Press "Enter" to skip to content

જિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ

Gaurav Chaudhry 0

જિલ્લા પંચાયતની સમિતિઓ: આપણે જાણીએ છીએ કે જિલ્લા પંચાયત  એ ત્રિસ્તરીય પંચાયતી રાજની સૌથી મોટી પંચાયત છે.

જેમ સરકારોનો વહીવટ મંત્રાલયો દ્વારા થાય છે તેવી રીતે જિલ્લા પંચાયતનો વહીવટ જિલ્લા પંચાયતની સમિતિઓ દ્વારા થાય છે.

આમ, જિલ્લા પંચાયતની સમિતિઓ અંગેનો અભ્યાસ સ્પર્ધાત્મક પરિક્ષાના વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પણ મહત્વનો છે.

જિલ્લા પંચાયતની સમિતિઓ પૈકી નીચેની સમિતિઓની ફરજિયાત રચના કરવાની હોય છે:

  • કારોબારી સમિતિ
  • સામાજિક ન્યાય સમિતિ
  • શિક્ષણ સમિતિ
  • જાહેર આરોગ્ય સમિતિ
  • જાહેર બાંધકામ સમિતિ
  • અપીલ સમિતિ
  • વીસ મુદ્દાના કાર્યક્રમના અમલ અને તેની સમીક્ષા માટેની સમિતિ

સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિની મુદત પંચાયતના જેટલી એટલે કે પાંચ વર્ષની રહેશે.

બાકીની સમિતિની મુદત બે વર્ષની રહેશે.

દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી સમિતિના અધ્યક્ષને ચુંટશે, પરંતુ જો પંચાયતના પ્રમુખ સમિતિના સભ્ય હોય તો તે હોદ્દાની રૂએ અધ્યક્ષ બનશે, જો પ્રમુખ ના પાડે તો ઉપપ્રમુખ અને બન્ને ના પાડે તો સમિતિનો કોઈપણ સભ્ય પ્રમુખ બની શકશે.

પંચાયતનો ચૂંટાયેલો સદસ્ય ન હોય તેવી કોઈપણ વ્યક્તિ કોઈપણ સમિતિના અધ્યક્ષ બની શકશે નહિ.

કોઈ પણ વ્યક્તિ પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ બંને હોદ્દા પર એકી સાથે રહી શકશે નહીં.

સમિતિમાં એકવાર ચૂંટાયેલ સભ્ય ફરી ચૂંટાવાને લાયક રહેશે.

કોઈ સભ્ય કે અધ્યક્ષ પંચાયતને પોતાનું રાજીનામું મોકલીને સભ્ય કે અધ્યક્ષપદેથી રાજીનામું આપી શકશે.

કોઈ સમિતિને નહીં સોંપાયેલ કાર્યો અને ફરજો તથા સત્તા જિલ્લા પંચાયત પોતે વાપરશે અને બજાવશે.

કારોબારી સમિતિ:

જિલ્લા પંચાયતની સમિતિઓમાં સૌથી મહત્વની સમિતિ કારોબારી સમિતિ છે.

સભ્ય સંખ્યા

વધુમાં વધુ નવ અને મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.

કારોબારી સમિતિ નાણાં, ગ્રામરક્ષકો અને ગ્રામસંરક્ષણને લગતાં કાર્યો તેમજ બીજી કોઈ સમિતિને નહીં સોંપાયેલા કાર્યો કરશે.

કારોબારી સમિતિ પોતાના સભ્યોમાંથી બે પેટા સમિતિઓ રચી શકશે, પણ તે કોઈ બાબતમાં આખરી નિર્ણય લઈ શકશે નહિ.

સામાજિક ન્યાય સમિતિ:

સભ્ય સંખ્યા – 5.  મુદત 5 વર્ષ કે પંચાયતના જેટલી જ.

સમિતિની રચના

વાલ્મિકી/સફાઈ કામદાર જાતિનો એક સભ્ય અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના મહિલા સભ્ય.

જો ઉપરોક્ત જ્ઞાતિના ચૂંટાયેલા સભ્યો ન હોય તો જિલ્લા પંચાયતમાં ચૂંટાવવાની લાયકાત ધરાવતા મતદારોમાંથી આ અનામત જાતિના સભ્યોને સમિતિમાં કો-ઓપ્ટ કરી શકાય.

કોપ્ટ થયેલા સભ્યોને મતાધિકાર નથી તેમજ તે સમિતિના અધ્યક્ષ ન બની શકે.

સામાજિક ન્યાય સમિતિનું કાર્ય

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ તેમજ સમાજના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળે તેમજ જાહેર સ્થળોમાં આ જાતિના લોકો પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય તે જોવાનું છે.

સામાજિક ન્યાય સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિ સમક્ષ અપીલ થઈ શકતી નથી,

સમિતિના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ રાજ્ય સરકારને 60 દિવસની મર્યાદામાં અપીલ કરી શકશે.

જિલ્લા પંચાયત આ સમિતિના કોઈ કાર્યો, સત્તા કે ફરજોમાં ફેરફાર કરી શકશે નહીં.

શિક્ષણ સમિતિ :

સભ્ય સંખ્યા – 7 થી 9, મુદત – પંચાયતના જેટલી જ.

સમિતિની રચના :

પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી અનુસુચિત જાતિનો એક સભ્ય

અનુસુચિત જનજાતિનો એક સભ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એક સભ્ય

જો ઉપરનામાંથી કોઈ સભ્ય ન મળે તો પંચાયતના બીજા સભ્યોને નિયુક્ત કરી શકાય.

જિલ્લામાંથી મતદાર યાદીમાં નામ ધરાવતા દસ વર્ષથી વધુ શૈક્ષણિક સંસ્થાનો અનુભવ ધરાવતા સ્નાતકમાંથી બે સભ્યો.

સમિતિ જિલ્લા પંચાયતની શિક્ષણને લગતી તમામ સત્તા વાપરશે પરંતુ સર્વોપરિતા જિલ્લા પંચાયતની રહેશે.

આ સમિતિને જિલ્લા પંચાયતની સંપૂર્ણ સત્તા સુપ્રત છે છતાં તેના નિર્ણયની સામે જિલા પંચાયતની અપીલ સમિતિને અપીલ થઈ શકશે.

જાહેર આરોગ્ય સમિતિ:

સભ્ય સંખ્યા 5, મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.

આ સમિતિ જાહેર આરોગ્ય, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, સફાઈ, પાણી પુરવઠો, શીતળા અને કુટુંબ નિયોજનને લગતાં જિલ્લા પંચાયત સોંપે તેવા કાર્યો કરશે અને તેવી સત્તાઓ વાપરશે.

જાહેર બાંધકામ સમિતિ :

સભ્ય સંખુઆ : 5, મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂરી થશે.

આ સમિતિ જાહેર બાંધકામો, વ્યવહારનાં સાધનો, મકાનો, ગામડાંના ઘરોનાં બાંધકામ અને કુદરતી આફતો સામે રાહતને લગતાં કાર્યો તેમજ જિલ્લા પંચાયત જે સત્તા અને ફરજો સોંપે તે અદા કરશે.

અપીલ સમિતિ:

સભ્ય સંખ્યા, જિલા પંચાયતના પ્રમુખ સિવાય અન્ય ચાર સભ્યો.

મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પૂરી થશે.

પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે.

જિલ્લા પંચાયત સમિતિના સેક્રેટરી માટે પંચાયતના કોઈ અધિકારીને નીમશે.

અપીલ સમિતિના અધ્યક્ષ નક્કી કરે તે સમયે અને સ્થળે મળશે, પરંતુ બેઠક અંગેની માહિતી સમિતિના સદસ્યોને ઓછામાં ઓછા બે દિવસ અગાઉ નોટિસથી જણાવવાની રહેશે.

સામાજિક ન્યાય સમિતિના નિર્ણય સિવાય જિલ્લા પંચાયતની અન્ય કોઈપણ સમિતિના નિર્ણય વિરુદ્ધ અપીલ સમિતિને અપીલ કરી શકાય છે.

સમિતિના ત્રણ સભ્યો હાજર હોય ત્યારે સુનવણી થઈ શકે.

વીસ મુદા અમલીકરણની સમિતિ:

સભ્ય સંખ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાય અન્ય ચાર સભ્યો.

મુદત બે વર્ષ, પંચાયતની મુદત પૂરી થતાં સમિતિની મુદત પણ પૂર્ણ થશે.

પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે.

પ્રધાનમંત્રીના વીસ મુદાના આર્થિક કાર્યક્રમનો પંચાયત દ્વારા અમલ કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવે છે.

તા. 1-4-1937થી વીસ મુદ્દાનો કાર્યક્રમ ગુજરાતમાં અમલી બન્યો છે. જેમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે. 

  1. ગ્રામીણ ગરીબાઈનો પ્રતિકાર
  2. વરસાદ આધારિત કૃષિ માટેની વ્યૂહરચના
  3. સિંચાઈના પાણીનો વધુ સારો ઉપયોગ
  4. મબલખ પાક
  5. જમીન સુધારણાનો અમલ
  6. ગ્રામીણ મજૂરો માટે ખાસ કાર્યક્રમ
  7. પીવાનું સ્વચ્છ પાણી
  8. સર્વ માટે આરોગ્ય
  9. બે બાળકોનો આદર્શ
  10. શિક્ષણનું વિસ્તૃતીકરણ
  11. અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓને ન્યાય
  12. મહિલાઓ માટે સમાનતા
  13. યુવાનો માટે નવી તકો
  14. લોકો માટે રહેણાંકની સુવિધા
  15. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સુધારો
  16. વનીકરણ માટે નવી વ્યુહરચના
  17. પર્યાવરણનું રક્ષણ
  18. ગ્રાહકોના હિતોની રક્ષા
  19. ગામો માટે ઊર્જા
  20. જવાબદાર વહીવટી તંત્ર

અન્ય સમિતિઓ

જિલ્લા પંચાયતને જરૂર લાગે તો નીચેની વધારાની સમિતિઓ રચી શકે છે. તે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા નથી.

ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ:

સભ્ય સંખ્યા : પ્રમુખ ઉપરાંત અન્ય ચાર સભ્યો મુદત – એક વર્ષ પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે.

મહિલા બાળકલ્યાણ અને યુવા પ્રવૃત્તિ સમિતિ:

સભ્ય સંખ્યા પ્રમુખ ઉપરાંત અન્ય ચાર સદસ્યો મુદત – એક વર્ષ પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાશે.

નોંધ :

જિલ્લા પંચાયતની સમિતિઓ રચાયા પછી સમિતિના સભ્યોના  નામ, બાયોડેટા સહિતની માહિતી વિકાસ કમિશ્નરશી, ગુજરાત રાજ્ય ગાંધીનગર અને અગ્ર સચિવશ્રી, પંચાયત અને ગ્રામ-ગૃહ નિર્માણને નામજોગ તાત્કાલિક મોકલી આપવાની રહેશે.

વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લા પંચાયતોને જરૂર લાગે તો ઉપરોક્ત સમિતિ ઉપરાંત ‘હળપતિ અને ભૂમિહિન ખેતમજૂરોની આવાસ બાંધકામ સમિતિ’ની રચના કરી શકાશે.

સભ્ય સંખ્યા : પ્રમુખ ઉપરંત અન્ય ચાર સભ્યો મુદત : એક વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ

જિલ્લા આયોજન સમિતિ:

સમગ્ર જિલ્લાની વિકાસ યોજના માટે જિલ્લા પંચાયતના સદસ્યો અને જિલ્લાની નગરપાલિકાઓના સદસ્યોની બનેલી એક જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવે છે.

આ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિઓ ઉપરાંત છે અને જિલ્લા પંચાયતના વિસ્તારમાં આવેલ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આયોજન કરે છે.

સભ્ય સંખ્યા : 30 થી 50

અધ્યક્ષ : જિલ્લાના પ્રભારી મંત્રી

ઉપાધ્યક્ષ : જિલ્લા પચાયતના પ્રમુખ

સભ્યો: ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જિલ્લા પંચાયતના અને નગરપાલિકા વિસ્તારની વસ્તિના પ્રમાણમાં, જિલ્લા પંચાયતનાં અને નગરપાલિકાના સદસ્યો.

નિયુક્ત સભ્યો : આયોજન નિષ્ણાંત, એન્જિનિયરિંગ નિષ્ણાત, નાણાં વહીવટી નિષ્ણાંત, સ્વૈચ્છિક/બિનસરકારી/સ્વસહાયજૂથ નિષ્ણાંત

કાયમી આમંત્રિતો : જિલ્લાના ચૂંટાયેલ સંસદ સભ્યો/વિધાનસભ્યો

આમંત્રિતો : જિલ્લા કક્ષાના ખાતાઓના અધિકાઓ

સમિતિના સચિવ : જિલ્લા કલેક્ટર

સભ્ય સચિવ : જિલ્લા વિકાસ અધિકારી

અધિક સભ્ય સચિવ : જિલ્લા આયોજન અધિકારી

દરેક તાલુકા માટે તાલુકાવાર પેટા સમિતિની રચના કરવાની રહેશે.

આ વિષયમાં આ અગાઉનો લેખ ‘પંચાયત ના કાર્યવાહકો – સરપંચ, તલાટી, ગ્રામ સેવક‘ પણ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *