Press "Enter" to skip to content

ચાલો જાણીએ સમાજ અને સમાજશાસ્ત્ર

Pankaj Patel 0

આપણે સહુ સમાજમાં રહીએ છીએ અને સમાજ શું છે તે આપણે સૌ જાણીએ છીએ. વર્તમાન સમયમાં સમાજ અને સમાજ જીવન બંનેમાં મોટી ઉથલ-પુથલ થતી જોવા મળી રહી છે. આવા સમયમાં સમાજ અંગે ખાસ અભ્યાસ કરતી સામાજીક વિજ્ઞાનની શાખા એટલે કે સમાજ શાસ્ત્રના અભ્યાસના પાયાના ઘટક એટલે કે ‘સમાજ’ વિષે જાણવું રસપ્રદ થઇ રહેશે. આમ તો પ્રાથમિક ધોરણોથી જ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમ છતાં, વ્યક્તિની સમજ અને રસ ઉમર સાથે વધે છે તે આપણે જાણીએ છીએ અને તેથી જ સમાજને સમજવા અભ્યાસની ઉમર પૂરી થયા પછી પણ લોકોને રસ હોય છે. આપણી આજુબાજુના માનવસમાજ અંગેનો  ખ્યાલ આપણી પાસે હોય એ સ્વાભાવિક છે. કારણ કે, આપણે સૌ જન્મથી મૃત્યુ સુધી સમાજમાં વિવિધ પ્રકારનાં વર્તન અને વ્યવહારો કરતા હોઈએ છીએ. પરંતુ સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન હોવાથી સમાજશાસ્ત્રીય રીતે ‘સમાજ’નો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ છે. જે આપણે સમજવા પ્રયત્ન કરીએ.

‘સમાજ’નો અર્થ :

જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ ‘સમાજ’નો અર્થ નીચે પ્રમાણે આપ્યો છે :

સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્વિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવીના જૂથ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

મેકાઇવર અને પેજ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશાં પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે ઓળખાવે છે.

બેકર સમાજની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને ‘સમાજ’ કહેવાય.”

ગિસ્બર્ટના મત મુજબ, “સમાજ એ સામાજિક સંબંધોંનું એવું જટિલ ગુંફન છે કે જેના દ્વારા દરેક માનવી અન્ય માનવીઓ સાથે પરસ્પર સંકળાયેલા રહે છે.”

આમ, ઉપરની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે, માનવસમાજ એ કોઈ પ્રાદેશિક જૂથ કે માનવીઓનો સમુચ્ચય કે માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સમાજ એ માનવી અને માનવી વચ્ચેના સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપક છે. તેમાં નિશ્વિત પ્રદેશની મર્યાદાવાળા અનેક વિશિષ્ટ સમાજ, સમુદાય, મંડળ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. સમાજ તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી અલગ છે. એટલે કે સરળ શબ્દોમાં સમજવું હોય તો ખાલી લોકોનો સમૂહ એ સમાજ નથી કે માત્ર પ્રાદેશિક નિકટતાથી સમાજની રચના થતી નથી. સમાજ એ વિશ્વવ્યાપી છે અને સમૂહમાં લોકો એક-બીજા સાથે આંતરક્રિયા કરે અથવા જીવે એટલે સમાજ રચાય છે. એક સમાજમાં અનેક જુદા-જુદા સમૂહો દ્વારા અનેક સમાજો અસ્તિત્વ ધરાવી શકે છે.

સમાજનાં લક્ષણો :

1. સામાજિક સંબંધો :

સામાજિક સંબંધો એટલે સંબંધમાં આવતા માનવીઓ વચ્ચે પરસ્પરની હાજરીની સભાનતાવાળા સંબંધો. આ સંબંધમાં આવતા માનવીઓ વચ્ચે સમૂહપણાની ભાવના હોય છે. સામાજિક સંબંધોનું ક્ષેત્ર વિશાળ છે. તે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે અથવા બે જૂથો વચ્ચેના હોઈ શકે છે. આ સંબંધો સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના હોય છે. સહકારના સંબંધો સામાજિક જીવનને વધુ સુલભ બનાવે છે, આમ છતાં સમાજમાં સંઘર્ષ અને સ્પર્ધા સ્વરૂપના સંબંધો પણ સાર્વત્રિક રીતે જોવા મળે છે. સામાજિક સંબંધો કૌટુંબિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના હોય છે. આમ, વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકાસ પામે છે.

2 સમાનતા અને વિભિન્નતા :

દરેક સમાજના સભ્યોમાં માનવી તરીકેની મૂળભૂત સમાનતા છે. તેની સાથે સમાજમાં પુરુષ અને મહિલાની જાતીય ભિન્નતા પણ રહેલી છે. આ ઉપરાંત સમાજના સભ્યોમાં હિત, વલણ, ધ્યેય, મૂલ્ય, રસ, લિંગ, વય, શારીરિક અને બૌદ્વિક શક્તિઓ વગેરેમાં સમાનતા અને ભિન્નતા એમ બંને જોવા મળે છે. સમાજનો ઉદભવ સમાનતા અને ભિન્નતાના કારણે શક્ય બન્યો છે. સમાજ માટે સમાનતા અને વિભિન્નતા બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે.

3 જુદાં જુદાં જૂથો અને પેટાજૂથો :

સમાજ જુદાં જુદાં જૂથોમાં વહેંચાયેલો છે. જૂથો અને પેટાજૂથો એ સમાજનું મહત્વનું લક્ષણ છે. સમાજમાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જૂથો અસ્તિત્વ ધરાવે છે. સમાજજીવનની અનેકવિધિ જરૂરિયાતો સંતોષવા માનવી વચ્ચે શ્રમવિભાજન થાય છે. જુદા જુદા માનવી જુદાં જુદાં કાર્યો કરે છે. તેમાંથી દરજ્જા, સત્તા અને પ્રતિષ્ઠાના આધાર પર સામાજિક કોટિક્રમ વિકાસ પામે છે. જે સામાજિક અસમાનતા અને ઉંચ-નીચના ભેદભાવનો નિર્દેશ કરે છે. જેના કારણે જૂથો અને પેટાજુથોની રચના થાય છે.

4 સામાજિક નિયંત્રણ :

સમાજે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામાજિક નિયંત્રણની વિવિધ પદ્વતિઓ વિકસાવી છે. સમાજના સભ્ય તરીકે વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરતી તેમજ અમુક પરિસ્થિતિમાં કઈ રીતે વર્તી શકાય અને કઈ રીતે ન વર્તી શકાય તે સૂચવતી માનવવર્તનની ધોરણાત્મક વ્યવસ્થાને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. રૂઢિ, રિવાજ, પરંપરા લોકનીતિ, ફૅશન, કાયદા, શિષ્ટાચાર વગેરે માનવીના વર્તનને ઘડે છે અને નિયંત્રણ કરે છે. આ નિયંત્રણો વડે જ સમાજનું અસ્તિત્વ અને સાતત્ય ટકી રહે છે અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો સહજ ક્રમમાં વ્યવસ્થિત રીતે જળવાઇ રહે છે.  

૫ સાતત્ય :

સમાજ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. સામાજિક નિયંત્રણની પ્રક્રિયા સમાજના સાતત્યને ટકાવી રાખે છે. સમાજ તેના સભ્યોનું સમાજીકરણ કરીને સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સાતત્ય ટકાવી રાખે છે. લગ્નસંસ્થા સમાજનું સાતત્ય જાળવવામાં મદદરૂપ થાય છે.

6 પરિવર્તન :

સમાજના સાતત્યની સાથે સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા પણ સતત જોવા મળે છે. પ્રારંભથી જ સમાજમાં પરિવર્તનો આવતાં રહ્યાં છે. માનવી-માનવી વચ્ચે સામાજિક સંબંધોના સ્વરૂપ બદલાતાં રહે છે. સમાજનાં વિભિન્ન જૂથો, જૂથનાં સામાજિક ધોરણો, પરસ્પરના સંબંધો વગેરેમાં ફેરફારો થતાં રહે છે. દરેક સમાજમાં પરિવર્તનની ગતિમાં તફાવત જોવા મળે છે. આમ છતાં, પરિવર્તન એ સમાજનું અવિભાજ્ય લક્ષણ છે.

સમાજ શબ્દ જેટલો સરળ છે એટલી જ ગૂઢ તેની સાચી અને વિસ્તૃત સમજ છે તથા સમાજની રચના અને લોકોની સમાજમાં આંતરક્રિયાઓ હંમેશા ગુંચવણ ભરી હોય છે. વળી, અન્ય કોઈ પણ સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં ‘સમાજ’ને સમજવો સહુથી અગત્યની  અને પાયાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *