Press "Enter" to skip to content

મહાત્મા ગાંધી ની નજરે Quot Of Mahatma Gandhi

Pankaj Patel 0

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના ક્વોટ દ્વારા રજૂ કર્યા છે. આશા છે સૌને ગમશે.

મહાત્મા ગાંધી

બાપુ સમયના ખૂબ પાબંદ હતા. કોઈ પણ વ્યક્તિ સમય બચાવે તો ધન બચાવ્યા બરાબર કહ્યું છે. વળી, બચાવેલું ધન એટલે વધારાનું મેળવેલ ધન અથવા કમાયેલું ધન કહેવાય. મહાત્મા ગાંધી નું આ સૂત્ર આજકાલ થોડા ફેરફાર સાથે વીજળી અથવા પેટ્રોલિયમ તેલની બાબતે યોગ્ય રીતે લાગુ પાડવામાં આવેલ છે. ‘વીજળીની બચત એ વીજળીના ઉત્પાદન બરાબર છે.’ આજે વીજળી અથવા શક્તિના સ્ત્રોત ખૂબ સીમિત છે. આપણે બચત કરીને શક્તિનું વધારાનું ઉત્પાદન કર્યા બરાબર સહયોગ આપી શકીએ. હવે વિચારો કે સમય તો સૌથી કીમતી છે. ગયેલો સમય કદી આવતો નથી. આથી બાપુએ સમયનું સાચું મહત્વ બતાવવા આ શબ્દો પ્રયોજયા છે.

મહાત્મા ગાંધી

વિશ્વાસ શબ્દ જ ખૂબ મોટો છે અને દરેક પાસે તેની અપેક્ષા રખાય નહીં. પણ મહાત્મા ગાંધી જુદી માટીના માનવી હતા. ગાંધીજીની નજરમાં વિશ્વાસ કરવો એ નૈસર્ગિક ગુણ છે. અવિશ્વાસને દુર્બળતાની જનની કહી છે. ગાંધી જે કાર્યમાં સંકળાયેલા હતા તેમાં વિશ્વાસ રાખવો જરૂરી હતો. દેશની આઝાદીની લડતમાં લડવૈયાઓ પ્રત્યે અવિશ્વાસ એ સાચે જ દુર્બળતા ઉત્પન્ન કરે. વળી, સત્યના પૂજક બાપુ તો દુશ્મનનો પણ વિશ્વાસ કરવાનું કહેતા. તેમના આવા સ્વભાવજન્ય ગુણના કારણે જ તેમના વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા.

મહાત્મા ગાંધી

મુઠ્ઠી હાડકાના મોહનદાસે ખરેખર ઇતિહાસની દિશા પલટી નાખી. વ્યક્તિનો પોતાના કાર્ય અને પોતાની તે કાર્ય કરી શકવાની ક્ષમતા અંગેનો વિશ્વાસ અથવા આત્મવિશ્વાસ જ જીત અપાવે છે. તમારી શારીરિક ક્ષમતા કરતા પણ મનની શક્તિ તમારી સફળતામાં મોટો ભાગ ભજવે છે. આ સૂત્ર મુજબ જ ગાંધી એ દૂબળું શરીર અને શક્તિશાળી દુશ્મન હોવા છતાં દેશને આઝાદી મક્કમ મનોબળથી અપાવી. પોતાનામાં તેમજ પોતાના દેશબાંધવોમાં રાખેલા વિશ્વાસથી ગાંધીનું જીવન અને કાર્ય સફળ થયું.

મહાત્મા ગાંધી

જે વ્યક્તિની જિંદગી દેશના સૌથી અશાંત સમયગાળામાં પસાર થઈ હોય અને તે દેશનો નાયક હોય ત્યારે શાંતિ વિષેની તેની માન્યતા ખૂબ મહત્વની બને છે. ગાંધીજી કહે છે, ‘શાંતિનો કોઈ રસ્તો નથી, માત્ર શાંતિ હોય છે.’ એટલે લોકો જો વિકલ્પો શોધતા હોય તો તેમણે જાણવું જોઈએ કે શાંતિ એ જ માત્ર શાંતિનો વિકલ્પ છે. બાપુ દેશની આઝાદીના દિવસે બંગાળ (હાલમાં બાંગ્લાદેશ) માં આવેલ નોઆખલીમાં કોમી તોફાનો રોકવા રોકાયેલા હતા. ભાગલા સમયે પશ્ચિમ સરહદે 55,000 સૈનિકો જે ના કરી શક્યા તે એકલે હાથે પૂર્વ સરહદે આ One Man Armyએ કરી બતાવેલ અને તોફાનો રોકી બતાવ્યા હતા. આથી જ કદાચ શાંતિની શોધ કરવી હોય તો ગાંધીચિંધ્યા માર્ગે જ સરળતાથી મળે એ સત્ય દરેકે સમજવા જેવુ છે.

મહાત્મા ગાંધી

‘આંખના બદલે આંખ આખી દુનિયાને અંધ બનાવશે.’ આ શબ્દોથી ગાંધીજી કદાચ ક્ષમાની વ્યાખ્યા કરે છે. માફી આપવાની શક્તિ એ વિશ્વમાં સૌથી મોટી બહાદુરી છે. કોઇની ભૂલ માફ કરવી એ શૂરવીરનો ગુણ છે. આજ બાબત ગાંધીજીએ બીજા શબ્દોમાં આમ કહી છે, “કોઈ તમારા એક ગાલે તમાચો મારે તો બીજો ધરજો.” જોકે ગાંધીના સ્તરે જીવવાની વાત બાજુએ રાખીએ તો પણ આજે તેમના સ્તરે વિચારવાવાળા પણ જવલ્લે જ મળે. આથી આપણને આ વાત વધુ પડતી લાગે. છતાં સત્ય બદલાઈ જવાનું નથી. ક્ષમા, સહિષ્ણુતા, આદર, સત્યપ્રિયતા, અહિંસા વગેરે એવા ગુણો છે જેના માટે ગાંધીએ જીવન ખરચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *