Press "Enter" to skip to content

શાળા અને શિક્ષણ – સોફ્ટ ટાર્ગેટ

Pankaj Patel 0

schools-soft-target

કાશ્મીરમાં સ્થિતિ સ્ફોટક છે. અલગતાવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓની કરતુતોના કારણે આશરે ત્રણ મહિનાથી ધરતી પરના સ્વર્ગમાં લોહીની હોળી ખેલાઈ રહી છે. કાશ્મીર પ્રશ્ન ઘણો જુનો છે અને એટલો જ પેચીદો પણ છે. લાગતાવળગતા સહુના એમાં સાચા-ખોટા, ટૂંકા અને લાંબા ગાળાના હિતો જોડાયેલા છે તેથી તરતમાં તેનો ઉકેલ આવે તેવું દેખાતું નથી. સરવાળે વેઠવાનું જનતાને આવે છે. એમાં પણ શાળા અને શિક્ષણની સ્થિતિને લગતા સમાચારો ખુબ વ્યથિત થવાય એવા છે.

અશાંતિગ્રસ્ત કાશ્મીરમાંથી એક સમાચાર થોડા દિવસોથી સતત આવે છે કે, શાળાઓ સળગાવવામાં આવે છે. શાળા એ તો જ્ઞાનનું મંદિર છે. શાળામાં સ્થાનિક બાળકો અભ્યાસ કરે છે અને કરવાના છે. બાળકોના અભ્યાસને રોકવા શાળા અને શિક્ષણ સંસ્થાઓ સળગાવવા જેવા કૃત્ય કરનાર કદી પ્રજાના હામી ના હોઈ શકે. સરકારે પરિક્ષા યોજવા અને શિક્ષણ કાર્ય શરુ કરવાની જાહેરાત કરતા જ આ જધન્ય ઘટનાઓ શરુ થઇ છે જેથી લોકોમાં ભય ફેલાય અને આતંકીઓનો મકસદ બર આવે. સરકાર પોતાની રીતે અને સ્થાનિક પ્રજા પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરશે અને તેનું નિરાકરણ પણ આવશે. અહી વિચારવા લાયક બાબત એ છે કે શાળા અને શિક્ષણ સંસ્થાઓ સોફ્ટ ટાર્ગેટ એટલે કે સરળ નિશાન કેમ બને છે?

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા પેશાવરની આર્મી સ્કુલમાં આતંકી હુમલો થયો હતો અને અનેક બાળકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં શાળાઓમાં ફાયરીંગના સમાચારો વાર-તહેવારે આવતા રહે છે. હમણાં ગૃહયુદ્ધથી અસરગ્રસ્ત અને ISIS સામે લડાઈ લડતા સિરિયામાં બળવાખોરોના કબજા હેઠળના એક શહેરમાં બોમ્બાર્ડિંગમાં એક શાળાને નિશાન બનાવવાના સમાચારો વૈશ્વિક ધોરણે ખુબ ચર્ચામાં છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તપાસ કરી યુદ્ધ અપરાધ હેઠળ કાર્યવાહી ચલાવવાની તૈયારી થઇ રહી છે. અશાંતિગ્રસ્ત ઈરાક અને સિરિયામાં આતંકીઓએ અનેક શાળાઓ તબાહ કરી દીધી છે, આમ, એક વાત સ્પષ્ટ છે કે દુનિયાભરમાં શાળાઓ તોડફોડ કરતા તત્વો માટે સહુથી સરળ નિશાન બને છે.

શાળાઓને નિશાન બનાવવા પાછળના કારણોની વિશદ ચર્ચા થવી જોઈએ અને તેનો નિકાલ લાવવો જોઈએ તેવી હંમેશા દલીલો થાય છે પણ નિરાકરણ આવતું નથી અને વ્યાપક નુકશાન થતું જ રહે છે. આજે અંતિમવાદી તત્વો પોતાનો ઉલ્લુ સીધો કરવા ગમે તે હદે જઈ શકે છે. આતંકીઓનો સહુથી મુખ્ય આશય ભય ફેલાવવાનો હોય છે. શાળા અને શિક્ષણ સંસ્થાઓમાં હુમલો કરવાથી મોટા પ્રમાણમાં ભય ફેલાય છે કારણ કે કોઈ પણ નાગરિક પોતાનો જીવ જોખમમાં મુકીને કોઈનો સામનો કરે પણ પોતાના બાળકો માટે હંમેશા સલામતી જરૂર શોધે. વધુમાં શાળા ઉપર હુમલો કરવામાં પ્રતિકાર થવાની શક્યતા સહુથી ઓછી હોય છે. બીજી અગત્યની બાબત એ છે કે, મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં અસામાન્ય પરિસ્થિતિમાં સામુહિક આશરા માટે શાળા એ સહુથી હાથવગી સવલત હોય છે. કાશ્મીરમાં સીમા પાર ગોળીબારી કે આતંકી હુમલાના સમયે ગામના બધા લોકોને એક સ્થળે ભેગા કરી ઓછા સૈન્ય બળથી પણ સલામતી પૂરી પાડવામાં આવે છે. આતંકીઓ ગામમાં જ સલામત આશરાની જગ્યા ઉડાવી દઈ લોકોમાં ભય ફેલાવી લોકોને હિજરત કરવા મજબુર કરવા માંગે છે. વળી, અંતિમવાદી મુસ્લિમ આતંકીઓ આધુનિક શિક્ષણના વિરોધી છે કારણ કે શિક્ષણ તેમના મધ્યયુગીન રૂઢીવાદી વિચારોના ફેલાવામાં અડચણરૂપ છે આથી પણ શાળાઓ આતંકીઓના પહેલા નિશાન ઉપર રહે છે.  

આ તો યુદ્ધ જેવી અથવા આતંકવાદી પરિસ્થિતિની વાત થઇ. હવે જ્યારે શહેરમાં કર્ફ્યું હોય, કોઈ આંદોલન હોય તો પણ શાળા અને શિક્ષણ સૌથી સોફ્ટ ટાર્ગેટ બને છે. સહુથી પહેલા શાળાઓ બંધ કરવાના હુકમો અપાય છે. કોઈ કુદરતી આપત્તિનો સમય હોય તો ય સહુથી પહેલા શાળાના મકાનો અસરગ્રસ્તો માટે ફાળવવામાં આવે છે અને જ્યાં સુધી તેમની અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહે છે. ક્યારેય સાંભળ્યું નથી કે પુર આવ્યું અને તેના અસરગ્રસ્તો માટે પંચાયત હાઉસ ફાળવાયું હોય કે કોઈ દવાખાનાનું મકાન કોમી હુલ્લડના અસરગ્રસ્તો માટે ખાલી કરાવાયું હોય. સ્વાસ્થ્ય કે પંચાયત ઘર એ આવશ્યક સેવાઓનો ભાગ છે તે સ્વીકારવા સાથે આપણે શિક્ષણને પણ આવશ્યક સેવા ક્યારે સ્વીકારીશું? કોઈ પણ અસહજ સ્થિતિ બનતા જ સહુથી પહેલો ભોગ શિક્ષણનો જ લેવાય છે.

માત્ર અસામાન્ય સ્થિતિમાં જ શાળાઓ બંધ રહે છે એમ નહી. વસ્તી ગણતરીની કામગીરી કરવાની હોય તો શિક્ષકોને ફરજ સોપાય છે. ચુંટણીની કામગીરી હોય તો જવાબદારી શિક્ષકોની, મતદાન મથક તરીકે શાળાનું મકાન વાપરવાનું, અરે, કેટલીક જગ્યાએ તો સપ્તાહ બેસાડવાની હોય તો શાળાના મકાનમાં, ગામના કોઈ પ્રતિષ્ઠિત માણસના ઘરે લગ્ન હોય તો જાનનો ઉતારો શાળામાં અને કોઈ મહેમાન રોકાવાના હોય તો ય શાળાના મકાનમાં વ્યવસ્થા કરાય. સરકારી અધિકારી ગામમાં રાત્રિ રોકાણ કરવાના હોય તો સાહેબ આવે અને ઉતારો શાળામાં કરે તથા બીજા દિવસે કામગીરી પૂરી કરીને જાય ત્યાં સુધી શિક્ષણ બંધ.સામાન્ય રીતે આપણે એક સમાજ તરીકે શિક્ષણને પ્રાથમિકતા આપતા નથી. કોઈ સગામાં લગ્ન કે પ્રસંગ હોય તો, બાળકની શાળા ચાલુ હોય તો પણ શિક્ષણના ભોગે વહેવાર સાચવવાની વૃત્તિ દેખાય છે. આપણે જાણીએ છીએ કે કેટલીક પરિસ્થિતિમાં શાળાના મકાનો સામુહિક જરૂરીયાત માટે વાપરવા પડે અને શિક્ષકો પણ સમાજનો ભાગ હોવાથી કેટલીક કામગીરી તેમની પાસે કરાવવી પડે. પણ અન્ય વ્યવસ્થા થઇ શકે ત્યાં સુધી શિક્ષણ સંસ્થાઓ કે કર્મચારીઓને શિક્ષણના ભોગે બાકીની કામગીરી ના સોપવી જોઈએ. શિક્ષણને સર્વોત્તમ પ્રાથમિકતા આપવી જોઈએ એટલું તો આ જમાનામાં સ્વીકારવું પડશે. કોઈ પણ કારણે શિક્ષણ અવરોધાય તો આજનું અને ભવિષ્યનું એમ બેવડું નુકશાન વેઠવું પડે છે. આતંકીઓ કે યુધ્ધખોરો શિક્ષણને મહત્વ આપે ના આપે, સમાજ અને સરકારે તો આપવું જ પડશે અને તો જ ભવિષ્ય ઉજ્જવળ બનશે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *