવામાં આવે છે.

આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.

તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.

સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.

તેમાં આર્થિક વળરતને વધુ મહત્વ અપાય છે. તેથી તેને ‘વ્યાપારી ખેતી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.


‘વિશ્વબજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છે :

ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત – નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

તેના પરિણામે ગુજરાતમાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનનાં બજારોમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યાં છે.

આ સંજોગોમાં ખેતપેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.

આપણાં કૃષિ – ઉત્પાદનોને પરદેશથી આવતાં એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.

વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું ‘પેટન્ટ’ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારત તેની મોટી માનવશક્તિ , ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.

વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચાવામાં આવતાં મોંઘાં ભાવનાં ‘જીનેટિકલી મૉડિફઈડ’ બી. ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યાં છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોન કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.

વૈશ્વિક બજારોમાં થતી ખેતપેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિક્ષેત્રે નવી ટેક્નોલૉજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે.

કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ઘિ વધારવા આયોજનબદ્ઘ પગલાં ભરવાં પડશે.


‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો. 

ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે.

વિશ્વમાં ઘઉંનો પાકનું મહત્વ સૌથી વિશેષ છે.

ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.

તે દેશના ઉત્તર – પશ્ચિમ ભાગમાં રહેલા લોકોનો મુખ્ય ખોરાક છે.

ઘઉં સમશીતોષ્ણ કટિબંધ રવી પાક છે.

તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 સે જેટલું અને લણણી વખતે 20 થી 25 સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.

ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.

હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં પાકનું ઉત્પાદન બમણું થયું છે.

ઘઉંના પાકને ઝાકરથી ફાયદો , પરંતુ હિમથી નુકસાન થાય છે.

ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘંઉ-ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે.

આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘંઉનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘંઉનો કોઠાર’ કહેવામાં આવે છે.

આ ઉપરાંત ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.

ગુજરતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં’ થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડા જિલ્લઓમાં ઘઉં વધુ થાય છે.

પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્વો હોય છે.

ઘંઉમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને ‘અનાજનો રાજા’ કહે છે.

ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું ગણવામાં આવે છે.


‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો. 

ભારતમાં જુદાં જુદાં વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે.

ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.

1. મગફળી : બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે.

તેનાં પાકને કાળી, કસવાળી, ગોરડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20bold degree થી 25bold degree સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.

તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.

તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે.

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.

ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ : તેનો પાક વર્ષા આધારિત છે.

આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.

તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.

તલના ઉત્પાદનમા અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.

ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

3. સરસવ : તે રવી પાક છે. તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયાં પાક છે.

સરસવનાં બીજ અને તેનાં તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

4. નાળિયેર : તેને દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે.

ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરલ રાજ્યમાં થાય છે.

આ ઉપરાંત કર્ણાટક, ગોવા,મહારાષ્ટ્ર, તમિલનાડુ એ અંદમાન-નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.

ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.

નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ (કોપરેલ) મેળવાય છે.

દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણાં તરીકે વપરાય છે.

ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે.

5. એરંડો : એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવી પાક છે.

ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે.

ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે.

એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ છે.

ભારતના કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે.

ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લઓમાં થાય છે.


ભારતમાં કૃષિક્ષેત્રે થયેલાં સંસ્થાગત સુધારા જણાવો. 

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે :

જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારાને જમીનમાલિકીનો હક આપવમાં આવે છે.

‘જમીન ટોચ મર્યાદા’ દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.

‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્ય છે અને કરી રહ્યા છે.

ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.

બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

દુષ્કળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે.

માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરજીની પદ્ઘતિને ફરજિયાત બનાવી છે.

ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરસારી મંડળીઓ અને ખરીદ – વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.

સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.

1. ભરતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને 4. ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ મર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.