Press "Enter" to skip to content

73 મો બંધારણીય સુધારો (વ્યાપક પંચાયતીરાજ)

Gaurav Chaudhry 0

64 મો અને 73 મો બંધારણીય સુધારો

73 મો બંધારણીય સુધારો (પંચાયતીરાજ) એટલે 64મા સુધારાનું સ્વીકારાયેલ સ્વરૂપ.

મિત્રો આ અગાઉના બ્લોગ (લેખ)મા  આપણે ભારતીય બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઈઓ તેમજ નગરપાલિકાની સંરચના, તેના ઉદ્દેશો અને કાર્યપ્રણાલીની ચર્ચા કરી.

આજે આપણે પંચાયતીરાજ અંગેના ભારતીય બંધારણમાં ઉલ્લેખીત 64મા બંધારણીય સુધારાનો અભ્યાસ કરીશું.

ઈ.સ. 1989માં તત્કાલિન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી દ્વારા 64 મો બંધારણીય સુધારો અનુચ્છેદ 368 હેઠળ સંસદમાં રજૂ કરવામાં આવ્યો.

આ ખરડાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી.

 • તમામ રાજ્યોમાં ત્રીસ્તરીય પંચાયતીરાજની સ્થાપના કરવી.
 • સીધી ચુંટણીથી તમામ બેઠકો ભરવી.
 • અનુસુચુત જાતિ જનજાતિ માટે વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો રાખવી.
 • સ્ત્રીઓ માટે 30% બેઠકો અનામત રાખવી.
 • પંચાયતોની મુદત પાંચ વર્ષની હોવી જોઈએ. અને જો તે સુપર સીડ થાય તો 6 મહિનામા નવી ચુંટણી કરવી.
 • દર પાંચ વર્ષે રાજ્ય નાણા પંચની નિમણૂક કરવી.
 • તમામ પંચાયતોની ચુંટણીનું સંચાલન ભારતના ચુંટણીપંચના નેજા હેઠળ થાય.
 • અને તમામ પંચાયતોના હિસાબનું ઑડિટ ભારતના કંટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (C.A.G) દ્વારા થાય.

પરંતુ રાજ્યસભામાં જરૂરી મત નહિ મળતાં તે નિરર્થક નિવડ્યો હતો.

ત્યાર પછીની સરકાર વિ.પી.સિંહ સરકારે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ ખરડો વિચારણામાં લેવાય તે પહેલાં લોકસભાનું વિસર્જન થતાં કાર્ય અટક્યું.

પી. વી. નરસિહરાવની સરકાર અને 73 મો બંધારણીય સુધારો:

નવેસરથી લોકભાની ચુંટણી થઈ તેમાં પી.વી.નરસિહરાવજી વડાપ્રધાન બન્યા.

તેમની સરકારે 64 મા બંધારણીય સુધારાની ખૂટતી બાબતો ઉમેરી 73 મો બંધારણીય સુધારો ઈ.સ. 1992માં સંસદના બંન્ને ગૃહોમાં પસાર કરાવ્યો.

જેના અનુસંધાને ભારતીય બંધારણનો 11મી  અનુસૂચી ઉમેરવામાં આવી.

11મી અનુસૂચીમાં અનુચ્છેદ 243 હેઠળ પંચાયતોના વહિવટ હેઠળ આવરી લેવાતાં વિષયો વિશે ચર્ચા આપણે અગાઉનાં લેખમાં કરેલ છે.

હવે, 73માં બંધારણીય સુધારાની જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું. જે નીચે મુજબ છે.

જોગવાઇઓ:

 • 20 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાં ત્રીસ્તરીય પંચાયતીરાજનું માળખું રચવામાં આવે.
 • ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની જોગવાઈ.
 • દરેક સ્તરે સભ્યોની સીધી ચુંટણી.
 • તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી તેમજ તેના અધ્યક્ષોની ચુંટણી ચુંટાયેલા સદસ્યો દ્વારા થાય.
 • અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના લોકો માટે વસ્તિના પ્રમાણમાં અનામત બેઠકોની જોગવાઈ.
 • ત્રણે સ્તરે સ્ત્રીઓ માટે 1/3 બેઠકોની અનામત.
 • પંચાયતના અધ્યક્ષપદો માટે અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના લોકો  (અનુચ્છેદ 338)  માટે વસ્તીના પ્રમાણમાં અને મહિલાઓ માટે ત્રીજા ભાગના હોદ્દાઓ અનામત રાખવાની જોગવાઈ કરેલ છે.
 • બધા જ પ્રકારની અનામત બેઠકો અને હોદ્દાઓ વારાફરથી ફરતા રહે.
 • ત્રણે સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચના.
 • પંચાયતોની મુદત પાંચવર્ષની  અને તે પહેલા નવી પંચાયતની ચુંટણી.
 • વિસર્જીત પંચાયતોની ચુંટણી 6 મહિનામાં અવશ્ય કરવી. અને આવી નવી પંચાયતની મુદત વિસર્જિત પંચાયતની બાકી રહેલી મુદત પૂરતી જ રહેશે.
 • પંચાયતોની સત્તા સોંપણી માટે વિષયની યાદી ભારતીય બંધારણની 11મી અનુસુચી ઉમેરાઈ.
 • પંચાયતોને કર અને ફી નાખવાની સત્તા.  આર્થિક સહાય માટે દર પાંચ વર્ષે નાણાંપંચની જોગવાઈ કરવી.
 • પંચાયતની ત્રણેય સ્તરની ચુંટણીનું સંચાલન તેમજ માર્ગ દર્શન રાજ્ય ચુંટણીપંચ કરશે.
 • પંચાયતોના હિસાબ અને ઑડિટિંગ જોગવાઈ વિધાનસભા કાયદો ઘડી કરશે.
 • તેમજ પંચાયતની મુદત તેની પહેલી બેઠકથી પાંચ વર્ષની ગણાશે.
 • આ ધારાની જોગવાઈઓ નાગાલેન્ડ, મેઘાલય-મિઝોરમ, મણિપુર રાજ્યના ડિસ્ટ્રીક કાઉન્સીલ ધરાવતા પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાને લાગુ પડશે નહિ.

મતાધિકાર, ઉમેદવારીની ઉમર અને અનામત :

73 મો બંધારણીય સુધારો પંચાયતી રાજની ખૂબ અગત્યની બાબતો એવી મતદારની અને ઉમેદવારની ઉમર અને અનામત અંગે પણ નીચે મુજબ સ્પષ્ટતા કરે છે.

દરેક સ્તરે મતાધિકાર 61માં બધારણીય સુધારા 1989 મુજબ 18 વર્ષની રહેશે. પરંતુ આ સુધારાથી સભ્ય પદની ચુંટણી માટેની ઉંમર 21 વર્ષની રહેશે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે 10% અનામત બેઠકો અને ગ્રામ સભાને વધુ સંગીન બનાવવા માટે વિધાનસભા કાયદાથી વધારે અધિકારોની સોંપણી કરશે.

જે જે-તે રાજ્યની વિધાનસભાને આધિન રહેશે.

વિભિન્ન રાજ્યોમાં પંચાયતી રાજની જોગવાઈઓ:

ભારતના વિભિન્ન રાજ્યોમાં રાજ્યની વિધાનસભાઓ દ્વારા જુદા જુદા સ્તરના  પંચાયતીરાજનો સ્વીકાર કરેલ છે. જે નીચે મુજબ છે.

આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અરુણાચલપ્રદેશ જેવા રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનો સ્વીકાર કરેલ છે. જેમાં સરપંચની ચુંટણી સીધી મતદારો દ્વારા જ થાય છે.

જ્યારે ગોવા, મણિપુર, સિક્કીમ, અંદમાન-નિકોબાર, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ, લક્ષ્યદ્વિપ, પુડ્ડુચેરી, અને જમ્મુ-કશ્મીરમાં દ્વિસ્તરીય પંચાયતીરાજની જોગવાઈ કરેલી છે. જેમાં સરપંચની ચુંટણી પંચાયતના ચુંટાયેલા સદસ્યો કરે છે.

જ્યારે નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોમાં પરંપરાગત કાઉન્સીલ હોય છે.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘નગરપાલિકાઓ – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ’ પણ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *