Press "Enter" to skip to content

કિશોરલાલ મશરૂવાળા – ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહામાત્ર

Pankaj Patel 0
કિશોરલાલ મશરૂવાળા

મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨) : ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ. ત્યાં હિંદી તથા ઉર્દૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯ માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. ૧૯૧૩ માં એલએલ.બી. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭ થી ૧૯૧૯ સુધી શિક્ષક. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર. આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીનો પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાઓના પરિપાકરૂપે સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદ્રષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્તે ચકાસી, તેમાંથી જીવનોત્કર્ષ સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશક્તિનો ઉદય થયો. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દ્રષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨, તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ. ૧૯૪૬ થી જીવનપર્યત ‘હરિજન’ પત્રના તંત્રી.

એમની લેખનપ્રવૃત્તિનો ગંભીરતાપૂર્વકનો પ્રારંભ, પોતાના મંથનકાળમાંથી બહાર આવ્યા ત્યારપછી એટલે કે ૧૯૨૨ પછીથી થયો છે. કેળવણીવિષયક ચિંતન, ગાંધીજીના વિચારોની સમજૂતી, વૈયક્તિક અને સામાજિક અભ્યુદય માટેનું દિશાસૂચન તથા યોગ, સાધના, અવતાર, ઈશ્વર વગેરે અંગે વિવેકપૂત, તર્કશુદ્ધ, વિશદ અને નિખાલસ રજૂઆત- આ બાબતોનો કિશોરલાલ મશરૂવાળાના લેખનમાં વધુ ઝોક રહ્યો છે.

કિશોરલાલ મશરૂવાળા સત્ય અને અસત્યની, શ્રેયસ્ અને અશ્રેયસ્ ની સૂક્ષ્મ વિવેકદ્રષ્ટિએ જીવનને અવલોકતા રહ્યા છે. તેને નિબંધરૂપે પ્રગટ કરતા રહ્યા છે; પરિણામે એક શાંત, સ્વચ્છ, નિર્દંભ, લોકહિતૈષી નિબંધકાર તરીકે બહાર આવ્યા છે. એમની ગદ્યશૈલી શીલસમૃદ્ધ છતાં સરલ, પારદર્શક અને જોમવતી છે. ‘રામ અને કૃષ્ણ’ (૧૯૨૩), ‘ઈશુ ખ્રિસ્ત’ (૧૯૨૫), ‘બુદ્ધ અને મહાવીર’ (૧૯૨૬), ‘સહજાનંદ સ્વામી’ (૧૯૨૬) વગેરે ચરિત્રાત્મક નિબંધોમાં કિશોરલાલ મશરૂવાળા એ અવતાર લેખાતા જે તે મહાપુરુષના માનવીય ગુણોનું પ્રતીતિકર આલેખન કર્યું છે. સાધક ને ચિંતક તરીકેની એમની સીમાસ્થંભરૂપ, યાદગાર અભિવ્યક્તિ ‘જીવનશોધન’ (૧૯૨૯) તથા ‘સમૂળીક્રાંતિ’ (૧૯૪૮)માં જોવા મળે છે. ‘ગાધીવિચારદોહન’ (૧૯૩૨), ‘અહિંસાવિવેચન’ (૧૯૪૨), ‘ગાંધીજી અને સામ્યવાદ’ (૧૯૫૧) વગેરેમાં ગાંધીવિચારના ભાષ્યકાર તરીકેના એમના સામર્થ્યનાં દર્શન થાય છે. કેળવણીકાર તરીકેની એમની સૂક્ષ્મ તેમ જ મૌલિક દ્રષ્ટિનો પરિચય ‘કેળવણીના પાયા’ (૧૯૨૫), ‘કેળવણીવિવેક’ (૧૯૪૯) અને ‘કેળવણીવિકાસ’ (૧૯૫૦) એ ગ્રંથત્રિપુટીમાં થાય છે.

ઔદ્યોગિક સમાજમાં વિસંવાદી લાગે તેવા વિચારો દર્શાવતું ‘સ્ત્રીપુરુષમર્યાદા’ (૧૯૩૭) ઉપરાંત ગાંધીવાદીઓ પરના કટાક્ષલેખોને સંઘરતું ‘કાગડાની આંખે’ (૧૯૪૭), ક્રાંતિકારી વિચારણા પ્રગટ કરતું અને પ્રચલિત વિચારોમાં રહેલા દોષોને ખુલ્લા પાડતું ‘સંસાર અને ધર્મ’ (૧૯૪૮) એમના પ્રકીર્ણ પુસ્તકો છે.

ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’, તોલ્સ્તોયકૃત ‘ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ’, મેરિસ મેટરલિંકકૃત ‘ધ લાઈફ ઑવ ધ વ્હાઇટ ઍન્ટ્સ’ અને પેરી બર્જેસકૃત ‘હૂ વૉક ઍલોન’ ગ્રંથોનાં અનુક્રમે ‘વિદાયવેળાએ’ (૧૯૩૫), ‘તિમિરમાં પ્રભા’ (૧૯૩૬), ‘ઊધઈનું જીવન’ (૧૯૪૦) અને ‘માનવી ખંડિયેરો’ (૧૯૪૬) નામે એમણે ભાષાંતરો આપ્યાં છે. ભાષાંતરો માટે એમણે પસંદ કરેલી સામગ્રીમાં પણ જીવનલક્ષી દ્રષ્ટિનો પરિચય થાય છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ નો કિશોરલાલ મશરૂવાળાનો આપેલો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ (૧૯૨૩) મૂળને વફાદાર અને સરળ તથા લોકભોગ્ય છે.

(સંદર્ભ: ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી આ માહિતી લીધેલ છે)

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *