Press "Enter" to skip to content

સૂર્યમંદિર : મોઢેરા

Pankaj Patel 0

સૂર્યમંદિર – મોઢેરા ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર થયેલ છે. જે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે 30 km જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકૂલ છે. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ સૂર્યમંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ મંદિર તેની દિવાલ પર કરવામા આવેલ વિવિધ સ્થાપત્યકલા અને કોતરણીકામ માટે જાણીતું છે.

વેદોમાં સૂર્યને આખી દુનિયાની આત્મા કહેવામાં આવ્યા છે. સમસ્ત દુનિયાના પ્રાણ સૂર્યમાં જ વસે છે. સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે. અને આ એક સર્વમાન્ય સત્ય છે. વૈદિક કાળમાં આર્યો સૂર્ય દેવને જ સમસ્ત સૃષ્ટિના કર્તા-હર્તા માનતા હતા. સૂર્યનો શાબ્દિક અર્થ થાય છે સર્વ પ્રેરક. સૂર્ય એ સર્વ પ્રકાશક અને સર્વ કલ્યાણકારી છે. સૂર્યને ભગવાનના નેત્ર પણ કહેવામાં આવ્યા છે.

સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ અનુસાર મોઢેરા નજીકનો વિસ્તાર પ્રાચીન સમયમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વશિષ્ઠ ઋષિને એવા સ્થળ વિશે પૂછ્યું કે જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી 15 km દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.

ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિર બે ભાગમાં બનાવવામાં આવ્યું હતું. એક ગર્ભગૃહ અને બીજો સભામંડપ. મંદિરનું ગર્ભગૃહ અંદરથી આશરે 51 ફૂટ લાંબું અને 25 ફૂટ પહોળું છે. 52 અનન્ય સ્થાપત્યકલા અને કોતરણીથી ભરપુર થાંભલા સાથે સભામંડપ પણ બેનમૂન છે. સભામંડપમાં જટિલ કોતરણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું જીવન, રામાયણ અને મહાભારતના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. આ થાંભલા નીચેથી જોવામાં આવે તો અષ્ટકોણાકાર અને ઉપરથી ગોળ દેખાય છે. સભામંડપ ચારે બાજુથી ખુલ્લો છે. વિશેષ વાત એ છે કે આ મંદિરના બાંધકામમાં ક્યાય પણ જોડાણ માટે ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિર ઈરાની શૈલીમાં બનાવવામાં આવ્યું હતું.

 

               

 

સૂર્યમંદિર ની બિલકૂલ સામે એક પાણીનો કુંડ આવેલો છે, જે સૂર્યકૂંડ ના નામે ઓળખાય છે. આ કુંડ રામકુંડના નામે પણ ઓળખાય છે. પહેલાના સમયમાં આ કૂંડમાં શુદ્ધ પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. એવું કહેવાય છે કે દરેક શ્રદ્ધાળું અહીયા માથું ટેકીને જ મંદિર ના સભામંડપ તરફ જતો, કારણ કે આ કુંડમાં ગણેશજી, ભગવાન શિવ, શીતળા માતા અને અન્ય ઘણા દેવી-દેવતાઓની મુર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. ખરેખર, આ કૂંડ એ સ્થાપત્યકલાનું એક અજોડ ઉદાહરણ છે.

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સૂર્ય મંદિરના પરિસરમાં એક સૂંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. અહીં મા અંબે અને મા ઉમિયાના મંદિર પણ આવેલા છે. અહીં મહાવીર સ્વામીનું એક જૈન દેરાસર પણ આવેલું છે. અહી, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં દર વર્ષે મોઢેરા નૃત્ય મહોત્સવ મનાવવામાં આવે છે. આ નૃત્ય મહોત્સવ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને દુનિયા સામે ઉજાગર કરવા માટે આયોજિત કરવામાં આવે છે.

આ મંદિર તેની અદભુત સ્થાપત્યકલાને કારણે સહેલાણીઓ માટે હંંમેશા આકર્ષણનું કેંદ્ર બની રહ્યું છે. મોઢેરા સુર્યમંદિર એ પાટણથી 30 km દૂર છે. નજીકનું રેલ્વે-સ્ટેશન મહેસાણા 40 km દૂર છે. અમદાવાદ એરપોર્ટથી આ મંદિર 93 km દૂર છે.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *