Press "Enter" to skip to content

ઈરાક યુદ્ધ નવા સંદર્ભે

Pankaj Patel 0

 

તાજેતરના દિવસોમાં ઈંગ્લેન્ડ એટલે કે ગ્રેટ બ્રિટનમાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાનો જનમત લેવાઈ ગયો. તેના સંદર્ભે ચાલું વડાપ્રધાન ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બ્રિટિશ ઈતિહાસની બીજી મહિલા વડાપ્રધાન તરીકે થેરેસા મે એ વહીવટ સંભાળી લીધો છે. આમ તો આ વિષય જ ચર્ચાનો મુદ્દો હોય તેમ છતાં એક અન્ય મુદ્દો એટલે કે ઈરાક યુદ્ધ અને સદ્દામ હુસ્સૈનનું પતન એ માત્ર લંડનમાં નહિ આખી દુનિયાના પાટનગરોનો ચર્ચાનો મુદ્દો બન્યો છે. આપણે આ મુદ્દે વર્તમાન વિશ્વમાં ફેલાયેલ આતંકવાદ અને ઈરાક યુદ્ધ સાથે તેના સંબંધ વિષે ચર્ચા કરીશું.

પશ્ચિમી વિશ્વ એટલે અમેરિકા અને તેના સહાયક દેશો હંમેશા આતંકવાદ, ગૃહયુદ્ધ, લોકશાહી જેવી બાબતોમાં બેવડા ધોરણો અપનાવે છે. તે આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાયેલું સત્ય છે. ઈરાક યુદ્ધ વખતે અમેરિકી પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન બુશ અને બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર તથા તેમની સાથે સાથી રાષ્ટ્રોએ જ્યારે ઈરાક ઉપર આક્રમણ કરવાની નોબત આવી ત્યારે ઈરાક એટલે કે તેના સરમુખત્યાર સદ્દામ હુસ્સૈન પાસે રાસાયણિક, જૈવિક અને સામુહિક વિનાશના હથિયારોનો મોટો સંગ્રહ હોવાનું કારણ રજૂ કરેલું. ઈરાક યુદ્ધની સમાપ્તિ પછી અથવા યુદ્ધ દરમિયાન આવા કહેવાતા સામૂહિક વિનાશના કોઈ હથિયારો મળ્યા નહોતા. બન્ને પક્ષે જાનમાલનું મોટું નુકસાન થયું અને મધ્ય-પૂર્વમાં એક સ્થાપિત અને મજબૂત સત્તા એટલે કે સદ્દામ હુસ્સૈનનો અંત આવ્યો. ક્રમશઃ પશ્ચિમી દેશોની સેનાઓ ઈરાક છોડીને પરત ફરી પરંતુ ના તો ઈરાકમાં શાંતિ સ્થપાઈ કે ના તો ઈરાકનું ક્ષેત્રિય સત્તા તરીકેનું પુનઃસ્થાપન થયું. હાલ લંડનમાં ચર્ચાને ચગડોળે ચડેલ બાબત એ છે કે ઈરાક યુદ્ધમાં ખોટી જાસૂસી બાતમીના આધારે આ યુદ્ધ કરવામાં આવેલ. વિશ્વભરના દેશોમાં તે સમયે ઈરાક ઉપર આક્રમન ન કરવા પ્રદર્શનો પણ થયેલા તેમ છતાં આ યુદ્ધ કરવામાં આવેલ અને તેના પરિણામે બ્રિટને કેટલાક સૈનિકોનો જીવ ખોવો પડ્યો. હવે તત્કાલીન વડાપ્રધાન ટોની બ્લેર સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયિક કામ ચલાવવાની માંગણી પણ થઈ રહી છે. આપણે સમજી શકીએ છીએ કે બ્રિટન કે અમેરિકાના કેટલાંક હજાર સૈનિકોના મૃત્યુ બાબતનો આ હોબાળો છે. પરંતુ ઈરાકમાં લાખો લોકો માર્યા ગયા તે પ્રત્યે માફીની ઔપચારિક માંગણી થવા છતાં હૃદયમાં દુઃખ હોય તેવું દેખાઈ આવતું નથી.

irak

અમેરિકાનો જગત જમાદાર તરીકે વિશ્વયુદ્ધથી શરૂ કરી છેલ્લે અફઘાનિસ્તાન, ઈરાક અને વર્તમાનમાં સિરિયામાં પણ ઈરાદો કે વર્તણૂક માત્ર અને માત્ર સ્વાર્થ પ્રેરિત હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. પશ્ચિમી દેશો પોતાના સ્વાર્થ ખાતર અન્ય રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપવામાં ક્યારેય ખચકાયા નથી, તે પણ સ્વયં સ્પષ્ટ છે. આમ છતાં હથિયારો અને ડૉલરના જોરે તેમણે સમગ્ર દુનિયામાં આજે જેનો કોઈ ઉકેલ ન મળે તેવો જટિલ અને વિશાળ એવો આતંકવાદનો રાક્ષસ માત્ર ઊભો જ નથી કર્યો પરંતુ તેને પોષણ આપી એટલે કે નાણા અને શસ્ત્રો પૂરા પાડી એવા તબક્કે પહોચાડ્યો છે કે હવે તેમની સાથે સાથે દુનિયાભરમાં કોઈ પાસે તેનો ઉકેલ નથી.

હવે, આજના વિશ્વના સૌથી મોટા દુશ્મન એવા ISIS ની વાત કરતા પહેલાં ઈરાક વિષે જાણવું જરૂરી છે. ઈરાક એ દુનિયાની પ્રાચિનતમ સંસ્કૃતિઓ પૈકી એક એટલે મેસેપોટેમિયાનો પ્રદેશ છે. બગદાદ મધ્ય યુગ અને તેના અગાઉ પણ વૈશ્વિક વ્યાપાર, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિકાસ અને સંવર્ધનનું કેન્દ્ર રહેલ છે. ઈરાક બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદના પતનથી સિયા, સુન્ની, કુર્દ વગેરે પ્રજાઓનો જુદો-જૂદો હિસ્સો ધરાવતા પ્રદેશોને સાંકળીને જાહેર થયેલો દેશ બન્યો. સદ્દામ હુસ્સૈનની સત્તા સ્થાપિત થતાં અન્ય અવગુણો હોવા છતાં ઈરાકમાં શાંતિ, વિકાસ અને સમગ્ર મધ્ય પૂર્વના એક ક્ષેત્રિય સત્તા તરીકે ઈરાક સ્થાપિત થયો. સદ્દામ હુસ્સૈન સુન્ની હોવા છતાં બહુમતી સિયા અને લઘુમતી કુર્દ પ્રજાને પણ પોતાની સાથે રાખવાની કુનેહના કારણે સમગ્ર ઈરાકના નેતા તરીકે ઉભરી આવ્યા. સાચા અર્થમાં પશ્ચિમી દેશોના આર્થિક અને ક્ષેત્રિય સત્તાના હિતો મજબૂત નેતાગીરીવાળા ઈરાકને કારણે જોખમાતાં ઈરાક યુદ્ધ થયું એમ કહીએ તો ખોટું નહિ.

હવે, ઈરાકમાંથી મજબૂત અને તમામ લોકો ઉપર પક્કડ ધરાવતાં સદ્દામ હુસ્સૈનની વિદાય બાદ પશ્ચિમી દેશોએ બહુમતી સિયાઓને સત્તા સોંપી પરંતુ સત્તા ઉપર આવેલ કોઈપણ સિયા નેતા લઘુમતી સુન્નિઓનો ના તો વિશ્વાસ જીતી શક્યા કે ના તો તેમને શરણે લાવી શક્યા. સદ્દામ હુસ્સૈનના સમયમાં લશ્કર અને સ્થાનિક વહીવટી તંત્રમાં સુન્નીઓ મોટા પ્રમાણમાં હતાં. જેમને નવી સત્તાએ દૂર કર્યા. એક પછી એક અસંતુષ્ટ અને સત્તાથી વિમુખ કરાયેલા સુન્ની લશ્કરી અને વહીવટી અધિકારીઓના રોષ અને અસંતોષનો ભરપૂર ફાયદો ઉઠાવી, તેમની લશ્કરી અને વહીવટી ક્ષમતાનો ઉપયોગ કરી સરવાળે ISISનું સર્જન થયું. કોઈપણ આતંકવાદી સંગઠન આટલી ઝડપે અને આટલા મોટા વિસ્તાર ઉપર સત્તા સ્થાપિત કરે તેવું શરૂઆતમાં કોઈ માનતું નહોતું. પરંતુ તે બન્યું અને જોતજોતામાં કેટલાક મહિનાઓમાં મધ્ય-પૂર્વના બે પ્રભાવશાળી દેશો ઈરાક અને સિરિયામાં એક સત્તા તરીકે ISIS ઉભરી આવ્યું. જેને અનેક દેશોની હવાઈ સેનાઓ જેમાં અમેરિકા અને રશિયા પણ સામેલ હોવા છતાં, આધુનિક હથિયારો અને વિનાશકારી બોમ્બમારાથી પણ રોકી શકી નહિ. ક્યારેક વિસ્તાર નાનો થાય તો વળી ક્યારેક મોટો પણ આ રાક્ષસી સંગઠનનો સંપૂર્ણ નાશ હજી સુધી થઈ શક્યો નથી.

irak1

ISIS એ કબજે કરેલા વિસ્તાર ઉપરાંત મધ્ય-પૂર્વના દેશોમાં યુવાનોને સમજાવી ફુસલાવી આ સંગઠને દુનિયાના તમામ દેશોમાં પોતાના સ્લિપિંગ સેલ ઉભા કર્યા છે. દુનિયાભરના દેશોમાંથી યુવાન અને શિક્ષિત આતંકવાદીઓની જાણે કે ભરતી કરવામાં આવે છે. જેના કારણે આ સંગઠનના મૂળિયા વૈશ્વિક સ્તરે ખૂબ ઊંડા ઉતરી ગયા છે. પેરિસ હૂમલો હોય કે અમેરિકામાં શૂટઆઉટ હોય, આજે ISIS માટે દુનિયાનો કોઈ દેશ અસ્પૃશ્ય નથી. સંરક્ષણ અને જાસૂસીની તમામ ટેકનોલોજી અને ક્ષમતા તેની સામે વામણી પૂરવાર થાય છે. સમગ્ર વિશ્વ આ વૈશ્વિક રાક્ષસથી ત્રસ્ત છે. દુનિયાભરના મુસ્લિમ દેશોમાં ISIS પ્રત્યે લોકોમાં તિરસ્કાર, સુગ અને રોષની લાગણી હોવા છતાં સામૂહિક રીતે તેની સામે લશ્કરી કાર્યવાહી કરવાની સંયુક્ત હિલચાલ દેખાતી નથી. સમગ્ર મધ્ય-પૂર્વ જાણે કે યુદ્ધનું મેદાન હોય તેમ નિર્દોષ નાગરિકો રોજેરોજ હણાયી રહ્યા છે. સાઉદી અરેબિયા અને તેના મળતિયા રાષ્ટ્રો પોતાનો સ્વાર્થ સાધવામાં પડેલ છે અને ભારત કે ચીન અત્યારે આ મુદ્દે શાહમૃગ વૃત્તિ ધારણ કરીને બેઠા છે. અમેરિકા કે રશિયાએ ગમે તેટલા યુદ્ધ વિમાનો મોકલ્યા હોય પણ કોઈ દેશ સેના મોકલવા તૈયાર નથી. આરબ રાષ્ટ્રોની એક આખી સંસ્કૃતિ વિનાશના આરે આવીને ઊભી છે. વિશ્વનો કોઈપણ દેશ આજે છાતી ઠોકીને નહિ કહી શકે કે આ વહાબી આતંકવાદ તેમના ત્યાં કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડે.

આટલી ચર્ચાને અંતે ચોક્કસતાથી સમજી શકીશું કે ઈરાક યુદ્ધ અને તેના પરિણામો આટલા વર્ષો પછી દુનિયાને કેટલા મોંઘા પડ્યા છે તેનો હવે પશ્ચિમી રાષ્ટ્રો વિચાર કરી બીજા કોઈ દેશ કે પ્રદેશમાં પોતાના સંકુચિત હિતો સાધવા જરૂર વગરનો ચંચુપાત ન કરે તો પણ ઘણું. બાકી હાલના તબક્કે ISISને શસ્ત્રોનું વેચાણ તેમજ તેમના ઉત્પાદિત ખનીજતેલને ખરીદીને તેની સૈન્ય અને આર્થિક ક્ષમતા જાળવી રાખવામાં કોઈ બીજી દુનિયાના દેશો જવાબદાર નથી. ઈરાન, ક્યુબા કે ઉત્તર કોરિયામાં જગત જમાદાર જેવા પ્રતિબંધોના ફતવા બહાર પાડે છે તેવો કોઈ રસ્તો ISIS માટે ન હોય તેમ માનવાનું કોઈ કારણ નથી. શાંતિપ્રિય મુસ્લિમો પણ હોય છે અને એક આખો ધર્મ કે વિશ્વમાં વસતા તેના કરોડો અનુયાયીઓ ક્યારેય આતંકવાદી ના હોઈ શકે પરંતુ આજે તો દરેક મુસ્લિમ શંકાની નજરે જોવાય છે જે કોઈપણ રીતે યોગ્ય નથી. ખરેખર જોવા જઈએ તો વૈશ્વિક આતંકવાદના વિસ્તરણમાં અલ-કાયદા, ISIS, મુસ્લિમ બ્રધરહૂડ, તાલીબાન વગેરેને કોઈને કોઈ તબક્કે વિકસિત રાષ્ટ્રોએ પોતાના સંકુચિત સ્વાર્થ માટે ક્યારેક ને ક્યારેક નાણાકીય અને શસ્ત્રોની સહાય કરી આ રાક્ષસને મજબૂત કરેલ છે અને તેના ફળ આજે સમગ્ર દુનિયા આજે ભોગવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *