Gujarati Posts

વિજ્ઞાન વરસાદ નું

દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે વરસાદ આવી જાય, તો સંતોષના ઓડકાર સાથે સૌ તૃપ્ત થઈ જાય છે અને ન આવે તો પણ કોઈ કંઈ સવાલ તો પૂછતુ જ નથી ને? સવાલ તો એ છે કે વરસાદને રિઝવવાનું કે વરસાવવાનું આટલું સહેલું હોય, તો બહુજન હિતાર્થે પ્રતિવર્ષ ભારતમાં નિયમિતપણે આવા યજ્ઞો યોજવા જોઈએ. ઘૂન-ભજન-બંદગી વગેરે કરવા જોઈએ પછી અસંતુલિત વરસાદ કે દુકાળ કે પૂરની સમસ્યાઓ કયારેય ઉદ્દભવશે જ નહી. આ ઘૂન-યજ્ઞ વિજ્ઞાનની પેટન્ટ લઈ દરેક દુકાળિયા દુઃખી વિસ્તારને જળ તરબોળ કરી દેવો જોઈએ. આમ પણ પરોપકાર અને દયા તો ભારતીય સંસ્કૃતિની અંગભૂત નીતિ છે ને.

આવી જ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનની છે. કોઈ ભડલીએ ખબરદારીથી નીરિક્ષણ કરીને કુદરતી સંકેતો સાથે વરસાદના સંબંધ જોડીને કાવ્યપંકિતઓ રચી હોય, એમાં કશું અવૈજ્ઞાનિક નથી. રિસર્ચ, ઓબ્ઝર્વેર્શન અને કાર્ય-કારણનો સંબંધ એ જ વિજ્ઞાન છે. પણ સમય પ્રમાણે કુદરતના રંગઢંગ બદલે પણ છે. માટે ભડલીવાક્યોને ‘બ્રહ્મવાક્ય’ સમજવાને બદલે સંશોધનની સીડીનું એક આવકાર્ય પગથિયું માનીને એના પર ચડવું જોઈએ. દર વર્ષે પ્રાચિન વર્ષાવિજ્ઞાનના શાસ્ત્રોક્ત નિષ્ણાંતો પરિસંવાદો કરીને આગાહીઓ કરે છે. પણ એમાં પણ ઘણા બધા પ્રશ્નો સામે આવે છે. આ બધી આગાહીઓ શા માટે આટલી વિરોધાભાસી હોય છે ? બધાની આગાહી એકસરખી કેમ નથી હોતી ? આ આગાહીઓ કેમ હરહંમેશ સાચી નથી પડતી ? અને જો એ સદાકાળ સાચી ન હોય તો પછી એ વિજ્ઞાન શાનું ? અલબત્ત, વરસાદી આગાહીઓમાં ભૂલો તો હવામાનખાતું પણ કરે છે પરંતુ, અહીં મહત્વનો તફાવત એ છે કે શુઘ્ધ વિજ્ઞાન પોતે શું નથી જાણતું, એ બાબતે ક્લીઅર છે. એટલું જ નહી, પોતાની મર્યાદા તત્કાળ સ્વીકારીને એ દિશામાં પ્રયત્નો કરવા એ સતત તત્પર હોય છે. વિજ્ઞાન એટલે સર્વજ્ઞાન નહી, પણ સર્વજ્ઞાન અંગેની નમ્ર સાધના..સર્વજ્ઞાન અંગેનું માનવસહજ કૂતૂહલ!

પણ આપણે ત્યાં ઘણા કહેવાતા વિજ્ઞાનમહર્ષિઓ પણ વિજ્ઞાનને પુરૂં જાણ્યા-સમજ્યા વિના એના નામે ફાંકા ઠોક્યે રાખે છે. અને  પર્યાવરણપ્રેમીઓ વિજ્ઞાનનો હવાલો ટાંકીને જનતાને દબડાવે છે!  ભલા માણસ, વૃક્ષોનું નિકંદન કાઢી નાખો, પછી વરસાદ ક્યાંથી આવે? હવે વૃક્ષારોપણ અને જંગલસંરક્ષણ બહુ જ સારી અને સાચી વાત છે. એના અનેક ફાયદાઓ છે. માનવજાતના અસ્તિત્વ માટે હરિયાળી સૃષ્ટિનો વિકાસ અને જાળવણી અનિવાર્ય છે, એમાં બેમત નથી. પણ નર્સરી, વૃક્ષો ન હોવાથી વરસાદ ન આવે, એ કલ્પના વૈજ્ઞાનિક સત્ય નથી. આવી જ વાત વધતા પ્રદુષણને લીધે બદલાતી ૠતુઓ કે ગોટાળે ચડતા વરસાદની છે. જેને આપણે સૌ બ્લોબલ વૉર્મિંગ કહીએ છીએ. પ્રદુષણના અપરંપાર ગેરફાયદાઓ છે. 21મી સદીના ખલનાયક નંબર વન એવા પ્રદૂષણની ભયંકર અસરો અને આડઅસરો છે. પણ પ્રદૂષણને પણ વરસાદના આવવા-ન આવવા સાથે કોઇ એકને એક બે જેવો સીધો સંબંધ નથી.વાસ્તવિકતા એ છે કે જ્યાં વઘુ વૃક્ષો હોય, ત્યાં જ વરસાદ આવે એવું નથી. વાસ્તવમાં તો જ્યાં વરસાદ વઘુ આવતો હોય, ત્યાં વઘુ વૃક્ષો વિકસે છે. માટે ગુજરાતનો ઘણોખરો પ્રદેશ કોરોકટ દેખાતો હોય તો એનું કારણ વૃક્ષોનો અભાવ નથી, વરસાદનો અભાવ છે. જો વરસાદનું પ્રમાણ વૃક્ષોના જથ્થા પર જ આધારિત હોત, તો પછી ગુજરાતમાં ચોમાસાની હાલત બદલાતી કેમ રહે છે ? વૃક્ષોની સંખ્યા પ્રતિવર્ષ એ જ રહે છે. બલ્કે દિન પ્રતિદિન ઘટતી જાય છે. છતાંય અમુક વખતે જોરદાર વરસાદ આવે છે, તો આવે જ છે. અમુક વખતે છાંટો ય નથી પડતો, તો નથી જ પડતો.

એ જ રીતે પ્રદૂષણ, ગંદકી, કચરો, ઉદ્યોગો ઇત્યાદિ પણ સીધી રીતે વરસાદનો જથ્થો કે વરસાદી કલાકો નક્કી કરતો નથી. જો એવું હોત, તો બેફામ પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક દેશો અમેરિકા, ફ્રાન્સ વગેરેમાં વરસાદ પડતો જ બંધ થઇ ગયો હોત. એને બદલે દાયકાઓ લાંબો દુકાળ તો ઔદ્યોગિક પ્રગતિમાં તદ્દન પછાત એવા આફ્રિકાના સોમાલિયા કે ઇથોપિયામાં પડે છે. પ્રદૂષણની અસર વરસાદની ગુણવત્તા પર પડે છે. ‘એસિડ રેઇન’ યાને તેજાબનો ‘રાસાયણિક વરસાદ’ તેનું જાણીતું દ્રષ્ટાંત છે. પણ એની કોઇ પ્રત્યક્ષ અસર વરસાદના પ્રમાણ કે જથ્થા પર સર્વાનુમતે સાબિત થઇ નથી. વૃક્ષ કે પ્રદૂષણની સારી-નરસી પરોક્ષ અસરો વરસાદ પર છે. સામાન્ય રીતે જમીન કરતાં સમુદ્ર પર થતી બાષ્પીભવનની પ્રક્રિયા સિરસ (સફેદ વાદળો)થી લઇને ક્યુમ્યુલસ કે નિમ્બસ (કાળા- સફેદ ઘટાટોપ વર્ષા વાદળો)નું ઘડતર કરે છે પણ એ પ્રક્રિયા શિયાળા-ઉનાળામાં થાય, એ અગાઉ જ બેહિસાબ વૃક્ષોના ડાળ, પાંદડા કે થડમાં વરસાદથી વધેલો ભેજ બાષ્પીભવન પામીને વાતાવરણમાં ભેજ વધારે છે. માટે એક જગ્યાએ વૃક્ષો વઘુ હોય, તો કોઇ બીજી જ દૂરની જગ્યાએ વરસાદની શકયતા વધે ખરી, પણ વરસાદ અંગેની આપણી પ્રાર્થનાઓ-સાધનાઓ તો આપણા માટેની છે. આપણો કથિત ધાર્મિક દેશ પોતાના માટે વરસાદ મેળવવા વલખાં મારી આવા ક્રિયાકાંડો કરે છે. પારકાનું ભલું કરવા માટે વૃક્ષો વધારવાનું નિઃસ્વાર્થ લોજીક એના ‘પૂણ્યશાળી’ આત્માને કયાંથી પચે?  એને તો હજુ પોતાના ભલા માટે ય વૃક્ષો વધારવાનું ભાન પડતું નથી.

એ જ રીતે પ્રદૂષણ- ધીમા ગાળે ‘ગ્રીનહાઉસ ઇફેકટ’ જેવી પ્રક્રિયા થકી સમુદ્ર સપાટી કે વાતાવરણના તાપમાનને ઉંઘુંચત્તું કરી નાખે, ત્યારે કુદરતી ૠતુચક્ર અસંતુલિત થઇને ઠંડી અને ગરમ હવાના નિરંતર પ્રવાહોને ખોરવી નાખે એવું બને. હજુ આ અસરો અંગે એકમત નથી, પણ આબોહવાનું વિજ્ઞાન જાણનાર દરેક જાણે છે કે વરસાદ કંઇ ઘુમ્મસની જેમ સ્થાનિક સ્તરે થતી પ્રક્રિયા નથી. આ વર્ષના વરસાદનો પિંડ અગાઉથી જ બંધાઈ ચૂક્યો હોય છે. એક ચોમાસું પુરૂં થાય ત્યાં જ બીજા ચોમાસાના વાદળા બંધાવા લાગે છે. પછી હવામાનના ચાકડે ચડીને આ વાદળો અવનવા પ્રવાસો ખેડે છે. એનો ભેજ ભારે બનતા એ નીચે આવે છે, અને એના આયનો અસ્થિર બને, ત્યારે ઠંડી ગરમ હવાના વધતા–ઘટતા દબાણને લીધે એમાંના જળબિંદુઓ વર્ષાબિંદુ બનીને ક્રમશઃ પોતાનું કદ વધારતા વરસી પડે છે.

આ પ્રક્રિયામાં સ્થાનિક વાતાવરણ અને તાપમાન, પવનની ઝડપ, ઉંચાઈ-નીચાઈના અવરોધો, પહાડો, ભેજ વગેરે પરિબળો ભાગ ભજવીને વાદળને નીચોવે છે. ક્યારેક આવા વાદળને ઠારવા રસાયણોનો છંટકાવ કરીને કૃત્રિમ વરસાદ મેળવાય છે. પણ એ માટે ય વાદળોની યોગ્ય હાજરી જરૂરી છે. વળી  ‘સારા વરસાદ’ ની વ્યાખ્યા કેવળ વરસેલા પાણી પર નહિ, પણ એ વરસવાના વેગ અને ચોક્કસ સમયાંતરે વરસવાના દિવસો પર પણ આધારિત છે. માટે આજના વરસાદની બ્લુપ્રિન્ટ ‘આજે’ નહિ, પણ ‘ગઈકાલે’ બની હોય – અને એ કુદરતી પ્રક્રિયાને નાથવા કે સમજવાનું ગજું મનુષ્યના કાબૂ બહાર હોય. ત્યારે વર્તમાનમાં એ માટેની કાગારોળથી વરસાદનું ભવિષ્ય બદલવું મુશ્કેલ છે. આ વાત અટપટી છે, પણ સત્ય કાંઈ હંમેશા સરળ ન હોય. ખરેખર તો આવા તથ્યોની જટિલતામાં ઉંડા ઉતરવા ન માંગતા લોકો ગ્રહો, પ્રાર્થના, પૂજા જેવો સહેલો પલાયનવાદ પસંદ કરે છે.  રહી વાત કળિયુગના વધતા જતા પાપને લીધે બદલાતી મોસમની! આ સૃષ્ટિનો ઉદ્‌ભવ જ પ્રચંડ પ્રલયમાંથી થયો છે. સેંકડો વર્ષ સુધી આ પૃથ્વી પર એકધારા ઝનૂની વરસાદ અને આગ ઓકતા જ્વાળામુખીનું તોફાની તાંડવ સર્જાયુ – એમાંથી જ જીવની ઉત્પત્તિ થઈ. વરસાદ જ નહિ, ધરતીકંપથી વાવાઝોડાં સુધીની અસંખ્ય કુદરતી આફતો ભૂતકાળમાં માણસ ઘણું સંયમિત જીવન જીવતો ત્યારે પણ હતી. અરે,માણસનું આ ગ્રહ પર અસ્તિત્વ નહોતું થયું ત્યારેય હતી, એ ય આજથી વધુ વિકરાળ સ્વરૂપમાં. ત્યારે કોના પાપ વધી ગયેલા ? કતલખાનાઓ કે સેક્સ પાર્ટીઓ વધવાથી ૠતુચક્ર પ્રભાવિત થતું હોત, તો એમાં શિરમોર એવા પશ્ચિમી દેશો પર સતત કુદરતી કોપ ત્રાટકતો હોત અને એ તર્ક મુજબ તો દર વર્ષે વરસાદ ઘટવો જોઈએ, ભૂકંપ વધવો જોઈએ,  પણ એમ થતું નથી.

હકીકતમાં વરસાદનું એક આખું વિજ્ઞાન પહેલા હતું અને આજે પણ છે. હવામાન ખાતાની આગાહીઓ અને ઋતુચક્રને સમજવા હવામાન ઉપર અસર કરતા જે અનેક પરિબળો છે તેનો વ્યાપક અભ્યાસ સમગ્ર વર્ષ દરમિયાન  થાય છે. આ આખાયે અભ્યાસમાં અવલોકનો અને માહિતીનો સૌથી મોટો ફાળો હોય છે. વ્યાપક નિરિક્ષણો દ્વારા માણસો વડે મેળવાતી માહિતી ભેગી કરી તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે. જેમ જેમ વૈજ્ઞાનિક સાધનો જેવા કે ભેજ, તાપમાન, પવનની ગતિ અને દિશા, વગેરેને માપવાના સાધનો વધુ ચોક્કસ બને તેમ મેળવાતી માહિતી વધુ પ્રમાણમાં અને વધુ વિશ્વાસપાત્ર બને અને આગાહી વધુ સાચી કરી શકાય. વળી, ઉપગ્રહો દ્વારા માહિતી મેળવાય ત્યારે ધરતી પરથી જે પરિબળો ના માપી શકાતા હોય તે પણ માપી શકાય અને કમ્પુટર દ્વારા તે માહિતીનું ઝડપી અને સચોટ વિશ્લેષણ કરતા અનુમાનો વધુ સાચા પડે. આ બધું હોવા છતાં, મોસમની આગાહી ઘણી વખતે ખોટી કે અર્ધસત્ય થાય છે કારણ કે, દુનિયાભરના મોસમ કરતા આપણું હવામાન કે જે મોસમી પવનોથી નક્કી થાય છે તેમાં ઘણા વધુ અને ગુંચવણ ભર્યા પરિબળો અસર કરતા હોય છે. અને કેટલીક વખત ટેકનીકલ કે માનવીય મર્યાદાના કારણે તેનું સચોટતાભર્યું માપન શક્ય બનતું નથી. આમ છતાં હવે વધુ ચોક્કસ આગાહી થાય છે એટલો વૈજ્ઞાનિક વિકાસ તો થયો જ છે.

આમ, આખી ચર્ચાને અંતે એટલું કહી શકાય કે માણસ દિવસે દિવસે સંકુચિત અને સ્વકેન્દ્રી થતો જાય છે, એ વાત 24 કેરેટના સોના જેવી સાચી, પણ એને લીધે વરસાદમાં વધઘટ થાય છે એ ‘વાર્તા’  વાસ્તવિકતામાં ખોટી પાવલીને પણ લાયક નથી.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago