Press "Enter" to skip to content

બાળક બન્યું મા-બાપનું રોબોટ !!!!!!

Pankaj Patel 0

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ આવશ્યક પણ છે. આખી દુનિયામાં જેમ પરિવર્તન આવે છે તેવી જ રીતે આપણા ભારતીય સમાજની તાસીર બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળનું શિક્ષણ હતું અને ખુબ ઓછા લોકો માટે પ્રાપ્ય હતું, વર્તમાનમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. કેટલાક બાળકો અધૂરું શિક્ષણ પામે છે, છતાં મોટેભાગે શિક્ષણ સુલભ બન્યું છે. તેમ છતાં, શિક્ષણ એટલે કેળવણી અને કેળવણી સરળતાથી મળે એવું હજુ નથી બન્યું. આજનું શિક્ષણ પુસ્તકીયું જ્ઞાન છે અને એમાં પણ ટકાવારીની બોલબાલા છે. બાળક ગોખણપટ્ટી કે અન્ય રીતે પણ સારા ટકા લાવે એ જ શિક્ષણનો મર્મ બની ગયો છે. આ માટેના અનેક પરિબળો છે. જેમ કે સારી શિક્ષણ સંસ્થામાં જગ્યા સામે અરજદાર વધુ હોવાથી પ્રવેશ માટે ટકા જોઈએ છે, નોકરી માટે ટકા જોઈએ છે, સારું ક્ષેત્ર પસંદ કરવા ટકા જોઈએ છે, આમ ટકા એ વ્યક્તિની હોશિયારીનું માપ બની ગયું છે.

આપણે સહુ જાણીએ છીએ કે કોઠાસૂઝ અને અંદરના ખમીર વિના કોઈ વ્યક્તિ મહાન ના બની શકે. ચીલાચાલુ કેળવણી જરૂરી હોય તો પણ નાપાસ વ્યક્તિ કદાચ નોકરીની જગ્યાએ ધંધો કરીને પણ આગળ જતા મહાન બની શકે છે. સમય, સંજોગો અને માણસની આંતરિક શક્તિઓ તેને મહાન કાર્યો કરવા પ્રેરે છે. સ્ટીવ જોબ્સ કે માર્ક જુકરબર્ગ સારા ટકા વાળા નહોતા, ધીરુભાઈ અંબાણી કે જમશેદજી તાતા IIMની ડીગ્રીવાળા નહોતા, અરે ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી ઝળહળતી ડીગ્રીવાળા નથી. આમાંથી કોઈક તો ચીલાચાલુ શિક્ષણની દ્રષ્ટીએ સાવ નબળા હતા. પરંતુ પોતાના ક્ષેત્રોમા દરેકે મહાન કાર્યો કર્યા એની પાછળ તેમની સર્જનાત્મકતા, ધગશ, વિશિષ્ઠ કાર્યકુશળતા વગેરે જવાબદાર છે. કોઈ વૈજ્ઞાનિક કે શોધક કેટલા ટકાથી પાસ થયો હતો એ નહી પણ તેને કયું મોટું કાર્ય કર્યું એ મહત્વનું હોય છે. આજના માં-બાપ આ સત્ય જેટલું વહેલું સમજે તેટલું તેમના પોતાના અને તેમના સંતાનો માટે તો ખરું જ પણ સમાજ માટેય આવશ્યક છે.

આજના ભાગ-દોડ ભર્યા જીવનમાં અને આજની સ્પર્ધાત્મક જિંદગીમાં દરેક મા-બાપનું એક જ ધ્યેય હોય છે, કે તેમનું બાળક વિશ્વનું સહુથી તેજસ્વી બાળક બને અને આ વિચાર માં કાંઇજ ખોટું નથી. આ વિચારને એક પરિપક્વ માતા-પિતા તરીકે સંતાનની જિંદગીમાં ઉતારતા આવડે તો કદાચ આનાથી ઉત્તમ વિચાર કોઇ હોઇ પણ ના શકે. પરંતુ મોટા ભાગનાં માતા-પિતા પોતાનાં સંતાનને એક ગુલાબના છોડના રોપાં તરીકે ઉછેરવાની બદલે રેસનાં ઘોડાની નજરે જુવે છે. ગુલાબના છોડને વાવી, તેનાંમાં પાણીનું અને ખાતરનું સિંચન કરીએ, તેને ઉગવા દઇએ, તેનામાં કળી ફુટવાં દઇએ પછી તેના પર ગુલાબ ઉગે તો તેની સુગંધ આપણે બધાં માણી શકીએ. પરંતુ, આજનાં જમાનામાં આટલી રાહ જોવાનો સમય ક્યાં છે ? મા-બાપ પણ પોતાની નિષ્ફળતાઓ અને નિરાશાઓનો બોજ સંતાનો પર નાખી પોતાનાં સપનાઓ જે પોતે પુરાં નથી કરી શક્યાં તે પુરાં કરવાની સંતાન પાસેથી અપેક્ષા રાખે છે અને એક કુમળાં રોપાંને ખીલવા માટે સમય આપવાની બદલે ફુલ અને ફળની આશાઓનો ઓવર ડોઝ આપીને આ રોપાં માં કૂંપણો ફુટે તે પહેલાં જ આપણે તેને સૂકવી દઇએ છીએ અને એને રેસનો ઘોડો બનાવી દઈએ છીએ.

આપણાં દેશમાં અભ્યાસનુ મહત્વ અને અભ્યાસની વ્યાખ્યા જાણે કે બદલાઇ જ ગઇ છે. દરેક સંતાન પાસેથી મા-બાપની અપેક્ષા પણ બદલાઇ ગઇ છે. આજે મા-બાપ સંતાન પાસેથી રિઝલ્ટ માંગે છે. સંતાન ને ડોક્ટર કે એન્જીનીયર બનતા જોવા માંગે છે. અને એ ભૂલી જાય છે કે આ બધું બનતાં પહેલાં એક સારા નાગરીક કે સારા મનુષ્ય બનવાનું વધારે જરૂરી છે. 3 વર્ષના બાળકને જ્યારે 3 કિલોગ્રામ વજનનો કોથળો ઉંચકી નિશાળે જતાં જોઉં ત્યારે મને ખરેખર એમ થાય કે, એક કુમળાં મગજ ઉપર કેટલો બોજ નાંંખી દેવામાં આવે છે. બાળકને તેનું બાળપણ માણવાને બદલે, જે એક વ્યવસાય થઇ ગયો છે એવાં પ્લે-સ્કુલ કે પ્લે-હાઉસમાં હોમી દેવામાં આવે છે અને એટલું જ નહિ, તેની પાસેથી એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે, આઇનસ્ટાઇનને એ 3 વર્ષ ની ઉંમરથી જ આંટી મારવાનું ચાલું કરી દે.

દરેક મા-બાપ એ જ ચર્ચા કરતાં હોય છે કે, શિક્ષણ એ એક ધંધો થઇ ગયો છે, પરંતુ એને ધંધામાં બદલવાવાળા પણ આપણે જ છીએ. આપણા ગ્રંથોમાં ક્યાંય પણ એવું નથી વાંચ્યુ કે કોઇ અભ્યાસ માટે કોઇએ કોઇ ફી આપવી પડી હોય. ગુરૂદક્ષિણા એ અલગ છે અને ટ્યુશનમાં જઇને ટ્યુશન ફી આપીએ એ અલગ વસ્તુ છે. કોઇ મા-બાપને પૂછીએ કે કેમ બાળકને ટ્યુશનમાં મોકલવું છે ? તો સામેથી જવાબ મળશે, અમારે આ જરા ગણિતમાં કાચો છે, જરાક વધારે મદદની જરૂર છે. અરે ભાઇ, એ ગણિતમાં કાચો છે તો કશાકમાં તો પાવરધો કે પાકો હશે ને ? કોઇ વિષય અથવા રૂચિ જેમ કે, ચિત્ર, સંગીત, રમત-ગમત કે કોઇ એક વસ્તુ તો એવી હશે જ કે જેમાં એ બાળક રસ ધરાવતું હશે ? તો એ જેમાં પાવરધો છે, એમાં એની શક્તિ નો ઉપયોગ કરો ને ? શું કામ એને જે વસ્તુ નથી ગમતી એ બળજબરી થી ઠોકી બેસાડવી છે ? આનો પણ જવાબ છે મા-બાપ પાસે, એ બધી વસ્તુ એને થોડી બોર્ડમાં કામમાં આવશે ? એટલે કે, દુનિયાનો છેડો એ આપણું બોર્ડ છે. દશમું ઘણું વસમું અને બારમું પડે કારમું. બાળકને પણ અને મા-બાપને પણ. બાળકને એટલા માટે કારણ કે, તેને 24 કલાકમાંથી કલાક પણ જો મોજ-મસ્તીનો સમય મળતો હશે તો એ નહિ મળે અને મા-બાપને એટલા માટે કારણ કે એમનો મનગમતો TV પ્રોગ્રામ એક વર્ષ સુધી નહિ જોવા મળે, કેબલ તો કઢાવી નાખવું પડશે ને ? હશે તો બાળકથી પણ પહેલાં આપણે ચાલુ કરી ને જોશું.

કેમ આપણાં સંતાનો દુનિયામાં પાછા પડે છે એનુ કારણ એક જ છે, કેમ કે આપણે તેમને સાચી દુનિયામાં ઝંપલાવવા માટે સક્ષમ બનવા જ નથી દેતાં. આપણે એમના માટે એક કાલ્પનીક અને સંકુચિત દુનિયા બનાવી દઇએ છીએ અને તેમાં એમનાં બાળપણને પુરી દઇએ છીએ. જુદાં જુદાં પ્રયોગો, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા દઇ, તેમાં સફળ કે નિષ્ફળ થવા દઇ પોતાનો રસ્તો જાતે ઘડવા અને જાતે નિર્ણય લેવા માટે તૈયાર થવા દઇએ તો કદાચ તેમનું ઘડતર વધારે સારી રીતે થઈ શકે. પરંતુ તેની જગ્યાએ બાળકની સફળતા અને નિષ્ફળતાનું માપદંડ થઇ ગયું છે “ટકાવારી”.

આપણે જ જવાબદાર છીએ એ કુમળાં મગજમાં લાલચનું બીજ વાવવા માટે. તું આટલાં ટકા લાવ તો તને હું “એક્ટિવા” અપાવી દઇશ. આ જ બાળક જો મોટું થઇને લાંચરૂશ્વત લે તો તેમાં કાંઇ જ નવાઇ નથી. કારણ કે એક મા-બાપ તરીકે તમે જે વિચારોનું સિંચન કર્યું છે તે જ ખોટું  છે. એના બદલે, સંતાનને પોતે વિચારીને નિર્ણય લેતાં કરો, એને નિષ્ફળ થવા દો, કારણ કે સફળતાનું બીજ નિષ્ફળતામાંથી જ ફુટે છે. બાળકને નિષ્ફળતાનુ ભાન થશે તો જ તેને સફળ થવાની ઘેલછા જાગશે. બાળકને પોતાનો આદર્શ પોતે શોધવા દો. તેને સચિન તેંડુલકર બનવાનું ચીધો નહિ, કે ના તો તેને કોઇ પરિવારના બીજાં સભ્યનું ઉદાહરણ આપીને તેની સફળતાનો માઇલસ્ટોન બતાવવાનો આગ્રહ રાખો. તેને આદર્શ તરફ ધક્કો મારવાને બદલે તેને જુદાં જુદાં આદર્શની ઓળખાણ કરાવો. સંતાનની સાથે પ્રવૃત્તિમય બનો. તમારું સંતાન શેમાં પાવરધું છે તેનું જ્ઞાન માત્ર તેની સાથે પ્રવૃત્તિમય બનવાથી જ મળી શકશે. તેની સાચી શક્તિને પારખીને એ શક્તિને પ્રજ્વલિત કરવાનું પ્રયોજન કરો.

ભણવાનું ઓછું હોય તેમાં આજ-કાલ જે રીતે રિયાલિટી શોના ચલણમાં વધારો થઇ રહ્યો છે, એ જોતાં મા-બાપની અપેક્ષાઓમાં પણ એક વધારાનું પાસું ઉમેરાઇ રહ્યુ છે. દરેક મા-બાપને આ રિયાલિટી શોમાં સંતાનને જગપ્રસિદ્ધ બનાવવાનો શોર્ટ-કટ મળી ગયો છે. દરેક મા-બાપ માટે એમનું સંતાન નાના મોટાં રિયાલિટી શોમાં ભાગ લઇને “મેડલ ઓફ ઓનર” જીતે એ જીવનની આવશ્યકતા બની ગઇ છે. આ જ દુવિધામાં સંતાનના કુદરતી ગુણો અને કુદરતી શક્તિઓ કરમાઇ જાય છે અને મા-બાપ રેસના ઘોડાના બુકી તરીકે દાવ ઉપર દાવ લગાવે છે, એ આશામાં કે એકાદ રેસમાં તો તેમનો ઘોડો જીતી જ બતાવશે.

આ દરેકમાં વાસ્તવીકતા એ છે કે આજની પેઢીને મા-બાપ બનવાની પરિપક્વતા જ નથી. બોલીવુડ અને ટેલિવિઝનનાં આ જમાનામાં દરેક પરિવારનો આદર્શ ટી.વી.માં આવતી કોઇ સિરિયલનો પરિવાર હોય છે. એ રીત-ભાત અને એ રહેણી-કરણીનું અનુકરણ કરવામાં આવે છે અને એને મોર્ડન લાઇફની વ્યાખ્યા બનાવી દેવામાં આવી છે. કોઇ રિયાલિટી શોના વિજેતા બાળકના રસ્તે પોતાનાં સંતાનને દોરવામાં આવે છે. લગ્ન પ્રસંગે ફટાણાં અને લગ્નગીતોની જગ્યાએ બોલીવુડની ફિલ્મોના ગીત-સંગીત અને તેનાં નૃત્યો એ લઇ લીધું છે. જરૂરથી એ એક આનંદ-પ્રમોદનું સાધન જ છે, પરંતુ એની જગ્યા લગ્ન પ્રસંગોમાં નથી.

આજના આ સ્પર્ધાત્મક અને દેખાદેખીના યુગમાં મા-બાપ દ્વારા જુદાં જુદાં અનેક બીબાં તૈયાર રાખવામાં આવે છે અને એક સાથે આ તમામ બીબાઓમાં સંતાનને ચકાસવામાં આવે છે. એટલાં માટે નહિ કે સંતાન કયા બીબા માં ફીટ થાય છે પરંતુ એટલા માટે કે કયું બીબું મા-બાપ ને સહુ થી વધારે આકર્ષક લાગે છે. આજ નું બાળક એ રિમોટ કંટ્રોલથી ચાલતાં રોબોટમાં રૂપાંતરિત થઇ રહ્યુ છે જે રિમોટ કંટ્રોલની સ્વીચ આજના અપરિપક્વ મા-બાપનાં હાથમાં છે. આ બાળક રૂપી રોબોટ જો જીવનનાં કોઇપણ પગથિયે લપસી પડે, તો તેના માટે જવાબદાર આ રિમોટ કંટ્રોલને ચલાવનાર ઓપરેટર એટલે કે મા-બાપ છે અને આજના સમાજની બદલાયેલી પ્રાથમિકતાઓ પણ એટલી જ જવાબદાર છે, તેથી સજાના સાચા હકદાર પણ તે જ છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *