Press "Enter" to skip to content

ઇન્ટરનેટથી શિક્ષણ : આજની જરૂરિયાત

Pankaj Patel 0

ઇન્ટરનેટથી શિક્ષણ ને સમજવા થોડુક પાછળથી વિચારીએ. આપણે જાણીએ છીએ કે પરીવર્તન સંસારનો નિયમ છે. એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું. સમયાનુસાર તે ઉત્તમ પધ્ધતિ હતી. સમયના બદલાવ સાથે રીત બદલાતી ગઈ. ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત પહેલા સુધીમાં સમય મુજબ અપેક્ષિત બદલાવ લાવવામાં નિષ્ફળ રહેવાથી જનસમુહ વ્યાપક રીતે શિક્ષણથી વંચિત રહ્યો. એનો મતલબ એ નથી કે જ્ઞાનની ઉપાસના બંધ થઈ ગઇ પણ પ્રજાનો મોટો ભાગ શિક્ષણથી અળગો રહેવા લાગ્યો. આ એ સમય હતો કે જ્યારે ભારતમાં અનેક શોધો અને સંશોધનો પણ થયા અને જ્ઞાનના અનેક ક્ષેત્રે દુનિયા કરતાં આપણે આગળ હતા. પ્રશ્ન માત્ર એ હતો કે જ્ઞાન કેટલાક લોકો પૂરતું મર્યાદિત બની ગયું હતું. એ પછી તો, મુસ્લિમ શાસન ફેલાતા વધુ બદલાવ આવવા લાગ્યો. સમાજમાં ઊથલ પુથલના એ દૌરમાં શિક્ષણ કરતાં રાજ્યવિસ્તાર અને યુધ્ધ અગત્યનું ગણાયું. અને ત્યાર બાદ અંગ્રેજી શાસન સ્થાપિત થવાનું કારણ પણ કદાચ એ હોય કે રાષ્ટ્રીયતા, સાંસ્ક્રુતિક ચેતના, આજે ઘટતી ઘટનાઓની ભવિષ્યની અસરો અંગે જનસામાન્ય તો ઠીક કેટલાક રાજા મહારાજાઓને પણ ખબર ના પડી. અંદરો અંદરની લડાઈ, ઈર્ષા અને દ્વેષનો લાભ લઈ બ્રિટિશરોએ દેશને માત્ર લૂંટયો જ નહીં સામાજિક અને સાંસ્ક્રુતિક રીતે સદીઓ પાછળ લઈ ગયા.

આપણે આ બધુ ભોગવ્યું તેના અનેક કારણો હોઇ શકે અને છે. આમ છતાં, જનસામાન્યમાં શિક્ષણનો અભાવ અને વૈશ્વિક રીતે થતાં શૈક્ષણિક અને સામાજિક બદલાવોને આપણે યોગ્ય સમયે અપનાવ્યા નહીં એ કારણ સહુથી પ્રભાવી અને પાયાનું છે. અતિ પુરાણા સમયમાં બદલાવ ધીમા હતા તે સમયની સાથે ઝડપી બન્યા અને વર્તમાન સમય તો રોકેટ ગતિએ બદલાવ અને વિકાસનો છે. આપણે જાણીએ છીએ કે અનુભવીને સારી કે વધુ સમજણ હોય. પણ વર્તમાનમાં ટેકનૉલોજિ અથવા જીવન પદ્ધતિઓમાં એવા ફેરફારો આવ્યા છે કે બાળકો અને યુવાનો ઝડપથી અપડેટ થાય છે અને મોટેરા કદાચ ધીમેથી સમજે છે અને અમુક તો  ફેરફારને સમજી કે અપનાવી પણ શકતા નથી.

આપણી શિક્ષણ પદ્ધતિ અંગ્રેજોની કારકુન પેદા કરવા અપનાવેલી પદ્ધતિ છે. એમાં ફેરફાર થયા છે પણ થીગડા જેવા. અભ્યાસ આનંદ ને બદલે વેઠ બન્યો છે. માત્ર વિદ્યાર્થી નહીં પણ શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ઉમળકાથી કામ કરે એવું વાતાવરણ દેખાતું નથી. અપવાદો હોઈ શકે અને આવી વિપરીત પરિસ્થિમાં પણ કેટલીક સંસ્થાઓ કે બાળકો ઉત્કૃષ્ઠ દેખાવ કરે તે બિરદાવવા યોગ્ય છે પણ સામાન્ય પરિસ્થિતી ઉમદા નથી. બાળક પોતે શીખે અથવા જાણવાની જિજ્ઞાશા થાય એ સ્થિતિ આપણે રહેવા જ દીધી નથી. નવું શીખતા, રમત-ગમત કે વિશિષ્ટ યોગ્યતા માટે સમય ફાળવતા બાળકો પરીક્ષામાં ઓછા ગુણ મેળવે તો માતા-પિતા અને શિક્ષકો જ નહીં ઓળખીતા પણ તેને ટોકે છે. માર્કસની માયા એવી જાદુઇ રીતે ફેલાઈ છે કે વિરલા જ બચી શકે.

વિશ્વ બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ બદલાઈ ચૂક્યું છે. દુનિયામાં શીખવવાની જ્ગ્યાએ શીખવા દેવાની પદ્ધતિ આવી ગઈ છે. આપણા સમાજમાં આજે પણ મોબાઈલ કે ઇન્ટરનેટ પોર્નોગ્રાફી કે સોશિયલ મીડિયા પૂરતું સીમિત છે. શોધોના ઉપયોગ કરતાં દુરુપયોગ અને ફાયદા કરતાં ગેરફાયદા ઝડપથી ફેલાય છે અને આપણે ત્યાં એ વધુ તીવ્રતાથી અસરમાં આવે છે. ઇન્ટરનેટથી શિક્ષણ ની વાત તો દૂર રહી, ઈન્ટરનેટનો સકારત્મક ઉપયોગ કરવો અને બાળકોને તે તરફ વાળવાને બદલે તેમને ઇન્ટરનેટથી દૂર રાખવાના પણ ઘણા વાલીઓ પ્રયત્ન કરે છે. શાળાઓ મોબાઇલને પ્રતિબંધિત કરે છે. દરેકે વ્યવસ્થા જાળવવી જરૂરી છે, પણ વ્યવસ્થાની સાથે નવીન અને સકારાત્મક બદલાવને પણ પ્રોત્સાહિત કરવો પડશે.

આજના વિશ્વમાં online શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક છે. આપણે પણ તેને અપનાવવું પડશે. બાળકની રુચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઈંટરનેટથી આપી શકાય તેમ છે. સરકાર કે સમાજ અથવા પછી વ્યક્તિગત જે રીતે શક્ય હોય તે રીતે ઇન્ટરનેટથી  શિક્ષણનો ફેલાવો કરવાનો સમય છે. અપાર સાહિત્ય અને નવીન ટેક્નોલોજીથી શિક્ષણ માત્ર ઇન્ટરનેટથી જ શક્ય છે. રાત્રે બે વાગ્યે કોઈ પ્રકરણ મુજબનું નિષ્ણાતનું લેકચર માત્ર ઇન્ટરનેટથી જ પીરસી શકાય. વહેલી પરોઢે બાળક અભ્યાસ કરવા બેસે અને તેને કોઈ પ્રશ્ન થાય તો ઇન્ટરનેટથી  જ જવાબ શોધી શકાય. કોઈ સંસ્થા કે સરકાર ગમે ત્યાં અને ગમે તે વિષય ના શીખવી શકે પણ ઇન્ટરનેટ શીખવી શકે. વિદ્યાર્થીઓને દરિયામાથી મોતી શોધતા કરવા હોય તો નવી ટેકનૉલોજિ સાથે તેમણે જોડવા પડે. જ્ઞાન સાગરમાથી તેમની જરૂરનું શોધતા તેમને શીખવીશું તો બાકીની કમીઓ તે જાતે પૂરી લેશે.

ઇન્ટરનેટ ભારત જેવા વિશાળ દેશના શિક્ષણ માટે તો આશીર્વાદ બની શકે તેમ છે. વધુ શાળા મહાશાળાઓ ખોલવા કરતાં વધુ લોકોને નિષ્ણાતો સાથે ઈંટરનેટથી જોડવા સરળ છે. નિષ્ણાતો એક વખત લેકચર આપે તે અનેક વિદ્યાર્થી પોતાના સમયે અને સ્થળે જોઈ કે શીખી શકે તેમ કરવું સરળ છે. શહેરી અને ગ્રામીણ ભારતનો ભેદ મિટાવવો ઇન્ટરનેટથી આસન છે. પ્રશ્નોત્તર, online ટેસ્ટ વગેરે બાળકને જાતે તૈયારી કરતાં કરે છે. સરકાર તો UPSCની online પરિક્ષાની તૈયારી કરી રહી છે, પણ ભણતર ઓનલાઇન બને તે દિશામાં આપણે ધીમા છીએ.

ધોરણ 10 કે ધોરણ 12 એટલે બોર્ડ પરિક્ષાના વર્ષો હોય છે. અત્યંત તીવ્ર સ્પર્ધાના જમાનામાં બાળકો જાણે ચાર દીવાલો વચ્ચે કેદ થઈ જાય છે. શીખવા કરતાં ગોખવાના સ્પર્ધા વધી ગઈ છે. શું ભાષા કે શું વિજ્ઞાન, ગણિત હોય કે સામાજિક વિજ્ઞાન બધે ગોખણપટ્ટી અને અંતે, 70 કે 80% પરિણામ પણ ઠીક મારા ભાઈ ગણાય. સારા કે ગમતા અભ્યાસક્રમમાં તો 90% ય ઓછા પડે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા જરૂર છે ઇન્ટરનેટથી  શિક્ષણ ની.  સરકાર પણ પોતાની રીતે પ્રયત્ન કરે છે, છતાં, બદલાતા સમય મુજબ જડ તંત્રના ફેરફારો ધીમા પડે છે અને શિથિલ અમલીકરણ વધારાની મુશ્કેલીઓ ઊભી કરે છે. સાચો અને સકારાત્મક બદલાવ લાવવા તો જાગૃત નાગરિકો અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ એ કમર કસવી પડશે. નવીન ટેકનૉલોજિ અને બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવવા સમગ્ર સમાજે એક થવું પડશે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *