Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો સ્પષ્ટ કરો.

વ્યક્તિ સમાજના સંદર્ભમાં અન્ય વ્યક્તિ સાથે જોડાઇને સામાજિક ક્રિયા કરે છે, ત્યારે એકબીજા પર અસર કરે છે. આવી પારસ્પરિક ક્રિયાને ‘સામાજિક આંતરક્રિયા’ કહેવામાં આવે છે.

સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો :

1. બે કે તેથી વધુ પક્ષો :

સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા બે કે તેથી વધુ પક્ષો અનિવાર્ય છે. એક પક્ષથી સામાજિક આંતરક્રિયા થતી નથી. દા. ત., પતિ અને પત્ની તથા માતા અને બાળક વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે વ્યક્તિઓ વચ્ચેની છે. જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા વ્યક્તિ અને જૂથ વચ્ચેની છે. ક્રિકેટની બે ટીમો વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે જૂથો વચ્ચેની છે. સામાજિક આંતરક્રિયા પ્રત્યક્ષ કે મોઢામોઢની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. પરોક્ષ સ્વરૂપની આંતરક્રિયામાં સમૂહ માધ્યમોની જરૂર પડે છે.

2. માધ્યમ :

માત્ર બે પક્ષથી જ સામાજિક આંતરક્રિયા શક્ય બનતી નથી, પરંતુ પરસ્પર બંને પક્ષો વચ્ચે અસર ઊભી કરવા અથવા અર્થપૂર્ણ અભિવ્યક્તિ કરવા કોઈ પણ માધ્યમ હોવું જરૂરી છે. માધ્યમમાં શારીરિક હાવભાવનું કોઈ પણ સ્વરૂપ, શાબ્દિક ભાષા, ચિત્રો વગેરેનો ઉપયોગ થઈ શકે છે. દા. ત., બહેરા-મૂંગા વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા અને પ્રતિક્રિયા. સામાજિક આંતરક્રિયામાં જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે માધ્યમ સામાજિક અર્થ ધરાવવું હોવું જોઈએ અને માધ્યમ દ્વારા વ્યક્તિ થતા અર્થ, ભાવ અને લાગણી બધા પક્ષો સમજતા હોવા જોઈએ. દા. ત., રાષ્ટ્રધ્વજ, શાળામાં વિદ્યાર્થીઓનો ગણવેશ.

3. પારસ્પરિક અસર :

સામાજિક આંતરક્રિયા પરસ્પર અસર ઉપજાવનારી ઘટના છે. જેમાં વ્યક્તિ અથવા જૂથ પર વાણી, ભાષા, પુસ્તકો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્વારા અસર ઊભી થાય છે. જે અસર બાહ્ય વર્તન સ્વરૂપે તથા વલણ, માન્યતા, હિત, અપેક્ષા વગેરે જેવી આંતરિક અસર સ્વરૂપે થઈ શકે છે. દા. ત., બાળક માતા-પિતાના સૂચન મુજબ જે વર્તન કરે તે બાહ્ય અસર છે અને બાળકને માતા-પિતા માટે જે અહોભાવ મનમાં પેદા થાય તે આંતરિક અસર છે.

આમ, સામાજિક આંતરક્રિયા પરસ્પર સંબંધવાળી પ્રવૃત્તિ છે. તે પરસ્પર ઉદ્દીપનની પ્રક્રિયા છે અને પરસ્પર અવલંબિત છે.


સામાજિક ક્રિયાનાં તત્વોની સમજૂતી આપો. 

સમાજશાસ્ત્ર માનવી અને તેના સમાજનો અભ્યાસ કરે છે. સમાજનું એકમ વ્યક્તિ છે. વ્યક્તિ સમાજનાઅ સભ્ય તરીકે જુદી જુદી અર્થપૂર્ણ, સભાનતાપૂર્વક અને હેતપૂર્વક ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલીક ક્રિયા કરે છે જેને ‘સામાજિક ક્રિયા’ કહે છે.

સામાજિક ક્રિયાનાં તત્વો :

1. ‘સ્વ’ અથવા કર્તા :

કોઈ પણ સામાજિક ક્રિયા કરનારને ‘કર્તા’ કહે છે. આપણે જ્યારે કોઈ પણ કર્તાનો નિર્દેશ કરીએ છીએ ત્યારે તેમાં માનવદેહનો નહી, પરંતુ તેના ‘સ્વ’નો નિર્દેશ હોય છે. ‘સ્વ’ ક્રિયાનું મુખ્ય ચાલક બળ છે.

દરેક વ્યક્તિને પોતાની આગવી ઓળખ હોય છે. વ્યક્તિ એક એકમ છે અને તે સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે. ‘સ્વ’ અનુભવ કરે છે, નિર્ણયો લે છે અને લીધેલા નિર્ણયો પર ચિંતન કરે છે.

‘સ્વ’ને વ્યક્તિત્વ અથવા ચરિત્ર પણ કહે છે. વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાત આપે છે. ‘સ્વ’ દરેક કાર્ય કરવા માટે શરીરને સાધન તરીકે વાપરે છે અને તે દ્વારા ધ્યેય પ્રાપ્ત કરે છે. ‘સ્વ’ ક્રિયા કરાવનાર છે અને ‘સ્વ’ નું ઘડતર સમાજ દ્વારા થાય છે.

ક્રિયા કરનાર કર્તાનો ‘સ્વ’ અન્ય વ્યક્તિઓને, ચીજવસ્તુઓને અથવા પરિસ્થિતિને કઈ રીતે જુએ છે, તેનું કેવું અથઘટન કરે છે, તેના વિશે કઈ લાગણી અનુભવે છે, તેના વિશે શું વિચારે છે, તે સમજવું એ તેની સામાજિક ક્રિયાને સમજવા માટે અત્યંત જરૂરી છે.

‘સ્વ’ને સમજવાથી વ્યક્તિ જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે તે ‘આત્મલક્ષી’ બાબત જાણવા મળે છે. દા. ત., સમાજમાં ચાલતા ભ્રષ્ટાચારને જોવાની દ્વષ્ટિ.

2. ધ્યેય અથવા લક્ષ્ય :

દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી છે. ધ્યેય એ વ્યક્તિના ‘સ્વ’ની કલ્પના છે.

ધ્યેય એટલે વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ. જેને કલ્પના દ્વારા જાણી શકાય છે.
ધ્યેયને પ્રયત્ન અને સંકલ્પ દ્વારા મેળવી શકાય છે.

કર્તાના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્વનું છે. વ્યક્તિનાં સમાજનાં મૂલ્યો અને ધોરણો તેના ધ્યેયની પસંદગીને અસર કરે છે. દા. ત., બ્રાહ્મણ યુવાન કતલખાનાની નોકરીનો સ્વીકાર કરશે નહી.

ધ્યેય માનવીના વિચાર, વ્યવહાર અને વર્તનને અસર કરી છે. વ્યક્તિ ધ્યેયને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નો કરે છે.

ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણા છે. ધ્યેય માનવીના વર્તન માટે ચાલક બળ પૂરું પાડે છે. દા. ત., પશ્વિમની સંસ્કૃતિમાં મૂલ્યો વગેરે અગત્યનો ભાગ ભજવે છે. દા.ત. પશ્વિમની સંસ્કૃતિમાં સફળતા એ ધ્યેય છે, જ્યારે હિન્દુ સંસ્કૃતિમાં મોક્ષપ્રાપ્તિ એ જીવનનું ધ્યેય છે.

3. શરતો અથવા સંજોગો :

ધ્યેયપ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે, તેમ ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોનો જઅણ કરવો પડે છે.

જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને ‘શરતો’ કહે છે. શરતો કે સંજોગો એવી બાબત છે, જેને પસાર કર્યા વગર ધ્યેયની પ્રાપ્તિ થઇ શકતી નથી. દા. ત., બી.એ.ની ડિગ્રી મેળવવા માટે કૉલેજનો ત્રણ વર્ષનો અભ્યાસ કરવો પડે.

ધ્યેયપ્રાપ્તિ સરળ નથી. ધ્યેયપ્રાતિમાં અનેક અવરોધો આવે છે. જે અવરોધો વ્યક્તિ દુર ન કરી શકે તેને ‘શરતો’ કહેવામાં આવે છે. શરતો વ્યક્તિના કાર્યમાં મર્યાદા બાંધી આપે છે. ‘શરતો’ શારીરિક અથવા બિનશારીરિક હોઈ શકે છે.
ધ્યેયપ્રાપ્તિમાં ત્રણ પ્રકારના અવરોધો હોય છે, જે નીચે પ્રમાણે છે :

  • કર્તાની શારીરિક શક્તિ : શારીરિક અશક્તિ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા. ત, લશ્કરમાં જોડાવવું હોય, પરંતુ જરૂરી ઊંચાઇ, વજન, શારીરિક ક્ષમતા વગેરે ન હોય.
  • ભૌગોલિક પર્યાવરણ : ભૌગોલિક વાતાવરણ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા.ત., પ્રવાસ માટે સમયસર રેલવે સ્ટેશને પહોંચવું હોય, પરંતુ માર્ગમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ આવે. 
  • સામાજિક પર્યાવરણ : આર્થિક, સામાજિક વાતાવરણ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા.ત., ડૉક્ટર બનવું હોય, પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય; અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી જોડાવવું હોય, પરંતુ જ્ઞાતિના ‘અંતર્લગ્ન’નાં ધોરણો માન્યતા આપતા ન હોય. 

4. સાધનો :

સાધનો ધ્યેયપ્રાપ્તિ માટે આવશ્યક છે. સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિનાં એવાં પરિબળો કે જેમના પર કર્તાનો કાબૂ હોય છે. આવાં સાધનો કર્તાને તેની ધ્યેયપ્રાતિમાં મદદરૂપ થાય છે. સાધનોનું સ્વરૂપ સરળ અથવા જટિલ હોઈ શકે છે.

કોઇ પણ ધ્યેયની પ્રાપ્તિ માટે ધ્યેયને અનુરૂપ સાધન હોવું જરૂરી છે. ઘણી વાર એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે એક કરતાં વધુ સાધનોની જરૂર પડે છે.

કોઇક વાર વ્યક્તિએ જુદાં જુદાં સાધનોમાંથી કોઈ એક જ સાધનની પસંદગી કરવાની હોય છે. સાધનની પસંદગીમાં ભૂલ થાય, તો ધ્યેયપ્રાપ્તિ થતી નથી. દા. ત., ધનપ્રાપ્તિ માટે નોકરી કે વ્યવસાય થઈ શકે છે.
કોઈક એક પરિસ્થિતિમાં એક કર્તા માટે જે સાધન હોય તે સાધ્ય બને અને અન્ય કર્તા માટે તે સાધન સંજોગ પણ થઈ શકે છે.

કોઈ એક પરિસ્થિતિમાં જે ધ્યેય હોય તે અન્ય પરિસ્થિતિમાં સાધન થઈ શકે છે. દા. ત વિદ્યાર્થી અવસ્થામાં ડિગ્રી પ્રાપ્ત કરવી એ ધ્યેય હોય છે, પરંતુ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તે નોકરીપ્રાપ્તિના ધ્યેયન્યં ઉપયોગી સાધન બની જાય છે.


સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. 

પ્રત્યેક સમાજમાં આંતરક્રિયાનાં જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. સામાજિક આંતરક્રિયાનું વારંવારનું પુનરાવર્તન સામાજિક સંબંધો રચે છે. સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો છે : (1) સહકાર, (2) સંઘર્ષ અને (3) સ્પર્ધા.

સામાજિક આંતરક્રિયાના પ્રકાર તરીકે સહકારના સ્વરૂપની સમજુતી નીચે પ્રમાણે છે :

સહકાર :

સમાન હેતુ માટે સાથે મળીને કામકામ કરવું અથવા સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે સહિયારી ક્રિયાઓ કરવી તેને’સહકાર’ની આંતરક્રિયા કહેવામાં આવે છે.

કુટુંબના સભ્યો એકબીજાની જરૂરિયાતો સંતોષવા અરસપરસને મદદ કરે છે. પડોશમાં રહેતાં બાળકો રમતગમતના હેતુ માટે સાથે મળીને રમતો રમે છે. ઉદ્યોગોમાં પણ સંચાલકો, અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો વચ્ચે ઉદ્યોગનાં લક્ષ્યાંકોને પહોંચી વળવા સહકાર જરૂરી છે.

આમ, કોઈ પણ બે પક્ષ પાર્સ્પરના ધ્યેયની પ્રાપ્તિ માણે મદદ કરે અથવા સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે મળીને પ્રવૃત્તિ કરે તો તેને ‘સકકાર’ કહેવાય.

સહકાર એ શીખેલું વર્તન છે. સમાજીકરણની પ્રક્રિયા દ્વારા માનવી સહકારની પ્રવૃત્તિ શીખે છે.

સમાજશાસ્ત્રી ફેર ચાઇલ્ડના મતે, “સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જુથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેયપ્રાપ્તિ માટે ભેગા મળે છે.”

જે ધ્યેય સાથે મળીને વધુ સારી રીતે કે ઝડપથી હાંસલ કરી શકાય તેને માટે, અથવા માનવી પોતાની જરૂરિયાતો કે હિતો પૂરાં કરવા માટે સભાનતાપૂર્વક અને બુદ્વિપૂર્વક સહકાર સાધીને મંડળો રચે છે. આ મંડળોનાં ધોરણો નક્કી કરી તેમાં વ્યક્તિઓ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે મળીને કામ કરે છે. દા. ત., દૂધ ઉત્પાદક સહકારી મંડળી, સહકારી બૅન્ક, સહકારી ગૃહનિર્માણ સોસાયટી વગેરે.

સહકારની પ્રક્રિયા રચનાત્મક છે. સહકારથી સાથે કામ કરનારા લોકો કામકાજની વહેંચણી કરીને પોતાનું સહિયારું ધ્યેય પ્રાપ્ત કરતા હોય છે. સહકારની સામાજિક આંતરક્રિયા વ્યક્તિઓ કે જૂથો વચ્ચે એકતા વિકસાવે છે. સહકાર સંગઠનમાં અનુક પ્રમાણમાં સહકારની પ્રક્રિયા અનિવાર્ય છે. સહકાર વગર વ્યક્તિ, સમૂહ કે સમાજનો વિકાસ સંભવી શકે નહી.

સમાજશાસ્ત્રી મેકાઇવરના મત પ્રમાણે સહકારની આંતરક્રિયાના બે પ્રકારો છે જે નીચે મુજબ છે :

1 પ્રત્યક્ષ સહકાર :

ધ્યેયપ્રાપ્તિ માટેનો સીધો સંયુક્ત પ્રયાસ તે ‘પ્રત્યક્ષ સહકાર’ છે. પ્રાથમિક જૂથોમાં આ પ્રકારનો સહકાર મુખ્ય હોય છે. કુટુંબ, મિત્રજૂથ, પડોશ જૂથ, ગ્રામસમુદાય, આદિવાસી સમુદાય વગેરેમાં પ્રત્યક્ષ સહકારનું પ્રમાણ અને મહત્વ વધુ હોય છે. સહકારી મંડળીઓ પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ છે.

2 પરોક્ષ સહકાર :

એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ શ્રમવિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને ‘પરોક્ષ સહકાર’ કહેવાય. આ પ્રકારના સહકારમાં પ્રવૃત્તિઓને વિભાજિત કરવામાં આવે છે. સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. દા. ત., કાપડનું ઉત્પાદન કરવા માટે કાપડના એક વિશાળ કારખાનામાં જુદી જુદી વ્યક્તિઓ જુદાં જુદાં કામ કરે છે. તે બધાં કાર્યોના સરવાળે કાપડનું ઉત્પાદન થાય છે. આમ, મોટા પાયા પર ચાલતા ઉદ્યોગો પરોક્ષ સહકારનું ઉદાહરણ છે. વિશાળ જૂથોમાં પરોક્ષ સહકાર જોવા મળે છે.

પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક અને માનસિક સંતોષ તથા હુંફ આપે છે, જ્યારે પરોક્ષ સહકાર વ્યક્તિને એકલતાની ભાવનાનો અનુભવ કરાવે છે અને ક્યારેક અનેક માનસિક સમસ્યાઓ સર્જે છે.


સામાજિક પરિવર્તનનાં લક્ષણો જણાવો. 

સામાજિક પરિવર્તન એ દરેક સમાજની સાહજિક પ્રક્રિયા છે. કેટલાક સમાજોમાં ઝડપી, તો કેટલાક સમાજોમાં ધીમું પરિવર્તન થતું હોય છે. કોઇ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર હોતો નથી. કોઈ પણ સમાજની તેના ભૂતકાળ અને વર્તમાનકાળને ધ્યાનમાં રાખીને તુલના કરવામાં આવે, તો ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો એ ‘સામાજિક પરિવર્તન’ છે.

સામાજિક પરિવર્તનના લક્ષણો :

1 સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે :

સામાજિક પરિવર્તન સતત ચાલુ રહેતી એક પ્રક્રિયા છે, પ્રત્યેક સમાજનું તે સાહજિક લક્ષણ છે. સામાજિક સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ, સતત પરિવર્તનની પ્રક્રિયા અનુભવે છે. મેકાઇવરના મતે, “સમાજ સામાજિક સંબંધોની પ્રક્રિયા છે. સામાજિક સંબંધો સ્થિર નથી, પરંતુ તે સતત પરિવર્તનશીલ હોવાથી સમાજ પણ સતત અને અવિરતપણે પરિવર્તન પામે છે.

2 સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે :

સામાજિક સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ પરિવર્તનની સતત પ્રક્રિયા અનુભવે છે. વિશ્વના દરેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. પરિવર્તનની માત્રા અને ગતિમાં તફાવત હોઈ શકે છે. મહિલાઓની સમાનતા અને સ્વતંત્રતાના મુદ્દે વિશ્વના તમામ દેશોમાં હકારાત્મક પરિવર્તનો આવી રહ્યાં છે. ભારતના કેટલાક પ્રદેશોમાં મહિલાઓને શિક્ષણ અને વ્યવસાયમાં પુરુષ સમોવડી બનવાની તક મળી છે, પરંતુ અન્ય પ્રદેશોમાં સમાનતાના ક્ષેત્રે પ્રગતિ ધીમી થઈ રહી છે.

3 સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે :

સામાજિક રચનાતંત્રના વિવિધ વિભાગોમાં થતાં પરિવર્તનો સામાજિક રચનાતંત્રમાં થતાં પરિવર્તનો સૂચવે છે.

4 સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે :

સામાજિક પરિવર્તન જેમ સામાજિક રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે તેમ સામાજિક કાર્યોમાં પણ પરિવર્તન સૂચવે છે. દા. ત., કુટુંબનું સમાજીકરણ, પ્રજોત્પાદન, આર્થિક રચના, જીવનિર્વાહની ચીજવસ્તુ પૂરી પાડવી, શિક્ષણ, ધર્મ વગેરે સામાજિક કાર્યો છે. સામાજ્ક પરિવર્તન આ બધા સામાજિક કાર્યોમાં પણ પરિવર્તનો સૂચવે છે.

5 સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે :

સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયાના ભાગરૂપે પણ વિકસે છે. દા. ત., ઉદ્યોગીકરણ અને શહેરીકરણને પરિણામે વિભિન્ન જ્ઞાતિ અને ધર્મનો લોકો એકબીજાના સંપર્ક અને સહવાસમાં આવતાં પરસ્પર સહાનુભૂતિ અને આદરનું વાતાવરણ સર્જે છે. આ પરિસ્થિતિના કારણે વિચારો અને મૂલ્યોમાં જે સામાજિક પરિવર્તન આવ્યું તેને ‘સ્વયંજનિત પરિવર્તન’ કહેવાય. આધુનિક યુગમાં આયોજિત વિકાસનાં પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. માનવીએ બુદ્વિપૂર્વક, હેતપૂર્વક આયોજન કરી સમાજમાં પરિવર્તન લાવવામાં ફાળો આપ્યો છે. કાયદાઓ દ્વારા છોકરીઓ માટે લગ્નવય 18 વર્ષ અને છોકરાઓ માટે લગ્નવય 21 વર્ષ રાખવામાં આવી છે. તેના પરિણામે બાળલગ્નો અટક્યાં છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આ કારણોના લીધે આવતું પરિવર્તન આયોજિત પ્રક્રિયાના ભાગરૂપે છે.

સાંસ્કૃતિક પરિવર્તનો પૈકી જે પરિવર્તનો સામાજિક સંગઠનોમાંથી ઉદભવે છે અને સામાજિક સંગઠન ઉપર અસર કરે છે તે સાંસ્કૃતિક પરિવર્તનો સામાજિક પરિવર્તનો છે.


સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો.

સામાજિક સ્તરરચના સાથે સામાજિક ગતિશીલતા જોડાયેલી છે. સામાજિક ગતિશીલતા એટલે સમાજની સ્તરરચનામાં વ્યક્તિ કે જૂથની સામાજિક ગતિ. વ્યક્તિ કે જૂથનાં સ્થાન તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓ, શક્તિઓ અને પ્રયત્નો અનુસાર બદલાય છે. જેને ‘સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે.

સામાજિક ગતિશીલતાના પ્રકાર :

1. આડી સામાજિક ગતીશીલતા :

એકસમાન સ્તર પર આવેલા એક જૂથમાંથી બીજા જૂથમાં વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય તેને ‘આડી સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે. આડી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે, પરંતુ તેનું સ્તર બદલાતું નથી. દા. ત., એક શાલાનો શિક્ષક પોતાની શાળા છોડી બીજી શાળામાં શિક્ષક તરીકે જોડાય ત્યારે આડી સામાજિક ગતિશીલતા થઈ કહેવાય છે. અહીં શિક્ષકની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. ભારતની જ્ઞાતિવ્યવસ્થા આડી સામાજિક ગતિશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાજશાસ્ત્રી બ્રુમ અને સેલ્ઝનિકના મતે, “એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી સામાજિક ગતિશીલતા.”

2 ઊભી સામાજિક ગતિશીલતા :

ઊભી સામાજિક ગતિશીલતા એ આડી સામાજિક ગતિશીલતા વિરુદ્વનો ખ્યાલ છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાનફેર થાય છે અને સાથે સાથે સ્તર કે દરજ્જો પણ બદલાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના હક, દરજ્જા, પ્રતિષ્ઠા, આવક, સત્તા વગેરેમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જુથ પોતાના મૂળ સામાજિક દરજ્જામાંથી ઉપલા અથવા નીચલા સામાજિક દરજ્જામાં એમ બંને દિશામાં જઈ શકે છે. આથી ઉભી સામાજિક ગતિશીલતા બે પ્રકારની હોય છે : (i) ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને (ii) નિમ્નગામી ઊભી ગતિશીલતા.

(i) ઊર્ધ્વગામીએ ઊભી ગતિશીલતા :

ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ પોતાના મૂળ સામાજિક દરજ્જાવાળા સ્તરમાંથી ઊંચા સામાજિક દરજ્જાવાળા સ્તરમાં સ્થળાંતર કરે છે. આમ, વ્યક્તિ કે જૂથના સ્થાન અને સ્તર બંને ઊંચા થાય છે. દા. ત., માધ્યમિક શાળાનો શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળાનો શિક્ષક બને. ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :

  • વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા : જ્યારે નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી ઉચ્ચ સ્તરમાં સ્થાનાંતર કરે ત્યારે ‘વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય. દા. ત., સરકારી નોકરીમાં કોઈ કારકુન ઑફિસર બને.
  • જૂથલક્ષી ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા : જ્યારે નિમ્ન સ્તરની વ્યક્તિઓનું જૂથ પોતાના સ્તરમાંથી ઉચ્ચ સ્તરમાં સ્થાનાંતર કરે ત્યારે ‘જૂથલક્ષી ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય. દા. ત., ટૅલિવિઝનના અભિનેતા અને અભિનેત્રીઓ કોઈ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓ બને. 

(ii) નિમ્નગામી ઊભી ઊભી ગતિશીલતા :

નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા એ ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા કરતાં વિરુદ્વ છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતામાં સ્થાન બદલાવાની સાથે બદલાતું સ્તર પણ પોતાના મૂળ સ્થાન કરતાં નિમ્ન હોય છે. આ ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સ્થળાંતર કરે છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :

  • વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા : જ્યારે કોઈ વ્યક્તિ ઊચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં સ્થળાંતર કરે ત્યારે ‘વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય છે. દા. ત., માધ્યમિક શાળાનો શિક્ષક, પ્રાથમિક શાળાનો શિક્ષક બને.
  • જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા : જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં સ્થાળાંતર કરે ત્યારે ‘જુથલક્ષી નિમ્નગામી ઊભી સામાજિક ગતીશીલતા’ કહેવાય. દા. ત., ગણોતધારો અને જમીન ટોચમર્યાદાનો કાયદો અમલમાં આવતાં મોટા જમીનદારો મર્યાદિત જમીનના માલિક તરીકે ખેડુત બન્યા, દેશી રાજ્યોનું વલીનીકરણ થતાં રાજ્યોના રાજાઓ સામાન્ય નાગરિક બન્યા. 

આમ, કોઇ પણ સમાજ સામાજિક ગતિશીલતા વગરનો નથી. તેમાં આડી સામાજિક ગતિશીલતા કે ઊભી સામાજિક ગતિશીલતા જોવા મળે છે.