Press "Enter" to skip to content

રાણકી વાવ : પાટણ

Pankaj Patel 0

ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ)  એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના પ્રજાવત્સલ રાજાઓની યાદ તાજી કરાવે છે. યુનેસ્કો દ્વારા 22 જૂન 2014ના રોજ આ વાવને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું અને હવે યુનેસ્કો તેની જાળવણીનું કામ કરે છે.

પાટણ એ પહેલા અણહિલવાડ-પાટણ ના નામે જાણીતું હતું જે ગુજરાતના પ્રભાવશાળી શાશકોનું મુખ્ય મથક હતું. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતમાં એના પતિ ભીમદેવ પહેલાની સ્મૃતિમાં  પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી સાત માળની વાવનું નિર્માણ કરાવ્યું હતું. ભારતના ઇતિહાસમાં અને આપણી આસપાસ આપણે અનેક વાવો  જોઈ  હશે. પણ રાણી ઉદયમતીએ બંધાવેલી આ રાણકી વાવ એ માત્ર વાવ નહી પણ સ્થાપત્યની દ્રષ્ટિએ સૌથી મોટું અને સૌથી વૈભવી સ્થાપત્ય છે. ગુજરાતની આ વાવ એ ફક્ત પાણી એકત્રિત કરવા કે સામાજિક રીતે જ મહત્વની નથી પણ એનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ છે. પહેલા ગુજરાતમાં વાવનું બાંધકામ ખૂબ જ સરળ રીતે થતું પણ સમય જતાં પાણીને પણ પવિત્ર બનાવવા માટે તેમાં પથ્થરો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવાની પ્રથા અમલી બની હશે.

વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીં અપ્સરાઓને સોળે શૃંંગારમાં બતાવવામાં આવે છે. જે એ વખતની સ્થાપત્યકલાનું એક બેનમૂન ઉદાહરણ છે. આ વાવ સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણું ને સમર્પિત છે એવું લાગે છે. વાવની દિવાલો અને તેના થાંભલાઓ પર ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોને કંડારવામાં આવ્યાં છે. કૃષ્ણ અવતાર, રામ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, વારાહી અવતાર, મહિસાસુરમર્દીની, બુદ્ધ વગેરે અવતારોને ખૂબ જ કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. સ્થાપત્યની દ્રષ્ટિએ જોતા આ વાવ અજોડ છે. અને એટલે જ રાણકી વાવની આ ભવ્યતાને કારણે તેને ભારતની તમામ વાવની રાણી પણ કહેવામાં આવે છે. આ વાવની મધ્યમાં હજાર શેષનાગ સાથે ભગવાન વિષ્ણુની એક મુર્તિ કંડારવામાં આવી છે. આ વાવમાં દેવી-દેવતાઓની બહું જટિલ અને કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવેલી છે.

રાણકી વાવમાં છેલ્લા માળે એક નાનો રસ્તો છે જે 30 KM લાંબી સુરંગ સાથે જોડાયેલ છે. હાલમાં એ સુરંગને બંધ કરી દેવામાં આવેલ છે. પણ એવું કહેવાય છે કે આ સુરંગ પાટણની નજીક આવેલા સિદ્ધપુર શહેર તરફ લઈ જાય છે. પહેલાના સમયમાં રાજાઓ આવા રસ્તાઓનો ઉપયોગ દુશ્મનોથી બચવા માટે કરતા હતા. રાણકી વાવ એ એમાં વપરાયેલ પથ્થરો, તેની કલાકૃતિઓ, અન્ય પદાર્થો, બાંધકામ શૈલી, એ વખતના કલાકારો અથવા કારીગરોની કારીગીરી વગેરેની બાબતમાં એક ઉચ્ચ સ્થાન ધરાવે છે. રાણકી વાવનું બાંધકામ અને શિલ્પ-સ્થાપત્ય બેનમૂન છે અને એ માત્ર વાવ નહી પણ પત્થરોમાં કોતરેલું એક મહાકાવ્ય હોય તેવી રીતે ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતિભાનો જાણે કે પરિચય કરાવે છે.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ 20 મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. 1968માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ખોદકામની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. આ પૂરને કારણે વાવના સ્થાપત્યને ઘણું નુકસાન થયું હતું. પણ ત્યારબાદ આ વાવને સંરક્ષિત કરવામાં આવી અને હાલમાં યુનેસ્કો દ્વારા એની જાળવણી થઈ રહી છે.  50-60 વર્ષ પહેલા અહીં રાણકી વાવની આસપાસ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વિવિધ છોડવાઓનું વાવેતર થતું હતું . જે ઘણી બધી બિમારીઓ સામે લડવામાં મહત્વનું સાબિત થતું હતું.

પ્રવાસનની દ્રષ્ટિએ રાણકી વાવનું ખૂબ જ મહત્વ છે. અહીં દેશ-વિદેશના હજારો પર્યટકો આ વાવની ભવ્યતા અને બેનમૂન સ્થાપત્યને નિહાળવા આવે છે. યુનેસ્કો દ્વારા આ વાવને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યા બાદ આ વાવ પ્રવાસન માટે ખૂબ જ અગત્યની બની ગઈ છે. અહીં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે રાણકી વાવ મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ અહીંની સ્થાનિક સંસ્કૃતિનો લોકો સમક્ષ દર્શન કરાવવાનો છે. આ મહોત્સવ વખતે આખી વાવને લાઈટિંગથી સજાવવામાં આવે છે. નૃત્ય અને સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. અહીંની સ્થાનિક વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ પણ બનાવવામાં આવે છે. સાથે સાથે અહીંની કલા અને હાથબનાવટની વસ્તુઓનું એક પ્રદર્શન પણ યોજાય છે.

 

https://www.youtube.com/watch?v=vQbA6xlHn6g

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *