Press "Enter" to skip to content

પંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો

Gaurav Chaudhry 0

પંચાયતીરાજની યોજનાઓ -2 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે. 

આ લેખ અગાઉના લેખ ‘પંચાયતીરાજની યોજનાઓ -1 ના અનુસંધાનમાં અભ્યાસ કરશો. 

આ યોજનાઓ જુદી જુદી સરકારો એ જુદા જુદા સમયે અમલમાં મુકેલ છે.

કેટલીક યોજનાઓ બદલાઈને નવી યોજનાઓ પણ શરૂ થયેલ છે, પણ મૂળ યોજનાથી કેટલાક પ્રભાવક પરિણામો મળેલ હોઈ તેને પણ સમાવી લીધી છે.

કલ્યાણકારી યોજનાઓએ  ગ્રામ પંચાયતોને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવતી સામાજિક વિકાસની વિભિન્ન યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અગાઉ જોયેલ 6 યોજનાઓ પછી હવે નીચેની યોજનાઓ જોઈએ. 

સમરસ ગ્રામ પંચાયત યોજના:

મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખપદે રહી ચુકેલા શ્રી રિખવદાસ શાહના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિએ સરપંચ સહિત તમામ સભ્યો બિનહરિફ ચૂંટાય તો પંચાયતને યોગ્ય અનુદાન આપવાની ભલામણ કરી હતી.

આ ભલામણનો અમલ પંચાયત વિભાગે તા.14-7-1992ના ઠરાવથી સરપંચ સહિત તમામ સભ્યો બિનહરિફ ચૂંટાય તો રૂ.2000 નું અનુદાન આપવાનું ઠરાવ્યું.

પછીથી તત્કાલિન  મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમરસ ગ્રામ પંચાયતોના નિર્માણમાં પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક અનુદાન આપવાની જાહેરાત કરેલ છે.

તા.29-10-2001 ના ઠરાવથી 5000 સુધી વસતિ ધરાવતા ગામ માટે રૂ 60,000 અને તેની ઉપરની વસતિ ધરાવતા ગામ માટે રૂ. 1,00,000 ની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો ઠરાવ કરેલ છે.

વધુમાં પંચાયત અને ગ્રામ પંચાયત અંગે વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટની જોગવાઈ નીચે પ્રમાણે કરી છે :

(1)5000ની વસ્તિ સુધી એક લાખ રૂપિયાનું અનુદાન અને તે પંચાયત સતત બીજી વાર સમરસ બને તો રૂ. 1,25,000 ની ગ્રાન્ટ

(2)5000થી વધુ વસ્તીવાળી ગ્રામ પંચાયત સમરસ બને તો રૂ. 1,50,000 નું અનુદાન અને તે પંચાયત સતત બીજીવાર સમરસ બને તો રૂ. 1,87,000 નું અનુદાન.

ડિસેમ્બર – 2001 ના પ્રથમ તબક્કાથી  જૂન-2004 સુધીના છઠ્ઠા તબક્કા સુધી ગુજરાતમાં કુલ 3,794 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.

અને તેમને 2,306.40 લાખ રૂપિયા અનુદાન ફાળવવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની દાંડી ગ્રામ પંચાયત સમરસ થયેલ છે અને તેને ગેટ વે ઓફ ફ્રીડમ તરીકે ઓળખવામાં આવે છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની થાપણ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે અને ત્યાં આર.ઓ.પ્લાન્ટ દ્વારા સમગ્ર ગામલોકોને પીવાનું શુદ્ધ પાણી પુરું પાડવામાં આવે છે.

આ ગ્રામપંચાયતને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળેલ છે.

ગોકુળ ગામ યોજના:

ગોકુળ ગામ યોજનાની શરૂઆત ભૂ.પૂ. મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે 1995-96માં શરૂ કરી હતી,

વચગાળામાં આ યોજના બંધ પડી હતી, પરંતુ 1998-99થી તેને ફરીથી ચાલુ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત ગામને પાદરથી પંચાયતઘર સુધી પાકો રસ્તો, પીવાના પાણીની સુવિધાઓના કામો, સ્નાનઘર, તળાવ ઊંડા કરવા, પ્રાથમિક શાળાના ઓરડા, પંચાયત ઘર, ઉકરડાઓનું વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર, ગૌચરજમીનમાં વનીકરણ જેવા વિકાસના કામો હાથ ધરવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

આ માટેની નાણાકીય જોગવાએ ગ્રામ વિકાસના ન્યુક્લિઅર સાધનોમાંથી કરવામાં આવી હતી.

યોજનાના કામો કરવાની સત્તા ગ્રામ સભાને આપવામાં આવી હતી.

કામોના અમલ માટે સરપંચની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિ રચવામાં આવી હતી.

સમિતિમાં સામાજિક ન્યાય સમિતિનો સભ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના દાતા સભ્ય, ગામના વિકાસમાં રસ લેનાર બે પ્રબદ્ધ નાગરિકો અને તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ યોજના અંતર્ગત પ્રત્યેક ગામને રૂ. પાંચ લાખ પ્રમાણે ત્રણ વરસ સુધી ગણાતા કુલ પંદર લાખ રૂપિયા સુધીની રકમ ફાળવવામાં આવી હતી.

નિર્ધારિત સમયમાં બધા ગામોને આવરી ન લેતા, યોજના લંબાવવામાં આવી હતી.

ગ્રામવિકાસની યોજના:

ભારત સરકારની ગ્રામવિકાસની એજન્સી અંતર્ગત દરેક ગામમાં પાંચ ગ્રામમિત્રો નીમવાનો નિર્ણય વર્ષ 2007-08 માં લેવાયો હતો.

આ યોજના અંતર્ગત દરેક ગામમાં પાંચ ગ્રામમિત્રો –  વિકાસ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને જનકલ્યાણ માટે નિમવાની જોગવાઈ છે.

ગ્રામમિત્રને માસિક એક હજારથી નીમવાની જોગવાઈ છે.

ગ્રામમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા અને 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવાનોને ગ્રામમિત્ર તરીકે પસંદ કરવામાં આવશે.

પંચવટી યોજના:

ગામડાનો નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાં લુપ્ત થતી ગ્રામ્ય વનસમૃદ્ધિનું જતન થાય તે હેતુથી ગુજરાત સરકારે તા.11-9-2014ના ઠરાવથી પંચવટી યોજના અમલમાં મૂકી છે.

આ વાર્ષિક યોજના છે.

આ યોજનામાં રૂ. 50,000 ગ્રામપંચાયત દ્વારા લોકફાળો અને રાજ્ય સરકાર દ્વારા રૂ 1,00,000 અનુદાનની જોગવાઈ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ગામલોકોનું સુવિધાયુક્ત બાગબગીચા જેવી સુવિધા પૂરી પાડવાનો મુખ્ય હેતુ આ યોજનામાં સમાયેલો છે.

આ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અમલીકરણ સમિતિ બનાવે છે

અને ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રીના અધ્યક્ષ સાથે પેટા સમિતિની રચના કરેલ છે.

આ યોજના અંતર્ગત ગામની નિશાળ પાસે કે અન્ય નજીકમાં રાખેલ 2000 ચો.મી. જમીનમાં પીપળ, વડ, હરડે, આસોપાલવ, વેલ તથા અન્ય વૃક્ષો રોપવાની સુચના છે.

ગામની જમીનને અનુકૂળ આવે તેવા ફળાઉં વૃક્ષો પણ વાવી શકાય.

આ જગ્યાએ સ્વચ્છ પીવાની પાણીની સગવડ, બેસવા માટે બાંકડા તથા બાળકોના મનોરંજન માટે હીંચકા, લપસણી, ફેરફુદરડી વગેરે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવાના રહેશે.

પંચવટી યોજના અંતર્ગત ગ્રામજનોએ પંચવટીના બાગ બગીચા, વૃક્ષોનું જતન અને જાળવણી કરવાનો સંકલ્પ લેવાનો રહેશે.

નિર્મળ ગામ, સ્વચ્છ ગામ-સ્વસ્થ ગ્રામ યોજના કેન્દ્ર સરકારે 1936 થી કેન્દ્રીય ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ શરૂ કર્યો હતો.

ભારત સરકારે તા.10-2-2004 થી સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પંચાયતો દ્વારા અમલમાં મૂક્યો છે.

રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ તા.24-1-1999 થી અમલમાં મૂક્યો છે.

ભારત સરકારે 1999થી નીર્મળ ગામ પુરસ્કાર યોજના અમલમાં મૂકી છે.

ઈ.સ. 2004માં ગુજરાતમાંથી એક ગ્રામ પંચાયત નિર્મળ ગ્રામ પુરસ્કાર માટે પસંદ થઈ હતી.

ઈ.સ. 2005માં ચાર, ઈ.સ. 2006-2007 માં રાજ્યની 381 પંચાયતોની પસંદગી થઈ હતી.

રાજ્ય સરકારે ઈ.સ. 2007ને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું હતુ.

ભારત સરકારે ઈ.સ. 2012 સુધી ગામડાના તમામ કુટુંબોને શૌચાલયથી આવરી લેવાની નેમ રાખી છે.

ગ્રામ્ય સુખાકારી યોજના:

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગ્રામ્ય સુખાકારી યોજનાઓના અમલ માટે તા.21-4-2014 નો પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગનો ઠરાવ પસાર કર્યો છે.

આ ઠરાવ હેઠળ રાજ્ય સરકાર પુરસ્કૃત ગ્રામ સુખાકારી યોજનાનો અમલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

આ યોજનાના અમલ માટે વિભિન્ન સ્તરની સમિતિઓ રચવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અમલમાં મૂકેલી અન્ય યોજનાઓ પણ છે જેનો સમાવેશ પંચાયતીરાજની યોજનાઓ -2 માં પણ કરી શકાયો નથી. પણ તે ખાસ મહત્વપૂર્ણ નથી

અહી ગુજરાતમાં અમલમાં મુકાયેલી યોજનાઓ જ આવરી લીધેલ છે.

પંચાયતીરાજની યોજનાઓ -2 એ કુલ બે લેખ પૈકીનો બીજો લેખ છે.

આ વિષયમાં આ અગાઉનો લેખ ‘ પંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો‘ પણ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *