Press "Enter" to skip to content

વિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ

Pankaj Patel 0

 

વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં  વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.

આમ જોવા જઈએ તો આનુવંશિકતાના કુદરતી નિયમ મુજબ પ્રત્યેક સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરે છે અને તે પ્રાણી તેમજ વનસ્પતિ દરેકને લાગું પડે છે. માનવી પણ કુદરતના આ નિયમ અનુસાર પોતાના બાળકો પેદા કરે છે અને મહદ્અંશે પોતાના બાળકોનું જીવન પોતા કરતાં પણ વધુ સારું થાય તેવા પ્રયત્નો કરે છે. આ પ્રક્રિયા એક વ્યક્તિ તરીકે તેમજ એક સમાજ તરીકે, એક દેશ તરીકે અને સમગ્ર રીતે જોતાં માનવજાત તરીકે પણ નિભાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. એટલે કે વસ્તી એ વ્યક્તિ, દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે. જો વસ્તી એ દરેકની જરૂરિયાત છે તો પછી આઝાદીથી અત્યાર સુધી વસ્તી-વધારો એ ભારતની પ્રથમ અને પાયાની સમસ્યા કેવી રીતે બની શકે ? તે જ પ્રમાણે રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઈનામો અને પ્રોત્સાહન મળતું હોય, જાપાનમાં સરેરાશ ઉંમર વધતાં યુવા વસ્તીની ઘટ પડતી હોય, યુરોપમાં મધ્ય-પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓ સમાવી લેવાતાં હોય, અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવનધોરણ આપી વસાવાતા હોય અને આ બધું યોજના બદ્ધ રીતે આયોજન કરી કરાતું હોય ત્યારે ભારત માટે વસ્તી એ સમસ્યા કેવી રીતે ગણાય ? અથવા સમગ્ર વિશ્વ માટે વસ્તી વૃદ્ધિ એ સમસ્યા કેમ છે ? તે જાણવું અને સમજવું આજના તબક્કે ખૂબ જ અનિવાર્ય છે.

વસ્તી વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે. યૂરોપના દેશોમાં બે વિશ્વયુદ્ધો દરમિયાન મોટાપાયે યુવાવસ્તી મૃત્યુ પામી. જેના કારણે વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતાં ઉત્પાદક-વસ્તી (18 થી 40 વર્ષ) ઉપર વૃદ્ધોને નીભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધું થયેલૂંં હોઈ અને વિશ્વના દેશોનું વિશ્વયુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નિતિથી અથવા અનિતિથી શોષણ કરેલું હોઇ યૂરોપમાં જીવનધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે. વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તી પેદા કરવાનું વલણ ધરાવે છે. કેટલાંક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. યુવક-યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે. તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અવિકસિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, અશિક્ષા, ગરીબી, બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે. હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી 7.02 અબજ જેટલી છે. ભારતમાં કુલ વસ્તી 1.2 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે. 2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકંડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે.

slogan-on-world-population-day-2016

જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે. વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.

જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે. આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી. આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે. ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે, તેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે. આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છે, વૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ. જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે. બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે. વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.

1.22 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખો, કરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન. છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનો, પર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.

wmX-600x300x4-53bfd026950e5c3cff6a442173697ef633a9a2d2087761

વસ્તી વૃદ્ધી એ સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ ખૂબ ગંભીર સમસ્યા છે. ચીન જેવા સામ્યવાદી દેશોમાં વસ્તી નિયંત્રણ પ્રમાણમાં સરળ છે જ્યારે આપણે ત્યાં એ ખૂબ જટિલ આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યા છે. તેમ છતાં, આજે આપણા ઉત્સાહી વડાપ્રધાન દુનિયાભરમાં ભારત એ વિશ્વનો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ હોવાની વાત કરે છે તે પણ હકીકત છે. ભારતમાં સૌથી વધું પ્રમાણમાં ઉત્પાદક એટલે કે 18 થી 40 વર્ષની વસ્તી છે. જો આ વસ્તીને પૂરતી સગવડ, શિક્ષણ અને રોજગારી આપવામાં આવે તો ચમત્કાર સર્જાઈ શકે જે હાલ સંભવિત દેખાતું નથી. ખરેખર તો વિશ્વમાં કુદરતી સંપત્તિ અને જમીનના પ્રમાણમાં વસ્તીનું અસમાન વિતરણ એ સમસ્યા છે. જો ઑસ્ટ્રેલિયા કે જેનું ક્ષેત્રફળ ભારત  કરતાં વધું હોય અને વસ્તી માત્ર ભારતનાં વાર્ષિક વસ્તી વધારા જેટલી હોય તો ત્યાં આવેલી અફાટ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા અને તેને વપરાશમાં લાવવા પણ બહારના દેશોમાંથી લોકો લઈ જવા પડે છે. આફ્રિકાના દેશોમાં પુષ્કળ કુદરતી સંપત્તિ વપરાયા વગરની છે જે ત્યાંની પ્રજામાં ટેકનોલોજીકલ અને શૈક્ષણિક લાયકાત કેળવી વપરાશમાં લેવામાં આવે તો તેમનું જીવનધોરણ સુધારી શકાય. ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પણ લાંબા સમયથી અમે બે-અમારું એક ની નિતિ બદલી બે બાળકની હિમાયત કરાઈ છે ત્યારે વસ્તીને સમસ્યા કરતાં સંપત્તિ ગણવાની વૈશ્વિક નિતિ હોવા છતાં આપણા દેશમાં તો આજે પણ વસ્તી અને વસ્તીવૃદ્ધિ એ સમસ્યા જ છે. આશા રાખીએ કે આવા દિવસોની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કાંઈક સારું મૂકીને જઈ શકીએ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *