જનરલ પોસ્ટ

શ્વેતક્રાંતિ અને ગુજરાતની સહકારીતા

ભારત એ ગામડાઓનો દેશ છે. આપણા દેશમાં અંદાજે 60 – 70% વસ્તી ગામડાઓમાં રહે છે. ગ્રામીણ ભારતની મોટા ભાગની વસ્તી ખેતી, ખેત આધારિત મજુરી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. પશુપાલન એ હંમેશાથી ખેતીની સાથે સંકળાયેલા લોકોનો સહ-વ્યવસાય રહ્યો છે. ખેડૂતો માટે ખેતી કામમાં બળદ અને અન્ય પશુઓનો ઉપયોગ અને સાથે દૂધ અને દુધની બનાવટોની જરૂરીયાત પશુપાલનમાંથી પૂરી થતી અને થાય છે. આ ઉપરાંત પશુપાલનથી ખેતી માટે જૈવિક ખાતર મળે છે. આમ, ખેડૂતો પોતાની જરૂરિયાતો માટે પશુઓનો ઉછેર અને પાલન કરતા આવ્યા છે. વધુમાં ખેતીની આડ-પેદાશ એટલે કે ઘાસચારો ખેડૂત ઓછી મહેનત અને ઓછા ખર્ચે પોતાના ઉત્પાદનો સાથે ઉગાડે છે જેથી તેના માટે પશુઓનું ભરણપોષણ સરળ બને છે. ખેડૂતો પશુ ઉછેર કરે છે ઉપરાંત ખેત મજુરો અને કેટલાક માત્ર પશુ ઉછેરનો જ વ્યવસાય કરતા લોકો પણ ગામડામાં વસે છે.

પશુપાલન એ ગામડાના લોકો માટે સહ-વ્યવસાય હોય કે મુખ્ય વ્યવસાય હોય પરંતુ, તેની ઉપજનું બજાર ગામડામાં હોતું નથી. ગામડાના અશિક્ષિત કે અલ્પ-શિક્ષિત લોકો શહેરમાં પોતાના ઉત્પાદન વેચી શકે તેટલો જથ્થો તેમની પાસે હોતો નથી. આમ, પશુપાલનના વ્યવસાયમાં માર્કેટિંગ સૌથી મોટો પ્રશ્ન રહે છે. આમ, સરવાળે અસંગઠિત એવા પશુપાલકોનું શોષણ થવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે. પશુ પાલકો પાસે વંશાનુગત રીતે પાળેલા પોતાના પશુઓ હોવાથી સુધારેલી ઓલાદના પશુઓ મેળવવા પણ મુશ્કેલ હોય છે. આમ, પશુપાલનના વ્યવસાયમાં અસંગઠિત ઉત્પાદક પ્રમાણમાં ઓછું ઉત્પાદન, બજારથી દુરી અને સુધારેલી કે વધુ ઉત્પાદન આપતી પશુઓની જાતો મેળવવાની મુશ્કેલી એ સૌથી મોટી અડચણ કે પ્રતિકુળતાઓ છે.

ભારતના લાખો ગામડાઓમાં વસતા કરોડો પશુપાલકોનું જીવનસ્તર ઊંચું આવે, શહેરી વસ્તી સહીત સહુને દૂધ અને દુધની બનાવટો સરળતાથી અને વ્યાજબી ભાવે મળી રહે, દેશનું દૂધ ઉત્પાદન વધે તેમજ વચેટીયાઓ દ્વારા પશુપાલકોનું શોષણ અટકાવી શકાય એવા ઉદ્દેશ સાથે ભારતમાં ઓપરેશન ફ્લડ નામે દુધ ઉત્પાદન વધારવાની એક સુવ્યવસ્થિત યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી. આ એ સમય હતો જ્યારે આણંદમાં સહકારી ડેરીની સ્થાપના થઈ ચૂકેલી હતી. તત્કાલિન વડાપ્રધાન શ્રી લાલ બહાદૂર શાસ્ત્રીએ આણંદ ડેરીની કામગીરી અને તેના સંભવિત પરિણામોથી પ્રભાવિત થઈ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ની આણંદમાં જ સ્થાપના કરી તે અંગે કાર્યવાહીની જવાબદારી ડૉ.વર્ગીસ કુરિયનને શિરે સોંપવામાં આવી અને ત્યારબાદ સહકારી રીતે દૂધ ઉત્પાદન, દૂધમાંથી દૂધની બનાવટોનું નિર્માણ અને તે તમામની વિતરણ વ્યવસ્થા અંગે તબક્કાવાર જે કાર્યવાહી થઈ તે “ઓપરેશન ફ્લડ” એટલે કે શ્વેતક્રાંતિ ગણાય છે. આ આખી યોજનાનો અમલ કરી તેને સફળ બનાવવા પાછળ ડૉ.કુરિયનનું અમૂલ્ય યોગદાન છે અને તેથી જ તેમને ભારતની શ્વેતક્રાંતિના જનક પણ કહેવાય છે.

દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા ઉપરોક્ત તમામ પરિબળો તેમજ તત્કાલિન ભારતમાં ઝડપથી વધતા જતા શહેરીકરણને કારણે શહેરોમાં દૂધ અને દૂધની બનાવટોની ઉપલબ્ધતા વ્યવહારુ બનાવવા સહિતના હેતુઓ સાથે ઓપરેશન ફ્લડ કુલ ત્રણ તબક્કામાં અમલી બનાવાયું. આપણા આ અભ્યાસમાં ગુજરાત અને શ્વેતક્રાંતિના ગ્રામીણ ગુજરાતી પ્રજા ઉપરના પ્રભાવને જાણવો સૌથી વધુ રસપ્રદ હોવાથી અહી મુખ્યત્વે ગુજરાતની પરિસ્થિતિના સંદર્ભે વિગતવાર ચર્ચા કરેલ છે. પ્રથમ તબક્કા (1970-80)માં તત્કાલિન યુરોપિયન ઈકોનોમિક કમ્યુનિટિ (હાલનું યુરોપિયન યુનિયન)ના સહયોગથી ભારતના મહાનગરોમાં દૂધ અને દૂધની બનાવટોના વિતરણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી. જે અંતર્ગત ચાર મહાનગરો (દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ)માં મધર ડેરીની સ્થાપના કરવામાં આવી. બીજો તબક્કા (1981-85)માં ગ્રામીણ ભારતમાં સહકારી ડેરીઓની સંખ્યા વધારવા તથા દૂધમાંથી દૂધનો પાઉડર બનાવવાને મહત્વ આપવામાં આવ્યું. અંતિમ અને ત્રીજા તબક્કા (1985-96)માં આ પ્રવૃત્તિનો વ્યાપ વધારી સમગ્રતય ફેલાવો કરી સુધારેલી ઓલાદના પશુઓની સંખ્યા વધારવી તથા પશુચિકિત્સા અને સંલગ્ન સગવડો ઊભી કરવાના ધ્યેય સાથે કાર્યક્રમ પૂરો થયો. સમયાંતરે વિશ્વબૅન્કની નાણાકીય સહાય અને લોન પણ લેવી પડી પરંતુ ત્રણ તબક્કાને અંતે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનેલ છે. શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં દૂધ અને દૂધની બનાવટો સરળતાથી ઉપલબ્ધ બની છે. તેમજ ગ્રામીણ દૂધ ઉત્પાદકોને વેચાણ અંગેની ચિંતામાંથી સમૂળગી મુક્તિ મળેલ છે. આ આખા કાર્યક્રમ દરમિયાન ભારતની પરંપરાગત પશુઓલાદોનું અગત્ય ઘટવા જેવી વિપરિત અસરો પણ થયેલ છે પણ સમગ્ર રીતે જોતાં આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે.

શ્વેતક્રાંતિની સમગ્ર દેશ ઉપરની અસરો વ્યાપક છે અને આખી દુનિયા દ્વારા આ કાર્યક્રમ ખૂબ વખણાયો છે. ગ્રામીણ વિસ્તારમાં અશિક્ષિત અથવા અર્ધશિક્ષિત બિનકુશળ લોકો દ્વારા થતી પ્રવૃત્તિમાં પણ સહકારીતા અને વ્યાવસાયિક કૂશળતાનો સમન્વય કરી આશ્ચર્યજનક પરિણામો મેળવવામાં આવ્યા છે. આજે ખેત-ઉત્પાદનો માટે બજાર વ્યવસ્થા, વચોટિયાઓની સંગ્રહખોરી તેમજ નફાખોરી અને ખાદ્યચીજોના ભાવ નિયંત્રણમાં સમગ્ર સરકારી તંત્રની અક્ષમતા જેવા અને કદાચ તેથી વધારે વ્યાપક પ્રતિકૂળતાઓના માહોલમાં પણ શ્વેતક્રાંતિ દ્વારા આ ક્ષેત્રે જે પરિણામો મળ્યા છે તે ખરેખર અદભુત છે. ખાસ કરીને ગુજરાતમાં ગામે-ગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની સ્થાપના તેમજ તેનું પ્રમાણમાં પ્રસંશનીય સંચાલન એ ગ્રામીણ ગુજરાતના અર્થતંત્રનો પાયો બન્યું છે. આજે મોટેભાગે ખેડૂતોને ખેતીના કામમાં કરવાનું થતું રોકાણ, દૈનિક જરૂરિયાતનો ખર્ચ અને શિક્ષણ કે સ્વાસ્થ્ય વગેરેનો ખર્ચ પણ આ પ્રવૃત્તિમાંથી નભે છે. સમગ્ર દેશમાં સ્થિતિ જે હોય તે પરંતુ આ પ્રવૃત્તિના કારણે ગ્રામીણ ગુજરાતમાં આર્થિક ઉત્પાદનોમાં મહિલાઓની ભાગીદારી અને સમાજ દ્વારા તેની સ્વીકૃતિ અને ઓળખ સુનિશ્ચિત થઈ છે. વર્તમાનમાં મહિલા દૂધ મંડળીઓની સ્થાપના તેમજ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા આધુનિક સાધનો જેવા કે મિલ્કિંગ મશીન વગેરેનો ઉપયોગ પણ વધ્યો છે. સમય સાથે વધુ સારી રીતે આ વ્યવસાયનો વિકાસ થયો છે. સાથે-સાથે રાજ્ય અને દેશના શહેરી વિસ્તારોમાં દૂધ અને દૂધની બનાવટોની પ્રાપ્યતા સરળ થવા છતાં ભાવ નિયંત્રણના પ્રશ્નો ઉદભવ્યા નથી. વળી, દેશની જરૂરિયાતો પૂરી કરી મોટાપાયે દૂધની બનાવટોની નિકાસ પણ શક્ય બની છે.

કોઈપણ પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પણ સમય સાથે જરૂરી બદલાવ ન આવે તો તેમાં દૂષણો પ્રવેશે છે. ગુજરાતમાં સહકારી દૂધ મંડળીઓનું વ્યવસ્થાપન કંઈક એવું છે કે સૌથી કેંદ્ર સ્થાને રાજ્ય સહકારી મંડળી કે જેના સભ્યો જિલ્લા સહકારી દૂધ સંઘો છે અને આ જિલ્લા સહકારી દૂધ સંઘો ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા રચાયેલ છે. પ્રત્યેક ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે તે ગામના દૂધ ઉત્પાદકો સભ્યો છે. આમ, માત્ર માસ પ્રોડક્શન જ નહી પ્રોડક્શન બાય માસ ના સિદ્ધાંત અનુસાર આ પ્રવૃત્તિ ચાલે છે. હાલમાં, જિલ્લા સહકારી દૂધ સંઘો અને તેના દ્વારા ગ્રામીણ દૂધ મંડળીઓમાં રાજકારણ અને ભ્રષ્ટાચાર ધીમે ધીમે વ્યાપક થવા લાગ્યો છે. નોકરી માટે વ્હાલા દવલાની નિતી, નાણાકીય લેવડ-દેવડ, ચૂંટણીમાં મત માટેનું રાજકારણ, જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત રાજ્ય સ્તરનું પક્ષીય રાજકારણ પણ હાવી થવા લાગ્યું છે. આજે આ આખી પ્રવૃત્તિ વિકાસ કરી રહી છે, ટર્ન ઓવર વધી રહ્યું છે, ગુજરાતના દૂધનું માત્ર વેચાણ જ નહિ પ્રોસેસિંગ પણ બહારના રાજ્યોમાં શરૂ થયું છે. આપણા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘો મોટી કંપનીઓ જેવા બની ગયા છે તે બધું જ સાચું પરંતુ તે કોના માટે અને કયા મૂળ ઉદ્દેશથી સ્થપાયા હતા અને તેનાથી થતા લાભો સ્થાપિત ઉદ્દેશની કેટલી નિકટ કે દૂર છે તે તપાસવાનો સમય આવી ગયો છે. શહેરી અને બોલકી વસ્તીને આ આખી પ્રવૃત્તિમાં અમૂલની બ્રાંડ અને તેના દ્વારા રાજ્ય અને દેશનું નામ રોશન કરવાની સારી અને દેખીતી બાબતો જ ધ્યાને આવશે પરંતુ સહકારીતાના આખા સિદ્ધાંત અને ખૂબ જ સફળ તથા એક અર્થમાં અંત્યોદયની જનક આ આખી પ્રવૃત્તિ હવે અંદરથી ખોખલી થઈ રહી છે. ગુજરાતમાં માત્ર ડેરી ઉદ્યોગ નહી સહકારીતાના સિદ્ધાંતથી ગ્રામીણ સેવા સહકારી મંડળીઓ અને તેના દ્વારા જીલ્લા સહકારી બૅન્ક અને અંતે રાજ્ય સહકારી બૅન્કનું ડેરી જેવું જ માળખું છે. સાથે સાથે જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘો અને રાજ્ય સહકારી ખરીદ-વેચાણ સંઘનું પણ માળખું છે. ઉપરાંત નાગરિક સહકારી બૅન્કો, કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ, નાની-મોટી સંસ્થાઓની કર્મચારીઓની સહકારી મંડળીઓ વગેરે જેવી અનેક સહકારી પ્રવૃત્તિઓ સમયાંતરે વિકાસ પામી અને કેટલીક બંધ પણ થઈ ગઈ છે.

આખા દેશમાં ગુજરાતની જેમ જ સહકારી પ્રવૃત્તિની શરૂઆત થયેલી જેમાં ખાંડ મિલો, ઈફકો, કૃભકો વગેરે જેવી કેટલીક સંસ્થાઓને બાદ કરતાં ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય કોઈ જગ્યાએ તેનાથી ઇચ્છિત પરિણામો લાંબો સમય મળ્યા નથી. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો ફેલાવો અને સફળતા ગુજરાતની પ્રજાના સ્વભાવ, ખમીર અને દૂરંદેશી આગેવાનોની દેણ છે. અહીં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ત્રિભૂવનદાસ પટેલ જેવા નામી આગેવાનોથી લઈ ગુજરાતના ગામડામાં વહેલી સવારે દૂધ દોહવા ઉઠતી મહિલાઓ સહિત અનેક અનામી લોકોના લોહીના સિંચનથી સફળતા મળી છે. સમય બદલાયો છે, મુક્ત બજારનું અર્થતંત્ર સ્વીકાર્ય બન્યું છે, સહકારી પ્રવૃત્તિઓમાં સરકારની દખલ ખૂબ વધી છે તેવામાં આખા દેશની જેમ આપણે ત્યાં પણ સહકારી પ્રવૃત્તિ અધોગતિ તરફ ન ધકેલાય તે જોવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

Recent Posts

Understanding Standard Form of Numbers: An Explanation With Examples

Through the standard form offers different advantages in mathematical calculations and scientific notation. Firstly, it…

5 months ago

How to deal with stress and anxiety in college

Introduction Stress is a feeling caused by an external trigger that makes us frustrated, such…

6 months ago

Why is Sociology Important These Days?

Sociology is a broad discipline that examines societal issues. It looks at the meaningful patterns…

6 months ago

How to Convert Inches to mm

Some info about Inch Inches are a unique measure that persuades us that even the…

8 months ago

Antilogarithms – Definition, Methods, and Examples

You should be familiar with logarithms to understand antilogarithms in a better manner. Logarithms involve…

10 months ago

नाटककार सुरेंद्र वर्मा

यहां "नाटककार सुरेंद्र वर्मा" पुस्तक की पीडीएफ विद्यार्थी, शोधार्थी और जो इसका अभ्यास के लिए…

10 months ago