Press "Enter" to skip to content

ઉમાશંકર જોષી

Pankaj Patel 0

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
માથે ધરું ધૂળ વસુંધરાની

ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી છે. ઉમાશંકર જેઠાલાલ જોષી એ ગાંધીયુગના એક અગ્રણી સાહિત્યકાર હતા અને તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના માત્ર જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર નહોતા પણ તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર  હતા.

ઉમાશંકર જોષીનો જન્મ 21 જુલાઈ 1911ના રોજ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતું. ઉમાશંકર જોષીનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામમાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. 1928માં ગુજરાત કોલેજ અમદાવાદથી એમણે મેટ્રિક કર્યું. અમદાવાદમાં B.A.નો અભ્યાસ કરી 1938માં મુંબઈની એલ્ફિન્ટન કૉલેજમાંથી M.A.નો અભ્યાસ કર્યો. તે દરમિયાન 1937 માં તેઓના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા. 1946 સુધી એમણે ગુજરાત વિદ્યાસભા અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપી. ત્યારબાદ 1947માં ‘સંસ્કૃતિ’ સામયિક શરૂ કરી તેના તંત્રી તરીકે સેવા આપી એમણે ગુજરાતી સાહિત્ય માટે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 1954માં ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી. ત્યારબાદ, 1952 થી 1981 સુધી ઉમાશંકર જોષીએ વિવિધ દેશોમાં વિવિધ નિયુક્ત પદે પોતાના કામની બાગડોર સફળ રીતે સંભાળી. લગભગ ચાલીસ વર્ષ (1947-1984) સુધી તેમણે ‘સંસ્કૃતિ’ સામયિકનું સંપાદન કર્યું. એમણે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટ હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની અનેક કૃતિઓના અનુવાદિત પુસ્તકો પણ પ્રગટ કર્યાં.

એક નાનકડા ગામડામાં જન્મેલા ઉમાશંકર જોષીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન તેમજ મેળાઓ અને ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી. વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો તેમજ સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધની વિષમતાના પડકારોને એક કવિ અથવા તો એમ કહી શકાય કે કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસા અને બધાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ અથવા આધાર રહ્યો છે. એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા રહ્યાં હતા.

ઉમાશંકર જોષી ગાંધીજીની આગેવાની હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ જોડાયાં હતા. 1929માં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓની 34 દિવસની હડતાલમાં જોડાઈને એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના સંઘર્ષની શરૂઆત કરી હતી. 1930માં વિરમગામમાં એક શિબિરમાં એમણે સત્યાગ્રહી તરીકે ભાગ લીધો અને એ પછી એમણે 14 અઠવાડિયા માટે જેલવાસની સજા પણ ભોગવી. ત્યારબાદ એમણે કરાંચીમાં યોજાયેલી કૉંગ્રેસની નેશનલ કૉન્ફરન્સમાં હાજરી આપી અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં રહ્યા. 1932માં ફરીથી એમણે 8 મહિના માટે જેલવાસ ભોગવ્યો અને આમ એમણે એક સાહિત્યકારની સાથે-સાથે એક સત્યાગ્રહી તરીકે પણ નોંધપાત્ર યોગદાન કર્યું છે.

ઉમાશંકર જોષીના ‘નિશિથ’ કાવ્યસંગ્રહને ખૂબ જ પ્રસિદ્ધિ મળેલી અને જેના માટે એમને જ્ઞાનપીઠ પારિતોષિક પણ મળેલો. તે સિવાય ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘મહાપ્રસ્થાન’, ‘અભિજ્ઞ’, ‘સાતપદ’ વગેરે એમના કાવ્યસંગહો છે. ‘સાપના ભારા’ અને ‘હવેલી’ જેવા એકાંકી-નાટકો પણ ઉમાશંકર જોષીએ રચ્યા છે. ઉમાશંકર જોષીના વાર્તાસંગહોમાં ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’નો સમાવેશ થાય છે. ઉમાશંકર જોષીએ ‘શાકુંતલ’ અને ‘ઉત્તમ રામચરિત’નું અનુવાદ પણ કર્યું હતું. તે સિવાય એમણે નિબંધ, વિવેચન અને બાળગીત જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હતું. ગુજરાતી ભાષાના આ મહાન કવિએ એમનાં કાવ્યો દ્વારા શબ્દોમાં કેટલી શક્તિ રહેલી છે એનો પરચો સૌને કરાવ્યો છે.

ઉમાશંકર જોષીને એમના જીવનકાળ દરમિયાન ઘણાબધાં સાહિત્ય ક્ષેત્રના અને અન્ય પારિતોષિકથી સન્માવવામાં આવ્યા હતાં. 1967 માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામા આવ્યા. જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પારિતોષિક જેવા મુખ્ય સન્માનો ઉપરાંત તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે જેવા અનેક પારિતોષિકથી સન્માવવામાં આવ્યા હતાં.

ઉમાશંકર જોષી પોતાને ગુજરાતી સાહિત્યકાર કરતાં ‘ગુજરાતીમાં લખતા એક ભારતીય સાહિત્યકાર’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતા. એમણે ‘સમગ્ર કવિતા’ સંગ્રહની ‘આત્મની માતૃભાષા’ નામે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે, “ગામેથી શબ્દ લઈને હું નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં – એટલે કે, વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો, ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ.”

19 ડિસેમ્બર 1988ના રોજ મુંબઈ ખાતે 77 વર્ષની વયે કૅન્સરથી એમનું દુ:ખદ અવસાન થયું હતું .

Leave a Reply

Your email address will not be published.