જનરલ પોસ્ટ

5 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિન

"ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ,

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક"

મિત્રો, આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તામિલનાડુમાં થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન એ એક તત્વચિંતક અને રાજપુરુષ હતાં. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1964 થી 5 સપ્ટેમ્બરના દિવસને ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ. રાધાકૃષ્ણનના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે. દેશના બાળકો એ દેશનું ભવિષ્ય છે અને દેશના વિકાસના આ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક જ કરે છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડૉ. રાધાકૃષ્ણનના જીવનનું કેંદ્રબિંદુ રહ્યુ છે. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હતા, જેને લીધે એમણે ‘ભારતના પ્લેટો’ કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી મળીને 15થી વધુ ભાષાઓમાં તેઓ નિપુણ હતાં. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને એક ભારતીય પારંપારિક પહેરવેશમાં પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા.

ડૉ. રાધાકૃષ્ણન 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. તેઓ 1967 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. 16 એપ્રિલ, 1975ના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે કહ્યું કે "Our Slogan should not be Power at any Price : but Service at any Cost". એટલે કે કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.” આ સંદેશ ભારતના વર્તમાન સત્તાદંભી અને ભ્રષ્ટાચારી રાજકારણીઓને ઘણું કહી જાય છે. દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારત રત્ન’ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું ‘ટેમ્પલટન પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. ડો. રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ. તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ, હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ. સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે.

શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક‘ નો એવોર્ડ આપવામાં આવે છે. આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે. વિશેષમાં શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે. વિદ્યાર્થીઓ પોતે જ આખા દિવસ દરમિયાનનું આયોજન કરતા હોય છે. દિવસને અંતે શિક્ષકગણ દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવે છે.

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે વ્યક્તિની માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક થકી જ પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. શિક્ષણ જ માનવ જીવનના કલ્યાણની ચાવી છે. શિક્ષણ વગરના માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે. આપણા આ સમાજનું ઘડતર કરવામાં અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. શિક્ષક જ વિદ્યાર્થીના જીવન ઘડતર દ્વારા દેશના ભાવિ વિકાસની ઈમારતના ટેકાને મજબૂતી આપે છે. આજે અનેકવિધ સામાજીક દુષણો અને પડકારોની સામે આપણે એવા શિક્ષણની જરૂર છે કે જે વિદ્યાર્થીઓને કુસંગે ન વળવા દે, વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કરે અને એમના મનની અંદર રહેલી વિવિધ શુષુપ્ત શક્તિઓને જગાડી નવો જોશ અને ઉમંગ ભરે. સમય બદલાયો છે, આપણા દેશમાં વ્યાપારિકરણની હોડ છે. તમામ ઉદ્યોગ, ધંધા, રોજગારમાં બજારીકરણનો વાયરો વાયો છે. સેવાઓ અને ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી. શિક્ષણનો અધિકાર હોય કે સમયાંતરે બનતી નવી શિક્ષણ નિતિની વાત હોય, વાસ્તવિક ધરાપટલ પર પરિસ્થિતિ ગંભીર બનતી ગઈ છે. આજે શિક્ષણના નામે ચાલી રહેલી ઉગાડી લૂંટના સમયગાળામાં મોટી મોટી શાળાઓમાં ફક્ત પુસ્તકીયા જ્ઞાન પર જ ભાર મૂકાય છે. બાળકને શરૂઆતથી જ રેસના ઘોડાની જેમ જોવામાં આવે છે. ભાર વગરના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થી દફતરના બોજ નીચે ઝઝૂમતો જોવા મળે છે.

જે મહાન વ્યક્તિત્વને યાદ કરીને આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તેના જીવનમાંથી કાંઈક શીખીને પણ આજની વાસ્તવિક શૈક્ષણિક સમસ્યાઓ અથવા સ્થિતિને સુધારવા આપણા પોતાથી જે બની શકે તે કરવાની આંતરિક ઈચ્છા શક્તિ જાગે અને તે મુજબ આપણાથી બનતું આપણે કરીએ તો ચોક્કસ આવા દિવસો ઉજવવાનો અર્થ સરે તથા જેની યાદમાં આ દિવસો ઉજવાય છે તે વ્યક્તિત્વને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય. છેલ્લે એક વાક્ય જરૂર લખીશ કે,

‘Good teachers Think before they act, Think while they act, Think after they act.’

“સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે”

 

Yogesh Patel

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago